જિનામૃત :- આર. શેખર

આવતીકાલે સવારે ભગવાનને વંદન કરવા જવું છે, પણ હું એકલો નહીં જઉ. મારા નગરજનો અને મારા રાજ્યના સમગ્ર સૈન્ય સાથે જઈશ. ભગવાન મહાવીર પરમાત્મા વિચરતાં વિચરતાં એક વાર કલિંગ દેશમાં પધારેલા. ભગવાન મહાવીરને ક્ષેત્રનો કોઈ રાગ કે દ્વેષ નથી. કોઈ એમના ભાવથી સત્કાર કરે તો વધારે રહેવું. એવા જ ક્રમ પ્રમાણે ભગવાન રાજા દશાર્ણભદ્રના નગર વિહાર ઉદ્યાનમાં પધારેલા છે. ઉદ્યાન પાલકે આવીને રાજાને સમાચાર આપ્યા. રાજા દશાર્ણભદ્ર પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. રાજાએ મંત્રી અને સેનાપતિને બોલાવ્યા. પોતાના મનની વાત એમને જણાવી. મારે મારા ભગવાનનો એવો મહિમા કરવો છે કે આજ સુધી કોઈએ પણ કર્યો ન હોય.

આપણા રાજ્યના તમામ હાથી, ઘોડા વગેરે તમામ પ્રકારની શોભા સાથે ભગવાનના દર્શન કરવા અને દેશના-પ્રવચન શ્રવણ કરવા માટે જવાનું છે. દેવલોકમાં બેઠેલા ઈન્દ્રને વિચાર આવ્યો. ભગવાન તારા નગરમાં આવે અને મહિમા કરે એનો વાંધો નથી, પણ એવું શું કે આજ સુધી થયું ન હોય એવું મારે કરવું છે. એટલે ભગવાનનો મહિમા કરવામાં પણ તમારે તમારું અહં પ્રર્દિશત કરવાનું! વાહ રે માનવ તારું માન! તારા માનનું કોઈ માપ જ નહીં? તો હવે મારે તને તારી હેસિયત બતાવી દેવી પડશે.

તમે આવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? કોઈએ ન કર્યો હોય એવો હું મહિમા કરીશ!! હવે તું પણ જો. તને પણ બતાવી દઈશ કે તારી શક્તિ કેટલી? અને સપનાં કેવાં? સપનાં જોવા, પણ જાતનો વિચાર કરીને. આપણી શક્તિનો વિચાર કર્યા વગરના સપનાં ક્યારેક આપણને પરેશાન કરી શકે છે. અરે! તું માનવ અને હું દેવ. તારા કરતાં મારી શક્તિ અનેકગણી વધારે છે. તું તારી શક્તિ બતાવજે અને હું મારી શક્તિ બતાવીશ પછી આપણે નક્કી કરીશું કોણે ભગવાનનો મહિમા કેવો કર્યો.

આવા વિચારો સૌધર્મ દેવલોકના રાજા સૌધર્મેન્દ્રે કર્યા. એમણે પણ નક્કી કરેલું કે આજે મારે પણ ભગવાનનો ભવ્ય મહિમા કરવો છે. સૌધર્મેન્દ્રે પણ પોતાના સેનાપતિ એવા હરિણૈગમિષી નામના પોતાના સેનાધિપતિને બોલાવે છે. હરિણૈગમિષી દેવે આવીને આજ્ઞા માંગી ત્યારે સૌધર્મેન્દ્રે તેને કહ્યું આજે આપણે ભગવાન મહાવીર પ્રભુને વંદન કરવા જવું છે. માત્ર જવું છે એટલું જ નહીં મારી સમગ્ર ઋધ્ધિ સાજે જવું છે. એટલે બધા દેવોને સંદેશો પહોંચાડી દો બધા તૈયાર થઈને આવી જાય. જી, મહારાજ! કહીને સેનાપતિ રવાના થયો. દેવોના સમાચાર આપવાના માધ્યમને પણ સમજવા જેવો છે. એક સુઘોષા નામનો ઘંટ હોય છે એ વગાડે ત્યાર પછી જે પણ ઉદ્ઘોષણા કરે તે દરેક દેવોને પોતાના વિમાનમાં બધા સાંભળી શકે. આપણે ત્યાં માઈકમાં બોલે અને સ્પીકરમાંથી અવાજ આવે એમ.

સેનાપતિ હરિણૈગમિષી દેવો સુઘોષા ઘંટનાદ કરીને બધા દેવોને સમાચાર આપી દીધા. પૃથ્વી તટ પર વિચરી રહેલા ભગવાન મહાવીરને વંદન કરવા માટે સૌધર્મેન્દ્રે મહારાજ પધારી રહ્યા છે તો જે પણ દેવાભ જવાની ઈચ્છાવાળા હોય તેઓએ સાથે પધારવું સાથે સમય પણ બતાવી દીધો. સારામાં સારા દાગીના. ઐરાવત હાથી કે જેને સાત સૂંઢ હોય છે, સફેદ કલરનો, કપાળ ઉપર વિશિષ્ટ પ્રકારનું કુદરતી જ તિલક છે, દૂરથી જોવાવાળાને તો કપાસનો ડુંગર જ લાગે એવા શ્રેષ્ઠ ઐરાવત હાથી ઉપર બેસીને પોતાના અંગો ઉપર વિશિષ્ટ પ્રકારના દાગીના ચઢાવી દીધા છે. પોતાની આસપાસમાં પટરાણીઓને પણ બેસાડી દીધી છે. જે ઉદ્યાનમાં ભગવાન મહાવીર પરમાભા બિરાજમાન છે એની એક તરફથી દશાર્ણભદ્ર પોતાના લાવ લશ્કર નગરજનો અંતઃપુર વગેરે સમેત આવી રહ્યો છે. તો બીજી બાજુથી સૌધર્મેન્દ્ર પોતાની સંપત્તિ અને સ્વજનો સાથે દેવલોકથી આવી રહ્યો છે.

સાવ સામાન્ય વાત એવી છે કે માનવની સંપત્તિ અને દેવની સંપત્તિનો ફરક હોય છે. માનવની સંપત્તિ નાશવંત હોય છે અને દેવોની સંપત્તિ ચિરસ્થાયી હોય છે અને ગુણવત્તામાં પણ દેવોની સંપત્તિ આપણા કરતાં વધારે સારી હોય છે. તો દેખાવમાં પણ દૈવ વસ્તુઓ અદ્ભુત અને સરસ હોય છે. દેવલોકની સામાન્ય વસ્તુની સામે પણ માનવીય સંપત્તિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુ હોય તો પણ એ ફીકી જ લાગે.

દશાર્ણભદ્રેની ઉત્કૃષ્ટ સામગ્રી પણ દેવોની સામગ્રીની સામે તુચ્છ લાગે છે. દશાર્ણભદ્ર પોતાના મનમાં તુલના કરે છે દેવોની સામગ્રી કેવી છે અને કેટલી છે. ક્વોલિટી અને કોન્ટિટી બધી જ દ્રષ્ટિએ પોતાની વસ્તુ ઉતરતી કક્ષાની જણાઈ રહી છે અને મારે સેકન્ડ નંબરમાં તો નથી જ રહેવું, મારે હવે મારી રીતે આગળનો વિચાર કરવો જોઈએ. આવો વિચાર કરીને તે ભગવાનના સમવસરણ તરફ આગળ વધ્યો.

ભગવાનના સમયસરણની રચના દેવો કરતા હોય છે. ત્રણ ગઢની રચના, વિશિષ્ટ પ્રકારના સિંહાસનની સાથે ભગવાનના શરીરના પ્રમાણ કરતા બાર ગણા ઊંચા અશોક વૃક્ષની સ્થાપના સરસ મજાના સોનાના સિંહાસનની સ્થાપના કરેલી છે અને ઉપર ભગવાન બિરાજમાન થાય. ભગવાન તો એક જ છે માટે એક જ દિશામાં ભગવાન બેસે પણ બાકીની ત્રણ દિશાઓમાં ભગવાનની પ્રતિકૃતિ બનાવીને દેવો સ્થાપન કરે છે, પણ એ પ્રતિકૃતિ પણ જીવંત હોય એવો વ્યવહાર કરે છે. મતલબ કે ભગવાન દેશના આવતા હોય ત્યારે આ પ્રતિકૃતિ પણ દેશના આવતી હોય, હાવભાવ વગેરે પણ એમાં થતા દેખાય. ટૂંકમાં આપણે એ નિર્ણય ન કરી શકીએ કે આમાં મૂળ પરમાત્મા કયાં છે અને પરમાત્માની પ્રતિકૃતિ ક્યાં છે.

દશાર્ણભદ્ર અને સૌધર્મેન્દ્ર બંને ભગવાનના સમવસરણમાં આવ્યા. બેય જણાં પોતપોતાની જગ્યાએ બેઠેલા છે. ઈન્દ્ર મનમાં વિચારે છે. આજે દશાર્ણભદ્રનું અભિમાન ઉતારી દીધું. ભગવાનનો મહિમા એના કરતાં તો કંઈક ગણો વધારે સારો મેં કર્યો છે. આવી વિચારધારા સાથે એના ચહેરાની પ્રસન્નતા પણ છાની રહી શકતી નથી. દશાર્ણભદ્રના હૃદયમાં પણ આજ વિચારણા ચાલે છે. ઈન્દ્ર પોતાની ઋદ્ધિ લઈને આવ્યા છે. દિવ્ય સંપત્તિ અને માનવીની સંપત્તિમાં ફરક તો પડવાનો જ છે. સ્વાભાવિક છે પણ હજુ મારી પાસે એક વસ્તુ છે અને એ એમની પાસે નથી.

દશાર્ણભદ્રે ભગવાનની દેશનાની મધ્યમાં જ જ્યારે પરમાત્માને કહી રહ્યા હતા. શરીરની સાર્થકતા સંયમના સ્વીકારમાં છે. આનંદ રાગમાં નહીં વૈરાગ્યમાં છે. કલ્યાણ સંસારમાં નહીં સંસારના ત્યાગમાં છે અને તેજ સમય દશાર્ણભદ્ર ઊભા થઈ ગયા. પ્રભુ મને પ્રવ્રજ્યા આપો આપની વાત મારા અંતરને સ્પર્શી ચૂકી છે. હવે હું સંસારમાં રહી શકું એમ નથી અને ભગવાને એમને ચારિત્ર અર્પણ કર્યું.

હવે ઈન્દ્ર લાચાર છે. ઈન્દ્રની સંયમના સ્વીકારની શક્તિ નથી. કારણકે દેવની એક મર્યાદા છે. મનુષ્ય સંયમનો સ્વીકાર કરી શકે છે દેવો નહીં. એમાં એમનું દેવત્ય અવરોધ કરે છે. દેવોને કોઈપણ જાતનો નિયમ કે વ્રત ગ્રહણ કરી શકાતા નથી, કારણકે એમની આવી એક મર્યાદા હોય છે. સર્વથા વ્રતનો સ્વીકાર માત્ર મનુષ્યો જ સ્વીકારી શકે છે. એટલે કે દીક્ષા ગ્રહણ કરવા માટેનો અધિકાર માત્ર માનવનો છે.

તિર્પંમ એટલે કે પશુ પક્ષીઓ આંશિક નિયમ ધારણ કરી શકે છે, પણ સર્વથા ન લઈ શકે. જ્યારે દેવ અને નરક ગતિના જીવાભાઓ કોઈપણ જાતના વ્રત નિયમનો સ્વીકાર કરી શકે જ નહીં. દશાર્ણભદ્રે સંયમનો સ્વીકાર કર્યો એ જોઈને હર્ષ અનુભવતા એવા ઈન્દ્રે ઊભા થઈને દશાર્ણભદ્ર રાર્જિષને અભિવાદન કરતાં કહ્યંહ તમે જીતી ગયા અને હું હારી ગયો, મારે તમારું અભિમાન દૂર કરવું હતું, પણ આજે તમે મારું અભિમાન દૂર કરી દીધું. તમને મારા હાર્દિક નમન છે.

આવા આત્મિક ઉત્થાન માટે ઉપયોગી બને એવું અભિમાન આપણા માટે પ્રશસ્ત છે, પણ જે માન માત્ર આપણાં કર્મંબંધમાં જ કારણ બનતું હોય અથવા આપણા ભૌતિક ઉપયોગમાં જ કારણ બનતું હોય એવું માન આપણા અપમાનનું જ અંતે કારણ બને છે. ભગવાન મહાવીરે બંને જણાને કહ્યું આમાં તમે એકપણ હાર્યા નથી, કોઈની હાર નથી થઈ, સાચા અર્થમાં બેયની જીત છે.

(ક્રમશઃ)

shraddha@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘ભક્તિ તો મારી જ શ્રેષ્ઠ’નો ભાવ કેવો? appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/bhakti-to-me-the-best/
via Best Gujarati News

0 Comments