ગીતાસાર

ય એનં વેત્તિ હન્તારમ યઃ ચ એનં મન્યતે હતમ  

 ઊભૌ તૌ ન વિજાનીતઃન અયમ હન્તિ ન હન્યતે”  

અર્થ :-  

“ જે આત્માને હણનારો અને હણાયેલો માને છે, તે કંઇ જાણતો નથી, કેમ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.” અગાઉના શ્લોકના સંદર્ભમાં જ આ શ્લોકને મૂલવીએ તો સમજવામાં સરળ પડશે. જો તમે અને હું એવું માનતા હોઇએ કે આત્મા જ હણે છે અને જે હણાય છે તે પણ આત્મા જ છે તો એ આપણી ગંભીર ભૂલ છે. આત્મા દેહને ચેતનવંતો બનાવનાર એક તત્ત્વ છે. તેની હાજરીથી જ દેહને જીવતો હોવાનું પ્રમાણિત કરાય છે. જે ઝઘડે છે તે તો દેહો ઝઘડે છે. જે કંઇ વાદવિવાદ થાય છે તે એક દેહના બીજા દેહ સાથેના છે. પતિ-પત્ની, ભાઇ-ભાઇ, સગાં સંબંધીઓ તેમ જ બે રાજ્ય કે બે દેશ વચ્ચેના ઝઘડા એ જુદા જુદા દેહો વચ્ચેના ઝઘડા છે. તેને કોઇ આત્મા સાથે લેવા દેવા હોતી જ નથી. ગીતામાં ભગવાને અનેક જગાએ કહ્યા જ કર્યું છે કે આત્માને દેહ સાથે કશી જ નિસ્બત નથી.

દેહ એ આત્માને ધરતી પર અવતરવા માટેનું એક માધ્યમ છે. આમ જો આપણે આત્માને હણાયેલો કે હણનારો માનીએ તો ભગવાનના કહેવા મુજબ આપણે કશું જ જાણતા નથી એવું પ્રતિપાદિત થશે. જો આપણે આપણી જાતને કશુંક જાણનાર તરીકે ખપાવવી હોય તો આપણે આત્મા અજય અને અમર છે તે ક્યારેય કોઇને હણતો નથી કે કોઇના દ્વારા હણાતો પણ નથી તે સત્ય સમજવું અને સ્વીકરવું જ રહ્યું. શસ્ત્રોના ઘા વાગે છે અને જે ઘવાય છે તે દેહ છે, મનુષ્ય દેહ નાશ પામે છે, દેહનું અસ્તિત્વ આ દુનિયામાંથી નાશ પામે છે, પણ આત્માને કઇ જ થતુ નથી. કેમ કે આત્મા તો અજેય છે. તેને ભેદવો કે નાશ કરવો અશક્ય છે. સૃષ્ટિની રચના જ આ રીતે થઇ છે, અને તે રચનાને સ્વીકારવી જ જોઇએ. અહીં એટલું જાણી અને માની જ લેવું જોઇએ કે આત્માને તો ઘા થતા જ નથી કે તેમાંથી લોહી પણ વહેતું નથી. હા જીવતે જીવત જે દુઃખનો અનુભવ થાય છે, પણ તેનાથી આત્મા મરી નથી પરવારતી.

  • અનંત પટેલ

anantpatel135@yahoo.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આત્મા હણતો નથી હણાતો પણ નથી   appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/the-soul-knows-not-hayat-ni-nath/
via Best Gujarati News

0 Comments