ચામડીના રોગોનું સર્વોત્તમ ઔષધ છે ખદિર
આરોગ્ય : વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે, ‘ખેર’નાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. કાથો અનેક પ્રકારનાં મુખ રોગોને મટાડનાર છે. એટલે પાનમાં તેનો ઉપયોગ કરવાથી મુખ નિરોગી રહે છે. આયુર્વેદ પ્રમાણે ખેર ચામડીનાં રોગોનું સર્વોત્તમ ઔષધ છે. મહર્ષિ ચરકે સૂત્રસ્થાનનાં પચ્ચીસમાં અધ્યાયમાં કહ્યું છે કે, ‘ખદિરઃ સર્વ કુષ્ઠઘ્નાનામ્ શ્રેષ્ઠઃ’ અર્થાત્, કુષ્ઠ (ચામડીનાં રોગો)નો નાશ કરનારા ઔષધ દ્રવ્યોમાં ખેર સર્વોત્તમ છે. આવો આપણા આ ભારતીય ઔષધ ખેર વિશે આજે થોડું જાણીએ.
ગુણકર્મો
આપણે ત્યાં ખેરનાં કાંટાદાર, ખરબચડી છાલવાળા મધ્યમ કદનાં વૃક્ષો પંજાબથી લઈને સિક્કિમ સુધી આશરે પાંચ હજાર ફૂટની ઊંચાઈ સુધીનાં પ્રદેશોમાં જોવા મળે છે. ખેરનાં વૃક્ષો ચાર જાતનાં થાય છે. જેમાંથી લાલ ખેર કે જેમાંથી સફેદ કાથો પ્રાપ્ત થાય છે, તે ઉત્તમ ગણાય છે.
આયુર્વેદ પ્રમાણે ખેર સ્વાદમાં કડવો અને તૂરો શીતળ, ભૂખ લગાડનાર, પચવામાં હળવો, કફ-પિત્ત શામક, દાંત માટે હિતકર, ગર્ભાશયની શિથિલતા દૂર કરનાર, સ્તંભક અને રક્ત શુદ્ધિકર છે. તે મદ, કૃમિ, તાવ, સોજા, રક્તસ્રાવ, ચામડીના રોગો, પિત્ત અને રક્તનાં રોગો વગેરેને મટાડનાર છે.રાસાયણિક દ્રષ્ટિએ ખેરનાં સારમાંથી ૩થી ૧૦% કાથો પ્રાપ્ત થાય છે. ખેરનાં સારમાં કેટેચિન ૪-૭% તથા કેટેચુટેનિક એસિડ ૫૦% હોય છે. જે તેનાં ઔષધિય ગુણો માટે જવાબદાર ગણાય છે.
ઉપયોગો
ખેર ચામડીના રોગોનું અક્સીર ઔષધ છે. ચામડીના કોઈપણ વિકારમાં ખેરની છાલનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવારે, બપોરે અને રાત્રે પાણી સાથે લેવું. ચામડીનો રોગ સર્વ શરીરમાં ફેલાયો હોય તો, ખેરની છાલનો ઉકાળો બનાવીને, એ ઉકાળો નહાવાનાં પાણીમાં મેળવીને તેનાથી સ્નાન કરવું. જો કોઈ એક ભાગ અધિક દૂષિત થયો હોય અને તેમાંથી રસી, પરુ, લોહી કે કફ ઝમતા હોય તો, તે ભાગને ખેરની છાલમાં ઉકાળાથી ધોવો જોઈએ.
સફેદ કોઢનાં દર્દીઓ પણ જો લાંબા સમય સુધી સવાર-સાંજ ખેરની છાલનો ઉકાળો પીવે અને સ્નાનમાં તેનો ઉપયોગ કરે તો અવશ્ય લાભ થાય છે. ખેરની છાલનો ઉકાળો આ પ્રમાણે બનાવવો. બે ચમચી ખેરની છાલનાં ભૂક્કાને એક ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળવો. ઉકળતા આશરે અડધો કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ગાળી, ઠંડો પાડી, તે ઉકાળો પી જવો.
દાંત અને મુખના રોગોમાં ખેરની છાલનો ઉકાળો મુખમાં ભરી રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે. દાંત હલતા હોય, દાંતમાં કળતર થતી હોય, મુખમાંથી દુર્ગંધ આવતી હોય, દાંત અને પેઢામાંથી રક્તસ્રાવ થતો હોય તેમણે આ પ્રમાણે ખેરનો ઉકાળો પાંચથી દસ મિનિટ સુધી મોઢામાં ભરી રાખવો. ખેર છાલનાં ઉકાળાને બદલે ઉત્તમ અને અસલી કાથો પાણીમાં મેળવીને પણ મુખમાં રાખી શકાય છે.
જે સ્ત્રીઓને અતિ પ્રસવ, અતિ સંભોગ કે પ્રદરને કારણે ગર્ભાશય શિથિલ થઈ ગયું હોય તેમને માટે ખેર આશીર્વાદ સમાન છે. ખેર તૂરા રસ યુક્ત હોવાથી ગર્ભાશયની શિથિલતા દૂર કરે છે. આ તકલીફમાં સ્ત્રીઓએ ખેરની છાલનાં ઉકાળાનું સવાર-સાંજ સેવન કરવું અથવા ખદિરારિષ્ટ નામની પ્રવાહી દવા (જે બજારમાં તૈયાર મળી રહે છે.) જમ્યા પછી એકાદ કલાકે થોડું પાણી ઉમેરીને પી જવી. ઘણી સ્ત્રીઓને ગર્ભાશયની શિથિલતાને લીધે ગર્ભાશયમાં ગર્ભ ટકતો નથી. ત્રણ ચાર મહિને જ કસુવાવડ થઈ જાય છે. આવી સ્ત્રીઓ માટે પણ આ ઉપચાર લાભદાયક છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચામડીના રોગોનું સર્વોત્તમ ઔષધ છે ખદિર appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/skin-disease-survivor/
via Best Gujarati News
0 Comments