બિલ્કિસબાનોને રૂપિયા ૫૦ લાખનું વળતર ચૂકવવા ગુજરાત સરકારને સુપ્રીમનો આદેશ
। નવીદિલ્હી ।
૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસબાનોને રૂપિયા ૫૦ લાખનું વળતર, સરકારી નોકરી અને રહેવા માટે મકાન આપવા સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. અગાઉ બિલ્કિસબાનોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જાહેર કરેલું રૂપિયા પાંચ લાખનું વળતર અત્યંત ઓછું છે.
બિલ્કિસબાનોએ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે રૂપિયા પાંચ લાખના વળતરને વચગાળાની સહાય ગણાવી મામલાની સુનાવણી ૨૩મી એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. બિલ્કિસબાનોના વકીલ શોભા ગુપ્તાએ જણાવ્યું હતું કે અત્યંત જઘન્ય અપરાધનો ભોગ બન્યા પછી બિલ્કિસબાનો એક વિચરતી જાતિ જેવું જીવન પસાર કરી રહી છે તેથી તેને અસામાન્ય વળતર મળવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોમાં પંચમહાલ જિલ્લામાં હિંસક ટોળાંએ નાસી રહેલી બિલ્કિસબાનો અને તેના પરિવારના સભ્યો પર હુમલો કરી નૃશંસ હત્યાઓ કરી હતી. ગર્ભવતી એવી બિલ્કિસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
૧૯ વર્ષની બિલ્કિસબાનોનુ પાંચ માસની ગર્ભવતી હતી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરાયું હતુ
ગુજરાતના રમખાણો દરમ્યાન ૨૦૦૨ની ૩જી માર્ચે અમદાવાદ થી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા રણધીકપુર ગામમાં બિલ્કિસબાનો પરિવાર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો તે વખતે ૧૯ વર્ષની બિલ્કિસબાનો પાંચ માસની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. હિંસક ટોળાએ બિલ્કિસબાનોના પરિવારના ૮ લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં ૩ દિવસનું બાળકનો પણ સામેલ હતુ. આ ગંભીર કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.સીબીઆઈએ તપાસ કરીને પોલીસ અધિકારીઓ સહિત અન્યની ધરપકડ કરીને ચાર્જશીટ મુકયુ હતુ. બાદમાં સુપ્રીમ કોર્ટે ૨૦૦૪ના વર્ષમાં કેસની સુનાવણી મુંબઈમાં ટ્રાન્સફર કરી દીધી હતી.
દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાઈ રહ્યાં છે : સરકારી વકીલ
ગુજરાત સરકાર વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, દોષિત ઠેરવાયેલા પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાંની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા ટૂંકસમયમાં પૂરી થશે. જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા બે સપ્તાહમાં પૂરી કરવામાં આવે.
ગુજરાત સરકાર અપરાધીઓને છાવરનારા અધિકારીઓ સામે પગલાં ભરી રહી નથી : વકીલ
૩૦મી માર્ચની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસબાનો ગેંગરેપ કેસમાં બોમ્બે હાઇકોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા આઈપીએસ અધિકારી સહિતના પોલીસ અધિકારીઓ સામે બે સપ્તાહમાં શિસ્તભંગના પગલાં લેવાના આદેશ જારી કર્યાં હતાં. મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં બિલ્કિસબાનોના વકીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બોમ્બે હાઇકોર્ટ દ્વારા દોષિત ઠેરવાયા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. ગુજરાતમાં ફરજ બજાવી રહેલા આઈપીએસ અધિકારી આ વર્ષે નિવૃત્ત થઈ જવાના છે અને અન્ય ચાર દોષિત ઠેરવાયેલા અધિકારીઓ નિવૃત્ત થઈ ગયાં છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયાં નથી. આ અધિકારીઓને તપાસમાં આરોપીઓેને છાવરવા માટે હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બિલ્કિસબાનોને રૂપિયા ૫૦ લાખનું વળતર ચૂકવવા ગુજરાત સરકારને સુપ્રીમનો આદેશ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/billionaire-rupees-50/
via Best Gujarati News
0 Comments