જીવન ધ્યાન :- ઓશો

ઓશો, આપને ઘણીવાર એમ કહેતા મેં સાંભળ્યા છે કે અમે આ ક્ષણે જ જાગ્રત થઈ શકીએ. આપના શબ્દો અને આપ જે રીતે કહો છો તેનાથી હું એટલો બધો રોમાંચિત થાઉ છું કે હું ઘણીવાર હલબલી ઊઠું છું. પરંતુ જાગૃત થતો નથી. જાગ્રત થવામાં મને ખરેખર શું બાધારૂપ છે?

  • શું અચેતન (unconcious) એટલું બધું શક્તિશાળી છે? શું મારે હજુ વધારે ને વધારે ડ્રાય-કલીનિંગની જરૂર છે?

અવચેતન ખરેખર ખૂબ શક્તિશાળી તો છે જ, ઉપરાંતમાં અતિવિશાળ છે- એ તમારા પહેલેથી છેલ્લે સુધીનો સંપૂર્ણ ભૂતકાળ છે. અસ્તિત્વમાં જે પણ કંઈ બન્યું તે બધું તમારા અવચેતનનો ભાગ છે. અવચેતન તમારા ભૂતકાળ જેટલો જ દીર્ઘ અને અનંત છે. પારચેતન (જેૅીિ ર્ષ્ઠહર્ષ્ઠૈેજ) નું પણ તેવું જ છે. તે તમારા ભવિષ્ય જેટલું જ દીર્ઘ અને અનંત છે. તમે બરાબર વચ્ચે છો- તમે હંમેશાં વચ્ચે જ છો.

ભૂતકાળ ખૂબ શક્તિશાળી છે કારણ કે તે બનેલી બાબતો છે તેથી તે તમારી ઉપર છાપ છોડી ગયો છે. ભવિષ્ય એટલું બધું શક્તિશાળી નથી, કારણ કે તે હજુ બન્યું નથી. તે માત્ર એક સંભાવના છે. ભૂતકાળ વાસ્તવિક છે- એક ઈતિહાસ છે. તમારું અવચેતન તમારો ઈતિહાસ છે અને તે અતિવિરાટ છે. તમારું પારચેતન કે જેનો અર્થ જાગૃતિ થાય છે માત્ર સંભાવના છે. તમે તેને ઠેલ્યે રાખી શકો છો.

તમારો ભૂતકાળ તમારી સંભાવનાને મોકૂફ રાખવાનું કામ કરે છે. તે તમને કીધે રાખે છે કે વિચાર સારો છે, જાગૃત થવું જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ, પણ આ બધા મોકૂફ રાખવાના રસ્તા છે. કેવી રીતે જાગ્રત થવું એ બાબતમાં ભૂતકાળ પ્રશ્નો ઊભા કર્યા કરે છે. આ પ્રશ્નો તમારામાં રસ જગાડે છે, પણ જાગ્રત કેવી રીતે થવું તે પ્રશ્ન, પ્રશ્ન જ રહે છે. ‘આ કેવી રીતે?’ એ પણ મુલતવી રખાવવાનો એક રસ્તો છે. તેથી જયારે હું કહું છું કે ‘જાગ્રત થાઓ’ ત્યારે તમારા પારચેતનમાં હલચલ પેદા થાય છે અને તમે રોમાંચિત થઈ જાઓ છો.

અવચેતન એ એક જાડી દીવાલ છે, પણ તે તમને જાગ્રત થવામાં અવરોધ પેદા કરી શકે નહિ. તે ફક્ત મોકૂફ રખાવી શકે પણ તેનો આધાર તમે કેટલી ગહનતાથી મને સાંભળો છો તેના ઉપર રહે છે. તમે મને ફક્ત ઉપરથી (hearing) સાંભળો છો કે ધ્યાનપૂર્વક (listeaning) સાંભળો છો તેના ઉપર છે. આ બંને શબ્દો વચ્ચેના તફાવતમાં ઊંડા ઊતરો.

સાંભળવું એ ખૂબ સહેલું છે. જેને પણ કાન હોય તે સાંભળી શકે છે પણ ધ્યાનપૂર્વક સાંભળવું એ ઉપર ઉપરથી સાંભળવા કરતાં કંઈક વધારે છે. ધ્યાનપૂર્વક સાંભળવાનો અર્થ થાય છે તમારા મગજને વચ્ચે લાવ્યા વગર એટલે કે મગજને અર્થઘટનની, દખલગીરીની, પોતાની લીપા-પોતી કરવાની, સૂચિતાર્થ વચ્ચે લાવવાની કે ભૂતકાળ સાથે એટલે કે તમારા અવચેતન સાથે સાંકળવાની તક આપ્યા વગર, સાંભળવું.

જ્યારે હું એમ કહું છું કે જાગ્રત થાઓ ત્યારે તેનો મારો એક જ અર્થ છે. તમે જ્યારે તે શબ્દો ઉપર ઉપરથી સાંભળો છો ત્યારે શક્ય છે કે તમે તેનો બીજો અર્થ કરી નાખો પણ જો તમે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે તો મારો જે અર્થ છે તે જ અર્થ તમે સમજશો. ધ્યાનપૂર્વક સાંભળવાનો અર્થ છે મગજને બાજુ ઉપર મૂકી દેવું. એમ કરવાથી તમને જે કહેવામાં આવે છે તે સીધું તમારા હૃદયમાં-તમારા સ્વત્વમાં ઊતરી જશે.

આમ થશે તો કદાચ તમે કોઈપણ ક્ષણે જાગી જાવ. કોઈ નાની-અમથી ચીજ પણ તમારામાં ચિનગારી ભડકાવી શકે. તેની આગાહી થઈ શકતી નથી. ક્યારે શું થશે તે કદી કહી શકાય નહિ. અને શું મદદગાર થઈ શકે તે કહી શકાય નહીં. હું તો માત્ર તમને જુદી જુદી રીતે સમજાવી શકું કે જેથી જાગૃતિનો અર્થ તમારી આસપાસ ઘેરો થતો જાય પછી તો ગમે ત્યારે તે સંભવી શકે.

સાધકોને આત્મ-સાક્ષાત્કાર, ન કલ્પી શકાય તેવી સ્થિતિમાં, કાર્ય કારણના સંબંધ વિના લાધી ગયો છે. લાઓત્સે એક ઝાડ નીચે બેઠા હતા. તે વખતે તે ઝાડમાંથી સૂકાં પાંદડાં ખરવા માંડયા અને તેમને આત્મ-સાક્ષાત્કાર થઈ ગયો! પવન મંદ મંદ વા’તો હતો. પાંદડાં ધીરેધીરે પીછાંની માફક ખરતા હતા અને તેઓ માત્ર ખરતાં પાંદડાને જોઈ રહ્યાં હતાં. પાંદડા જેવા ભોંય ઉપર ઠરીઠામ થયા કે તેમનામાં કંઈક એવો સંચાર થયો કે જેને પાંદડા સાથે કંઇ લેવા દેવા નહોતી.

તેમણે તો માત્ર પાંદડાની આ રીત જે થતું હોય તેમાં આ બાધા નાખ્યા વગર થવા દો (let-go) જોઈ. ઝાડ સાથે એક ક્ષણ પણ વધારે ચોંટી રહેવાનો કોઈ પ્રયત્ન નહિ. પાંદડું તેની આખી જિંદગી ઝાડ સાથે જોડાયેલું હતું છતાં તેણે પાછું વળીને પણ જોયું નહિ. ક્યાંય પહોંચવાની પણ ઉતાવળ નહિ તેનામાં પૂર્ણપણે થતા (let-go) અને જ્યાં લઈ જાય ત્યાં જવા માટેની તૈયારી સાથે પવનમાં પાકો વિશ્વાસ. પાંદડાના ખરવા સાથે આ બધું લાઓત્સે સાથે બની ગયું અને તે દિવસથી તે એક અલગ વ્યક્તિ બની ગયા.

ગુરુ તો માત્ર એક જ કામ કરી શકે અને તે એ કે તે તમારી આસપાસ હજારો અર્થઘટનોના તાણાવા ગૂંથી શકે. કદાચ આમાંથી એકાદ પ્રક્રિયા ચિનગારી બની જાય. પણ આ ચિનગારી કોનાથી થશે તે કહી શકાતું નથી. એવી ઘણી બાબતો ઉપર તે નિર્ભર છે અને તેની આગાહી કરી શકાતી નથી.

(ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મારે મન તો પરિપક્વતા એ આધ્યાત્મિક ઘટના છે appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/i-mind-to-maturity-a-other/
via Best Gujarati News

0 Comments