ટેક્સ પ્લાનિંગ  : મુકેશ પટેલ

આવકવેરાના કાયદાની કલમ ૮૦જી હેઠળ, કરદાતાએ પાછલા વર્ષ દરમિયાન જો સરકાર, સ્થાનિક સંસ્થા અથવા કોઈ માન્ય ધાર્મિક કે સખાવતી સંસ્થા (Religious or Charitable Institution) કે ફંડ અથવા શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ કે માન્ય રમતગમત માટેના મંડળને, સખાવતી હેતુસર દાન કર્યું હોય, તો નિયત શરતોને આધીન, આવા દાનોની ચોખ્ખી માન્ય રકમના નીચે જણાવ્યા અનુસાર ૫૦% કે ૧૦૦% જેટલી રકમ, તેની કુલ ગ્રોસ આવકમાંથી કપાત તરીકે મજરે મળી શકશે.

  • કલમ ૮૦જી હેઠળ કપાતનો લાભ લેવાના હેતુસર, દાનની રકમ કલમ ૮૦જી હેઠળ માન્ય એવા ફંડ કે સંસ્થાને અપાયેલી હોવી જોઈએ. આ હેતુસર, કરદાતાએ આવી સંસ્થાને કલમ ૮૦જી હેઠળ માન્યતાનું સર્ટિફિકેટ મળ્યું હોય તેની ચકાસણી કરી લેવી જોઈએ. ૧લી ઓક્ટોબર, ૨૦૦૯થી કરાયેલ સુધારા અનુસાર, કલમ ૮૦જી હેઠળની એક વાર માન્યતા આપવામાં આવે, ત્યાર પછી તેની પુનઃ માન્યતા લેવાનું આવશ્યક ગણાશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, ૧લી ઓક્ટોબર, ૨૦૦૯ કે ત્યાર બાદ પૂર્ણ થતી માન્યતાઓના કેસમાં, આવી માન્યતા જ્યાં સુધી પાછી ખેંચવામાં આવે નહીં ત્યાં સુધી તેને કાયમી ધોરણે આપવામાં આવી છે તેમ ગણવામાં આવશે.
  • કલમ ૮૦જી હેઠળની કપાત માત્ર નાણાકીય દાન (Donation of Money)ના સંદર્ભમાં જ મળી શકે છે અને વસ્તુ સ્વરૂપી દાન (Donation in Kind) સંબંધી કોઈ કપાતનો લાભ મળી શકતો નથી તે ખ્યાલમાં રાખવું જરૂરી છે.
  • આકારણી વર્ષ ૨૦૧૩-૧૪થી કરાયેલ જોગવાઈ અનુસાર રૂ.૧૦,૦૦૦થી વધુ રકમનું દાન જો રોકડ સ્વરૂપે (In cash) આપવામાં આવ્યું હોય તો તે સંબંધી કલમ ૮૦જી હેઠળ કપાતનો કોઈ લાભ મળી શકશે નહીં.

રોકડમાં દાન સંબંધી કપાતનો લાભ નિયંત્રિત !

રોકડના વ્યવહારો ઉપર અંકુશ મૂકવાનો સરકારનો અભિગમ તેમજ દાનને લગતા વ્યવહારોમાં પારદર્શકતા લાવવાના હેતુસર આકારણી વર્ષ ૨૦૧૮-૧૯થી અમરી બનાવાયેલ સુધારા અનુસાર રૂ.૧૦,૦૦૦ની ઉપરોક્ત નાણાકીય મર્યાદાને ઘટાડીને રૂ.૨,૦૦૦ કરવામાં આવીછે. આ સુધારાને લક્ષમાં રાખતા જો કરદાતા તેના દ્વારા આપવામાં  આવતા દાનના સંદર્ભમાં કલમ ૮૦જી હેઠળની કપાતનો લાભ લેવા ઈચ્છતો હોય, તો તેને રૂ.૨,૦૦૦થી વધુ દાનની રકમ રોકડમાં આપવામાં આવે નહીં તેની કાળજી લેવાની રહેશે.

કલમ ૮૦જી હેઠળની કપાતની ગણતરીના હેતુસર, દાનની ‘ચોખ્ખી માન્ય રકમ’ (Net Qualifying Amount)ને લક્ષમાં લેવાની રહે છે. આ રકમને કરતાદાની ‘એડજસ્ટેડ કુલ ગ્રોસ આવક’ (Adjusted Gross Total Income)ના ૧૦%ના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. ‘એડજસ્ટેડ કુલ ગ્રોસ આવક’ની ગણતરીના હેતુસર કરદાતાની કુલ ગ્રોસ આવકમાંથી નીચેની રકમોને બાદ કરવાની રહે છે.

  • કલમ ૮૦સીથી કલમ ૮૦યુ હેઠળની કપાતો (કલમ ૮૦જી સિવાય).
  • એવી આવકો જેના સંદર્ભમાં આવકવેરો ભરવાપાત્ર નથી.
  • કલમ ૧૧૧એ કે ૧૧૨ હેઠળ વિશિષ્ટ દરે આવકવેરાને પાત્ર એવી લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની મૂડી-નફાની આવકો.
  • કલમ ૧૧૫એ થી ૧૧૫ડી હેઠળ બિન-રહીશોના કેસમાં કરપાત્ર એવી વિશિષ્ટ આવકો.

કલમ ૮૦જીજીએ હેઠળ વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામ વિકાસ વગેરે માટે અપાતા દાન સંબંધી મળી શકતી કપાત

ધંધો-વ્યવસાય કરતા કરદાતાઓને કલમ ૩૫, કલમ ૩૫સીસીએ, ૩૫સીસીબી તથા ૩૫એસી હેઠળ તેમણે વૈજ્ઞાનિક સંશોધન (Scientific Research) સમાજ વિજ્ઞાન કે આંકડાશાસ્ત્રીય સંશોધન (Social Science or Statistical ResearchSocial Science or Statistical Research) અથવા ગ્રામ વિકાસ (Rural Development) અથવા નૈસર્ગિક સંપત્તિના સંરક્ષણ (Conservation of Natural Resources) અથવા વનીકરણ (Afforestation) તેમજ માન્ય પ્રોજેક્ટ કે સ્કીમના અમલના હેતુઓ માટે આપેલી રકમોને તેમની ધંધાકીય આવકમાંથી ૧૦૦%થી ૧૫૦% સુધી નક્કી થતી રકમના આધારે ખર્ચ તરીકે બાદ આપવામાં આવે છે.

ધંધો-વ્યવસાય ન કરતા હોય તેવા કરદાતાઓ પણ આવા હેતુસર દાનની રકમો આપવા માટે પ્રેરાય તે દૃષ્ટિથી દાખલ કરાયેલી કલમ ૮૦જીજીએ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે પાછલા વર્ષ દરમિયાન કરદાતા દ્વારા કલમ ૩૫ હેઠળ માન્ય એવા મંડળ, યુનિવર્સિટી, કોલેજ અથવા સંસ્થાને, સમાજવિદ્યા અથવા આંકડાશાસ્ત્રને લગતા વૈજ્ઞાનિક સંશોધનના હેતુસર અથવા કલમ ૩૫સીસીએ હેઠળ માન્ય એવા સંસ્થા કે મંડળને ગ્રામ વિકાસના કાર્યક્રમો હાથ ધરવાના હેતુસર અથવા કલમ ૩૫સીસીબી હેઠળ માન્ય એવા સંસ્થા કે મંડળને નૈસર્ગિક સંપત્તિના સંરક્ષણ તેમજ વનીકરણના કાર્યક્રમો હાથ ધરવાના હેતુસર અથવા કલમ ૩૫એસી હેઠળ માન્ય સંસ્થા દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ કે સ્કીમના અમલ માટે, જે કાંઈ રકમ દાન સ્વરૂપે આપવામાં આવી હોય, તે રકમ કરદાતાને પોતાની કુલ ગ્રોસ આવકમાંથી ૧૦૦% કપાત તરીકે બાદ મળી શકશે.

કલમ ૮૦જીજીબી તેમજ ૮૦જીજીસી હેઠળ રાજકીય પક્ષો તેમજ ‘ઇલેક્ટોરલ ટ્રસ્ટ’ને આપવામાં આવતા ફાળા સંબંધી ૧૦૦%ની કપાતનો વિશિષ્ટ લાભ

કલમ ૮૦જીજીબી તેમજ ૮૦જીજીસીની જોગવાઈઓ અનુસાર નિયત શરતોને આધીન, રાજકીય પક્ષોને આપવામાં આવતા ફાળા (Contribution to Political parties) તેમજ ‘ઇલેક્ટોરલ ટ્રસ્ટ’ને અપાતા ફાળાના સંદર્ભમાં ૧૦૦%ની કપાતનો લાભ મળી શકે છે. આકારણી વર્ષ ૨૦૧૭-૧૮થી કરાયેલ જોગવઈ અનુસાર રૂ.૨,૦૦૦ (આકારણી વર્ષ ૨૦૧૬-૧૭ સુધી રૂ.૧૦,૦૦૦)થી વધુ રકમનો ફાળો, જો રોકડ સ્વરૂપે (In cash) આપવામાં આવ્યો હોય તો તે સંબંધી આ કલમો હેઠળ કપાતનો કોઈ લાભ મળી શકશે નહીં.

એડજસ્ટેડ કુલ ગ્રોસ આવક’ના ૧૦%ની મર્યાદા લાગુ ન પડે એવા દાન ૧૦૦%ના ધોરણે કપાત મળવાપાત્ર દાન

  • નેશનલ ડિફેન્સ ફંડ
  • પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ
  • પ્રાઈમ મિનિસ્ટર્સ આર્મેનિયા અર્થક્વેક રિલીફ ફંડ
  • આફ્રિકા (પબ્લિક કોન્ટ્રિબ્યુશન-ઈન્ડિયા) ફંડ
  • નેશનલ ચિલ્ડ્રન્સ ફંડ
  • નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની
  • નિયત સત્તા દ્વારા આ હેતુસર માન્ય કરવામાં આવે તેવી યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થા
  • મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ અર્થક્વેક રિલીફ ફંડ
  • ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાતના ભૂકંપ પીડિતો માટેનું ફંડ
  • જિલ્લા સાક્ષરતા સમિતિ
  • રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાની બ્લડ ટ્રાન્સફ્યૂઝન કાઉન્સિલ્સ ? રાજ્ય સરકાર દ્વારા ગરીબોને તબીબી સહાય માટે સ્થપાતા ફંડ
  • સંરક્ષણ કલ્યાણ ફંડ
  • આંધ્ર પ્રદેશ ચીફ મિનિસ્ટર્સ સાઈક્લોન રિલીફ ફંડ
  • નેશનલ ઈલનેસ આસિસ્ટન્સ ફંડ
  • રાજ્ય કક્ષાએ ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ કક્ષાએ લેફ્ટનન્ટ ગવર્નર્સ રિલીફ ફંડ
  • નેશનલ સ્પોર્ટ્સ ફંડ
  • નેશનલ કલ્ચરલ ફંડ
  • ફંડ ફોર ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન
  • નેશનલ ટ્રસ્ટ ફોર વેલ્ફેર ઓફ પર્સન્સ વિથ ઓટિઝમ, સેરીબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન એન્ડ મેન્ટલ ડિસએબિલિટીઝ
  • સ્વચ્છ ભારત કોશ
  • ક્લીન ગંગા ફંડ
  • ઉપરોક્ત સંદર્ભમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૨૦૧૩ના કંપનીઝ એક્ટની કલમ ૧૩૫(૫) હેઠળ Corporate Social Responsibility (CSR) માટે સ્વચ્છ ભારત કોશ તેમજ ક્લીન ગંગા ફંડના હેતુસર ખર્ચ કરવામાં આવતી રકમ સંબંધી, કલમ ૮૦જી હેઠળની કપાતનો લાભ મળશે નહીં.

૫૦%ના ધોરણે કપાત મળવાપાત્ર દાન

  • જવાહર નહેરુ મેમોરિયલ ફંડ
  • પ્રાઈમ મિનિસ્ટર્સ-ડ્રોટ-રિલીફ ફંડ
  • ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ
  • રાજીવ ગાંધી ફાઉન્ડેશન
  • નેશનલ ફંડ ફોર કંટ્રોલ ઓફ ડ્રગ એબ્યુઝ

એડજસ્ટેડ કુલ ગ્રોસ આવક’ના ૧૦%ની મર્યાદા લાગુ પડે એવા દાન ૧૦૦%ના ધોરણે કપાત મળવાપાત્ર દાન

  • કુટુંબ નિયોજનની ઝુંબેશને વેગ મળે તે હેતુસર સરકાર દ્વારા માન્ય કોઈ સ્થાનિક સંસ્થા કે મંડળ (હાલ પૂરતી ભારતીય રેડક્રોસ સોસાયટી તથા ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા)
  • ઈન્ડિયન ઓલિમ્પિક અસોસિયેશન, કલમ ૧૦(૨૩) હેઠળ માન્ય કરાયેલી રમત ગમત માટેની કોઈ પણ સંસ્થા (માત્ર કંપની કરદાતાઓ માટે)

૫૦%ના ધોરણે કપાત મળવાપાત્ર દાન

  • કલમ ૮૦જી(૫)માં નિર્દિષ્ટ શરતો પૂર્ણ કરે તેવા ફંડ અથવા તેવી સંસ્થા
  • લઘુમતી કોમના હિત ઉત્થાન માટે કલમ ૧૦(૨૬બીબી) હેઠળ નિર્દિષ્ટ કોર્પારેશન
  • રિપેર કે રિનોવેશન માટે નિર્દિષ્ટ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ કે અન્ય સ્થળ
  • કુટુંબ નિયોજન સિવાયના અન્ય ધર્માદા હેતુ માટે સરકાર અથવા સરકાર દ્વારા માન્ય કોઈ સ્થાનિક સંસ્થા કે મંડળ
  • ભારતમાં રહેઠાણની સુવિધા અથવા શહેરી વિસ્તારના આયોજન માટે સ્થાપિત, કલમ ૧૦(૨૦એ) હેઠળ માન્ય સંસ્થા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જાહેર ધર્માદા હેતુ તેમજ રાજકીય પક્ષોને દાન સંબંધી આવકવેરા કપાતનો લાભો ! appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/public-charity-purpose-as-2/
via Best Gujarati News

0 Comments