Birthday SPCL: જબ સચિન પિચ પર હોતા થા, કોઇ જાદુ કી કલ્પના હોતી થી
૧૯૮૩નો સમય હતો મુંબઇમાં ક્રિકેટ કોચ તરીકે આચરેકરનું નામ હતું. એક નવયુવાન કોચ આચરેકર પાસે પોતાના ૧૦ વર્ષના ભાઇને લઇને આવ્યો અને કહ્યું, દાદા આને ક્રિકેટનો શોખ છે, આને તમે શિખવાડો. કોચ આચરેકરે પહેલાં ૧૦ વર્ષના છોકરા તરફ જોયું અને પછી એના મોટા ભાઇ તરફ જોઇને કહ્યું, અરે ઇસકો ફૂલ પેન્ટ તો પહેનાઓ, ચડ્ડી પહનકર ક્રિકેટ નહીં ખેલા જાતા. પેલા યુવાને કોચ આચરેકરનો હાથ પકડીને કહ્યું, જી, દાદા હું એને ક્રિકેટનો ડ્રેસ લાવી આપીશ. કાલથી એ પ્રેક્ટિસ કરવા આવશે. બીજા દિવસથી છોકરો પ્રેક્ટિસ કરવા આવવા માડયો. થોડા દિવસ પછી કોચ આચરેકરે છોકરાના મોટા ભાઇને બોલાવીને કહ્યું, કુછ જમ નહીં રહા હૈ, ઇસ બચ્ચેં કો વાપસ લે જાઓ, ઇસસે ક્રિકેટ નહીં ખેલા જાયેગા. કોચના મોંઢેથી આ વાત સાંભળીને મોટા ભાઇનું મ્હોં પડી ગયું. પછી ધીરે રહીને એણે કહ્યું, તમારી હાજરીમાં મારો ભાઇ પ્રેશરમાં આવી જાય છે, તમે થોડા દૂર ઊભા રહીને એની રમત જુઓ પછી તમે કહેશો તો હું એને લઇ જઇશ. કોચ આચરેકર એક તક આપી અને પછી તો એ ૧૦ વર્ષના છોકરાની રમત એવી ખીલી કે કોચ આચરેકર એના પર ફિદા થઇ ગયા. ત્યારે કોચ આચરેકરને ખબર ન હતી કે આ છોકરો દુનિયાના ક્રિકેટ ઇતિહાસમાં એવો ચમકવાનો છે કે તેના કારણે પોતે ફેમસ થઇ જશે. એ છોકરો બીજું કોઇ નહીં, પરંતુ ક્રિકેટના ગોડ તરીકે ઓળખાતો આપણા સૌનો લાડીલો ક્રિકેટર સચિન તેંડુલકર હતો.
દેશમાં જ્યારે આઈપીએલની ફાઇનલ રમાવા પર છે અને વર્લ્ડ કપ શરૂ થવામાં છે ત્યારે ક્રિકેટનો ફિવર આખા દેશ પર છવાયેલો છે. આજે ૨૪ એપ્રિલે દેશના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની બર્થ ડે છે. સચિન તેંડુલકરે ક્રિકેટર તરીકે એવા માઇલસ્ટોન્સ ક્રિકેટની દુનિયામાં સ્થાપિત કર્યા છે કે લોકો અચંબિત થઇ જાય. ટેસ્ટ ક્રિકેટમાં ૫૩.૭૯ના એવરેજથી સૌથી વધારે ૧૬ હજાર રન, વન-ડેમાં ૪૪.૮૩ની એવરેજથી સૌથી વધારે ૧૮,૪૨૬ રન, વન-ડેમાં ૪૯ સદી અને ટેસ્ટ ક્રિકેટમાં ૫૧ સદી, વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ૫ નવેમ્બર ૨૦૦૯ના રોજ ૧૭૫ રનની ઇનિંગ્સ રમીને ઇન્ટરનેશનલ વન-ડેમાં ૧૭ હજાર રન કરનાર વિશ્વભરમાં પહેલો બેસ્ટમેન બનવાનો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં ૧૩ હજાર રન બનાવવાનો વર્લ્ડના ફર્સ્ટ બેસ્ટમેનનો રેકોર્ડ, વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધારે મેન ઓફ ધી સિરીઝ મેળવાનો રેકોર્ડ, વન-ડે મેચમાં સૌથી વધુ વખત મેન ઓફ ધી મેચ બનવાનો રેકોર્ડ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે ૩૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આવા તો કંઇ કેટલા રેકોર્ડ સચિનનાં નામે છે. રેકોર્ડની સાથે એવોર્ડની પણ લાઇન સચિનના નામ પાછળ લાગેલી છે. જેમાં સૌથી નાની વયે ભારત રત્ન એવોર્ડ મેળવવાં ઉપરાંત પદ્મવિભૂષણ, અર્જુન પુરસ્કાર, રાજીવ ગાંધી ખેલરત્ન, પદ્મશ્રીથી માંડીને ઘણાં ઇન્ટરનેશનલ એવોર્ડ સચિનને અપાયા છે. દેશમાં સચિન તેંડુલકર એક એવી વ્યક્તિ છે કે મધર ટેરેસા બાદ જેની હયાતીમાં પોસ્ટ ડિપાર્ટમેન્ટે ટપાલ ટિકિટ બહાર પાડી હોય.
સચિન એ માત્ર મહાન ક્રિકેટર જ નથી. દેશના કેટલાય ક્રિકેટ ચાહકો માટે સચિન હીરો છે. જ્યારે સચિન આઉટ થઇ જતો હતો ત્યારે આખાં સ્ટેડિયમમાં ઓહ, નો … જેવા ચિત્કારો હજારો દર્શકોનાં મ્હોંમાંથી એક સાથે નીકળતા… એ આખી મોમેન્ટ જેને સ્ટેડિયમ પર લાઇવ મેચ જોઇ હોય તેને જ ખબર પડે કે સચિન માટે ભારતીય દર્શકોને કેટલો પ્રેમ, કેટલી શ્રદ્ધા હતી. સચિન આઉટ થઇ જાય તો કેટલાય ઘરોમાં ટેલિવિઝન સેટ બંધ થઇ જતા અને લોકો ભયંકર ચિંતામાં સપડાઇ જતા કે હવે આપણે મેચ જીતીશું કેવી રીતે? આની વિરુદ્ધ જ્યારે સચિનનાં બેટમાંથી રનોનો વરસાદ શરૂ થતો ત્યારે મેદાન પર અને ભારતનાં દરેક ઘરોમાં જે ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ સર્જાતું તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. સચિનનાં ગોલ્ડન પિરિયડ દરમિયાન સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો સિતારો પણ બુલંદ હતો. પરંતુ સચિનની વાત જ કંઇક અલગ હતી જે સચિનને બીજાઓથી ઘણો ચઢિયાતો બનાવી દેતી હતી.
વ્યક્તિ ત્યારે જ મહાન બને છે જ્યારે તે માણસ તરીકે પણ ઉમદા હોય. સચિનની બેટિંગ ટેકનિક અનમેચ્ડ હતી. જેટલો બેસ્ટ ક્રિકેટના ગ્રાઉન્ડ પર સચિન હતો એટલો જ ઉમદા વ્યવહાર તેને બ્રેકફાસ્ટ સર્વ કરનાર વેઇટર સાથે પણ સચિનનો રહેતો હતો. ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ સચિનનો સ્કોર હંમેશાં સારો જ રહ્યો. મહેનત ભરેલી પ્રેક્ટિસ પછી જ્યારે ૫૦ જેટલા યુવાનો સચિનને ઓટોગ્રાફ માટે ઘેરી લેતા ત્યારે સચિન કોઇ દિવસ અકળાયો નથી. સચિનની આ જ ખૂબી છે તેની સાથે વિવાદોને સો માઇલનું હંમેશાં છેટું રહ્યું છે. બીજા ક્રિકેટરોનાં નામ જ્યારે યુવતીઓ, બુકીઓ અને પાર્ટીઓમાં ચર્ચાતા હોય ત્યારે સચિન સાથે આવા કોઇ વિવાદ જોડાયા નથી. દુનિયાભરના ટોપ મોસ્ટ બોલરોના છક્કા છોડાવી દેનાર સચિનનો વ્યવહાર તમામ સાથે સૌમ્ય અને નમ્ર રહ્યો છે. સચિને બોલવાનું ઓછું પસંદ કર્યું છે. જ્યારે જ્યારે તેણે જવાબ આપ્યો છે ત્યારે તેણે પોતાનાં બેટથી જ જવાબ આપ્યો છે.
સચિનમાંથી આપણે એ શિખવાનું છે કે તમારા સકસેસની આડે તમારી ઊંચાઇ, તમારો રંગ, તમારી જાતિ, તમારો ધર્મ, તમારી ગરીબી કશું જ આવતું નથી. જો તમારા દિલમાં તમારા કામ માટે એક ધગશ હોય અને આ ધગશને પૂરી કરવાની પૂરી ઇમાનદારી હોય તો તમને સફળતા ચોક્કસ મળે છે.
સચિનના ક્રિકેટની પ્રેક્ટિસના શરૂઆતના દિવસોમાં કોચ આચરેકર સચિન જ્યારે બેટિંગમાં હોય ત્યારે તેના સ્ટમ્પ પર રૂપિયાનો એક સિક્કો મૂકતા અને બોલરોને કહેતાં, જે સચિનને આઉટ કરશે તેને આ રૂપિયો મળશે અને સચિનને કહેતા કે, જો તું આઉટ નહીં થાય તો આ રૂપિયો તારો. સચિન પાસે હજુ આજે પણ કોચ આચરેકરે સ્ટમ્પ પર મૂકેલા રૂપિયાના ૧૩ સિક્કા છે, જે તેને જીવ કરતાં પણ વહાલાં છે.
પાંચ ફૂટ પાંચ ઇંચની ઊંચાઇવાળા સચીનને ફાસ્ટ બોલર બનવું હતું. આ માટે ચેન્નાઇમાં યોજાયેલ એમઆરએફ સ્પેસ ફાઉન્ડેશનની ટ્રેનિંગમાં પણ સચીન ગયા હતા. પરંતુ ત્યાંના કોચ ડેનિસ લીલીએ સચિનની હાઇટ જોઇને કહ્યું, તું બેટિંગ પર ધ્યાન આપ, બોલિંગ તારા કામની ચીજ નથી. ત્યારથી સચિને બેટિંગ પર એવું ધ્યાન આપ્યું કે આખી દુનિયાનું ધ્યાન સચિને પોતાનાં તરફ ખેંચી લીધું. ક્રિકેટને પૈસાદારોની રમત સમજનાર ઘણા લોકોને એ ખબર નહીં હોય કે શરૂઆતનાં દિવસોમાં સચિન પાસે ક્રિકેટ રમવાનાં ડ્રેસની એક જ જોડ હતી. સવારે એ જોડ પહેરીને સચિન ક્રિકેટ રમે, બપોરે બસમાં બેસીને ઘરે જાય, ઘરે સવારની જોડ ધોઇને સૂકવે. બપોર સુધીમાં આ સૂકાયેલાં કપડાં ફરી પાછાં પહેરીને સચિન સાંજે ગ્રાઉન્ડ પર હાજર હોય. આ વ્યવસ્થામાં સચિનને માત્ર તકલીફ એ પડતી હતી કે ફિલ્ડિંગ ભરતી વખતે તે પોતાનાં ખિસ્સામાં હાથ નાંખી નહીં શકતો. કારણ કે તેનાં કપડાં બહારથી તો સુકાઇ જતાં, પરંતુ અંદરથી ખિસ્સા ભીના રહેતાં હતાં. આવી તકલીફોને પાર કરીને સચિન દુનિયાનો મહાન બેટ્સમેન બની સાબિત કરી આપ્યું છે કે તમે તમારા ફિલ્ડને સો ટકા આપશો તો જરૂરથી આગળ વધી શકશો.
સચિનની મહાનતા એ છે કે જ્યારે તેને તેની મહાન ઇનિંગ્સ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ એ હતો કે, મને મારી બેસ્ટ ઇનિંગ્સ કરતાં મારી કરિયરમાં હું દરેક વખતે કેવી રીતે આઉટ થયો? તે તમામ ઇનિંગ્સ મને યાદ છે. આ કારણે જ હું મારામાં સુધાર લાવી શક્યો છું અને જલદી આઉટ થવાથી બચી ગયો છું.
સચિને ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી અને ત્યારબાદ ૧૩ નવેમ્બર ૨૦૧૩ના રોજ મુંબઇમાં અંતિમ ટેસ્ટમાં ૭૪ રન બનાવીને ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કરી દીધું. મુંબઇમાં સચિનની આ ૨૦૦મી ટેસ્ટ ક્રિકેટ હતી અને તેની ઇચ્છા મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં જ રમીને નિવૃત્તિ લેવાની હતી. તેનું કારણ સચિને જણાવ્યું હતું કે મુંબઇમાં હું મારી છેલ્લી ગેમ રમતો હોઉં તો મારી મા મને જોઇ શકે ને!!!
—
શોર્ટસર્કિટ
સચિનની હાજરીમાં ૨૦૧૧નો વર્લ્ડ કપ ઇન્ડિયા જીત્યું હતું, ૨૦૧૯માં ફરી વાર વર્લ્ડ કપ રમાવા જઇ રહ્યો છે ત્યારે સચિનની યાદમાં લખાયેલી આ કવિતા ક્રિકેટના ચાહકોને જરૂર ગમશે.
આજ જબ રિમોટ મૈંને ઉઠાયા, વર્લ્ડકપ કે લિયે ચેનલ લગાયા
અચાનક હી મેરે જહન મેં આયા, આજ વો ધુરંધર પારી ના હોગી.
ઉસ જૈસે રનોં કી બારિશ ના હોગી, ક્યા ધુઆંધાર હોતી થી વો પારિયાં
જબ સચિન કે હાથોં મેં બલ્લા હોતા થા, ચૌકે છક્કોં સે વો બોલર કો ધોતા થા.
જબ સચિન પિચ પર હોતા થા, કોઇ જાદુ કી કલ્પના હોતી થી.
હારતે-હારતે કબ જીત જાયે, ઐસી હોંસલોં ભરી ઉમ્મીદ હોતી થી
ધુરંધર પારી કો દેખતા થા મૌહલ્લા સાથ,
આજ ના પાકર ઉસે ફિર સે ભર આઇ સબકી આંખ.
લાઈવ વાયર : મયુર પાઠક pathak@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Birthday SPCL: જબ સચિન પિચ પર હોતા થા, કોઇ જાદુ કી કલ્પના હોતી થી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sachin-tendulkar-birthday-special-story/
via Best Gujarati News
0 Comments