ક્રૂડ ઝડપી 78 ડોલર થશે, ભારતીય અર્થતંત્રને ફરી ફટકો પડશે
કોમોડિટી વોચ : મિનિતા દવે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકતા ક્રૂડ ઓઇલમાં ઝડપી તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ છ માસની ઊંચકાઇ ૭૪ ડોલરની સપાટી કુદાવી ચૂક્યું છે. અમેરિકાએ બીજી મે પછી એક પણ દેશને ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી માટે છૂટ આપી નથી. જો કોઇ દેશ ખરીદી કરશે તો તેના પર અમેરિકા આર્થિક પ્રતિબંદ લાદશે. ભારત ક્રૂડની જરૂરિયાતનું ૮૦ ટકા ઓઇલ આયાત કરે છે ત્યારે ઇરાન પરના અમેરિકાના સંપૂર્ણ પ્રતિબંધના કારણે સમસ્યા વધી શકે છે.
એક તરફ છેલ્લા કેટલાક મહિનાથી ભારતમાં ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. ભારત સાઉદી અરેબિયા અને ઇરાક બાદ ઇરાન પાસેથી મોટી માત્રામાં આયાત કરે છે. ગત નવેમ્બર માસમાં અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ત્યાર બાદ ભારત સહિત ૮ દેશોને છ મહિના સુધીનો સમય આપ્યો હતો. આઠ દેશોમાંથી ત્રણ દેશો જેમકે ગ્રીસ, ઇટાલી અને તાઇવાને ખરીદી બંધ કરી છે જ્યારે ભારત, ચીન, તુર્કી, જાપાન અને કોરિયાએ હજુ પણ ખરીદી ચાલુ રાખી છે જે હવે બંધ કરવી પડશે. ઇરાનનો સપ્લાય અટકતા અને છેલ્લા બે માસથી અમેરિકામાં ડ્રિલિંગ રિંગ્સની સંખ્યામાં ઘટાડો થતા ઉત્પાદનમાં ઘટાડો થશે તેવા અહેવાલે ક્રૂડ ઝડપી ૭૮ ડોલરની સપાટી કુદાવે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. ક્રૂડ ઓઇલની તેજી પાછળ પેટ્રોલ-ડિઝલની કિંમતો ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વધવા માંડશે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં એટલે કે ચાર જ માસમાં ક્રૂડમાં ૪૦ ટકાની તેજી આવી છે. ૨૦૧૮ ડિસેમ્બર અંતમાં બ્રેન્ટ ક્રૂડ ૫૩ ડોલર આસપાસ હતું જેમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૧ ડોલરનો વધારો થયો છે. વધુમાં વેનેઝુએલા પરના પ્રતિબંધો ઉપરાંત લિબિયા દ્વારા પુરવઠો ખોરવાશે તેવા અહેવાલ અને ઓપેક દેશો દ્વારા ઉત્પાદન કાપ જૂન મહિના સુધી લંબાવાના નિર્ણયે તેજી લંબાઇ છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ પણ ઊંચકાઇ ૬૫ ડોલરની સપાટી કુદાવી ચૂક્યું છે. ક્રૂડની તેજી અને રૂપિયામાં સતત ઘટાડાના કારણે ક્રૂડની આયાત પડતર મોંઘી થશે.
અમેરિકાએ વેનેઝુએલા પર મૂકવામાં આવેલા સેંક્શનના કારણે અને સાઉદી અરેબિયા આગામી સમયમાં ક્રૂડના ઉત્પાદનમાં વધુ કાપ મૂકશે તેવા અહેવાલ છે. આગળ જતા ક્રૂડનો પુરવઠો વધુ ખોરવાશે તો ઊંચકાઇ ૭૮-૮૦ ડોલરની સપાટી કુદાવી શકે છે. વેનેઝુએલા ઇફેક્ટ અને સાઉદીના ઉત્પાદન કાપના અહેવાલે બ્રેન્ટ ક્રૂડ ઊંચકાઇ ૭૫ ડોલર નજીક અને ડબલ્યુટીઆઇ ૬૬ ડોલર નજીક ક્વોટ થઇ રહ્યું છે. ભારતને ક્રૂડ ઓઇલ પુરૂ પાડનાર દેશોમાં અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમે આવે છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે માર્ચમાં દૈનિક ધોરણે ૧૦ મિલિયન બેરલથી ઉત્પાદન નીચે રહ્યું છે. ઓપેક દેશો કે જે ૧૪ રાષ્ટ્રોનું જૂથ છે તેમાં ઉત્પાદન જાન્યુઆરીમાં અંદાજે ૮૦૦૦૦૦ બેરલ પ્રતિ દિવસથી ઘટીને ૩૦.૮૧ મિલિયન બેરલ પ્રતિ દિવસ રહ્યું છે.
પરંતુ બીજી તરફ એઆઇએના અહેવાલ મુજબ અમેરિકામાં ક્રૂડ ઇન્વેન્ટરી રેશિયો ૩.૬ મિલિયન બેરલ વધ્યો છે. અમેરિકામાં આ વર્ષે ક્રૂડ ઉત્પાદન ૧.૪૫ મિલિયન બીપીડી વધશે અને આગામી વર્ષમાં ૭.૯૦ અને ૨૦૨૦માં ૧૩ મિલિયન બીપીડી પહોંચી જશે તેના પરિણામે ક્રૂડમાં ઝડપી તેજી અટકી રહી છે પરંતુ છેલ્લા બે સપ્તાહથી ડ્રિલિંગ રિંગ્સની સંખ્યા ઘટતા અનુમાન જેટલી વૃદ્ધિ થાય તેમ નથી. વર્ષ ૨૦૧૯માં કુલ વૈશ્વિક ઓઇલ ઉત્પાદન દરરોજ ૮૦૬૨૨૦૦૦ બેરલનું રહ્યું છે. ટોચના ૧૦ દેશોમાં સરેરાશ ૬૮ ટકા હિસ્સો ધરાવે છે. ઇતિહાસમાં ટોચના ત્રણ ઉત્પાદકો રશિયા, સાઉદી અરેબિયા અને અમેરિકા છે. સાઉદી અરેબિયા અને રશિયા પણ તેલ નિકાસકરનાર દેશોની યાદીમાં ટોચ પર છે જ્યારે રશિયા ઓપેકનું સભ્ય નથી. અમેરિકામાં ઓઇલનું ઉત્પાદન ૧૦.૦૭ મિલિયન બેરલ પ્રતિ દિવસ છે જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક છે. જ્યારે વિશ્વના ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ભારત છેક ૨૪મા ક્રમે રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બજારમાં ક્રૂડમાં જે ગતિએ તેજી આવી છે તેને ધ્યાને લેતા ચૂંટણી પૂર્ણ થતા પેટ્રોલ-ડીઝલ નવી ઊંચાઇએ પહોંચશે.
એક તરફ ક્રૂડની તેજી અને બીજી બાજુ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હોવાથી ક્રૂડની આયાત પડતર ઊંચી થશે જેના પરિણામે ચાલુ ખાતાની ખાધ વધશે, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધતા ફુગાવા પર અસર દેખાશે. રેટિંગ એજન્સીએ એવો નિર્દેશ કર્યો છે કે જો ક્રૂડની કિંમત હવે ૧૦ ટકા પણ વધશે તો દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ૦.૪૦ ટકા સુધી વધી શકે છે. રૂપિયાના મલ્યમાં ૩.-૪ ટકા સુધીનો વધારો થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્રૂડ ઝડપી 78 ડોલર થશે, ભારતીય અર્થતંત્રને ફરી ફટકો પડશે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/crude-will-cost-78-a-year-the-indian-economy-will-be-hit-again/
via Best Gujarati News
0 Comments