દેવભૂમિ દ્વારકાઃ 5 જ દિવસમાં 30 કરોડના કોલસાની ચોરી, આકાશ ગળી ગયું કે જમીન!
દેવભૂમિ દ્વારાકાના વાડીનારમાં આવેલી નાયરા એનર્જી કંપનીમાં અંદાજે 30 કરોડની કિંમતના કોલસાની ચોરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ માત્ર પાંચ દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસાના જથ્થાની ચોરી કરવામાં આવી છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. જે બાદ નાયરા એનર્જીના અધિકારીએ વાડીનાર મરીન પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. કોલસા કૌભાંડ પ્રકાશમાં આવતાં જ કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
વાડીનાર સ્થિત નાયરા એનર્જી કંપનીની પાસે એસ્સાર સ્ટોક યાર્ડમાં કોલસાનો જથ્થો રાખવામાં આવતો હતો. મુંબઈ સ્થિત ઈન્ટરનલ ઓડિટમાં તા. 26માર્ચથી 31 માર્ચ દરમિયાન 30 કરોડ 57 લાખની કિંમતના કોલસાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. માત્ર પાંચ દિવસની અંદર જ 68, 381 મેટ્રિક ટન જેટલો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
એસ્સાર સ્ટોક યાર્ડમાં ગેટ પાસ વગર ટ્રક અંદર આવી શકતો નથી કે નથી બહાર જઈ શકતો. એટલે કે, કંપનીની અંદરના જ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાની કિંમતના આ કૌભાંડને અંજામ આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઈન્ટરનલ ઓડિટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ખૂલતાં કંપનીના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ મામલે કંપનીની સિનિયર અધિકારીઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી રોહન આનંદને મળી ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ અધિકારીઓની જુદી-જુદી ટીમ બનાવી કોલસા કૌભાંડના આરોપીઓને દબોચી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
માત્ર પાંચ દિવસમાં જ 30 કરોડની કિંમતનો કોલસાનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાની વાત પોલીસના ગળે ઉતરી રહી નથી. કોલસાનો જથ્થો સ્ટીમરમાંથી જ ઓછો ઉતારવામાં આવ્યો હોવાનો અથવા બારોબાર વેચી દેવામાં આવ્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. આમ પોલીસે કોલસા કૌભાંડના દરેક પાસાની સઘન તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દેવભૂમિ દ્વારકાઃ 5 જ દિવસમાં 30 કરોડના કોલસાની ચોરી, આકાશ ગળી ગયું કે જમીન! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/devbhumi-dwarka-coal-wortj-of-30-crore-stolen-from-nayara-energy/
via Best Gujarati News
0 Comments