લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થતા જ હરકતમાં આવેલા આવકવેરા વિભાગે બુધવારે મોડી રાત્રે શહેરના ચાર બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં કુલ રૂ. 175 કરોડના બિનહિસાબી વહેવારો મળતાં આઇટીએ ઇન્ડોક્ટોથર્મ વાળી બોપલમાં આવેલી 71,૦૦૦ ચોરસ મીટર જમીન ટાંચમાં લીધી છે. કોઇ પણ કરદાતાને ત્યાં હાથ ધરેલી તપાસના આધારે જો આ કરદાતાની ટેક્સ લાયાબિલિટી ઊભી થશે એવી શંકા થાય તો આવકવેરા વિભગ આઇટી એક્ટની કલમ ૧૩૨ બી હેઠળ આ કરદાતાની મિલકતને પ્રોટેક્ટિવ સિઝર તરીકે ટાંચમાં લઇ શકે છે.

અમદાવાદના ઇનકમ ટેક્સ વિભાગના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આવકવેરા વિભાગે આ કલમ હેઠળ મિલકત ટાંચમાં લીધો હોય એવો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે. બિલ્ડરોના તમામ સ્થળે હજુ સર્ચ કામગીરી ચાલી રહી છે અને આ સર્ચમાં રૂ. 55 લાખની કેશ મળી છે. સિલ્વર ઈન્ફ્રા.માં 10 પાર્ટનર છે અને આ તમામને ત્યાં સર્ચ ચાલી રહી છે.

ટાંચમાં લેવાયેલી જમીનનો અંદાજિત ભાવ 568 કરોડ

બોપલમાં મેઈન રોડ પર ઈન્ડક્ટોથર્મની ૭૧ હજાર ચો.મી. જમીન પર ટાંચ મૂકાઈ છે. બિલ્ડર લોબીના સૂત્રોના જણાવ્યા મુજબ બોપલમાં મોકાની જગ્યાએ આવેલ આ જમીનનો ચો. મી. દીઠ રૂ. 80 હજારનો ભાવ ગણી શકાય. આ ભાવે આ જમીનની કુલ કિંમત અંદાજે રૂ. 568 કરોડ આંકી શકાય.

આઇટી એક્ટની કલમ 132 બી શું છે?

પહેલી જૂન, 2002ના રોજ આઇટી એક્ટની કલમ 132 બી બદલવામાં આવી હતી. આ કલમની જોગવાઈ અનુસાર આઇટી એક્ટ, વેલ્થ ટેક્સ એક્ટ, એક્સપેન્ડિચર એક્ટ, ગિફ્ટ ટેક્સ એક્ટ, ઇન્ટ્રેસ્ટ ટેક્સ એક્ટ અંતર્ગત કોઇ કરદાતાને ટેક્સ ભરવાનો બાકી હોય અથવા તો આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા એસેસમેન્ટને અંતે ટેક્સ લાયાબિલિટી ઊભી થતી હોય અથવા તો તપાસના આધાર કોઇ ટેક્સ લાયાબિલિટી ઊભી થવાની આશંકા ઊભી થાય તો તે કરદાતાની મિલકત ટાંચમાં લેવાની આવકવેરા વિભાગને સત્તા છે.

ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થઈ હોય અથવા તો થવાની હોય તેવા સંજોગોમાં કોઈ વ્યક્તિ પોતાની મિલકતો વેચીને ભાગી જાય એવી શક્યતા નિવારવા અગમચેતી રૂપે આવકવેરા વિભાગ સંબંધિત કરદાતાની મિલકતને પ્રોટેક્ટિવ સીઝર તરીકે ટાંચમાં લઇ શકે છે. કાયદાની જોગવાઈ મુજબ, ટાંચ ઉઠાવવા માટે 30 દિવસમાં અરજી કરી શકાય છે. બેંક ગેરેંટી લઈને તેમજ એડવાન્સ ટેક્સ વસૂલીને મિલકતને ટાંચમાંથી મુક્ત કરવાની સત્તા પ્રિન્સિપાલ આઈ.ટી. ચીફ કમિશનર પાસે છે.

કઇ જગ્યાએ સર્ચ ઓપરેશન

બોપલમાં ઈન્ડક્ટોથર્મ કંપનીની જગ્યાએ બની રહેલી સ્કીમ
સમર્થ બિલ્ડર્સ- જિગ્નેશ શાહની પકવાન ચાર રસ્તા નજીક આવેલી ઓફિસ
રાજયશ બિલ્ડર- રાજન શાહની
સિલ્વર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ઓફિસ અને કન્સ્ટ્રક્શન સાઈટ સહિત ૪ સ્થળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બોપલના આ 4 બિલ્ડરોને ત્યાં ITના દરોડા, 175 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/income-tax-department-raid-on-3-builders-in-bopal-ahmedabad/
via Best Gujarati News

0 Comments