બનાસકાંઠામાં ભડકાની ભીતિ: ઠાકોર સેનાના પ્રમુખ બારોબાર ઉમેદવારી ફોર્મ લઈ આવ્યા
ગુજરાતમાં કોંગ્રેસે 13 ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ બાકી 13 બેઠક માટે ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને કોંગ્રેસના ઘરમાં ધમાધમ જેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા બેઠક પર દાવેદારોમાં ખેંચતાણ સર્જાઈ છે જેને પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શનિવારે સાંજે 7 દાવેદારોને બોલાવી તેમની સાથે મિટિંગનો દોર યોજ્યો હતો. બીજી તરફ સાબરકાંઠા બેઠકને લઈને પણ સ્થાનિક સ્તરે યાદવાસ્થળી સર્જાઈ છે. મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ સામે આવતાં બાયડના ધારાસભ્ય આડા ફાટયા હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર બેઠકને લઈને પણ કમઠાણ છે, ધારાસભ્ય સોમા ગાંડા પટેલ અને પ્રમુખ વચ્ચે બેઠક થઈ હતી. અમદાવાદ પૂર્વ બેઠકના દાવેદાર પણ દોડી આવ્યા હતા. આમ અસંતોષની આગ ઠારવા પ્રદેશ કોંગ્રેસે પહેલેથી જ તૈયારી શરૃ કરી છે.
બનાસકાંઠા લોકસભા બેઠક માટે છેલ્લે વિધાનસભાની ચૂંટણી હારેલા ગોવા રબારી, યૂથ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સહિત સાત દાવેદારો સાથે પ્રદેશ કાર્યાલયે મિટિંગ યોજાઈ હતી. યૂથ કોંગ્રેસે કોઈ એક બેઠક માટે માગણી કરી છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખે દાવેદારોને કહ્યું છે કે, સામાજિક સમીકરણો ગોઠવીને ઉમેદવાર મુકાશે. સામે દાવેદારોની માગ હતી કે, મૂળ કોંગ્રેસીને જ ટિકિટ અપાય. આ બેઠક પર પરથી ભટોળના નામની ચર્ચા ચાલી હતી. કોંગ્રેસે દાવેદારોને સૂચના આપી છે કે, મત વિસ્તારમાં જઈને તમે મિટિંગોનું આયોજન કરો.
બીજી તરફ સાબરકાંઠા બેઠકને લઈને પણ ગજગ્રાહ છે. સૂત્રોનો દાવો છે કે, હજુ આ બેઠક પર ઉમેદવાર જાહેર થયા નથી ત્યાં તો મોડાસાના ધારાસભ્ય અને અરવલ્લી ઠાકોર સેનાના પ્રમુખ ઉમેદવારી ફોર્મ લઈ આવ્યા છે. ધારાસભ્યોમાં પણ અંદરો અંદર ખેંચતાણ જામેલી છે. આમ ઉમેદવારની જાહેરાત બાદ ભડકાની ભીતિ સેવાઈ રહી છે. સોશિયલ મીડિયામાં હાઈકમાન્ડને સલાહ આપતાં મેસેજ વાયરલ કરાયા છે. ઠાકોર સેનાએ પોતાને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ નક્કી થશે તો જોવા જેવી થશેની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર બેઠકને લઈને પણ આંતરિક કકળાટ છે. જૂનાગઢમાં પણ ઉમેદવાર તરીકે પૂંજા વંશને બદલવા માગણી થઈ ચૂકી છે. તુષાર ચૌધરી સામે પણ વિરોધ વંટોળ હતો, જેમાં ધારાસભ્ય આનંદ ચૌધરીને મનાવવા પડયા હતા. તુષાર ચૌધરી છેલ્લે લોકસભા અને વિધાનસભા ચૂંટણી હારી ગયા છતાં કેમ ટિકિટ ? તેવો મુદ્દો હાઈકમાન્ડ સમક્ષ રજૂ થયો હતો, જોકે બારડોલી બેઠક પર ડેમેજ કંટ્રોલ બાદ કોંગ્રેસને નામ જાહેર કર્યા બાદ બીજા દિવસે સત્તાવાર યાદી બહાર પાડવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post બનાસકાંઠામાં ભડકાની ભીતિ: ઠાકોર સેનાના પ્રમુખ બારોબાર ઉમેદવારી ફોર્મ લઈ આવ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-banaskantha-thakore-sennas-president-barbarab-has-brought-the-candidature-form/
via Best Gujarati News
0 Comments