સાયન્સ મોનિટર : વિનોદ પંડયા

ફેબ્રુઆરી અને માર્ચમાં જગતભરમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણી માટે અને હવામાન પરિવર્તનને નાથવા માટે દુનિયાના વડીલો સામે સામૂહિક પ્રદર્શનો યોજ્યાં. બાળકોની ચિંતા વાજબી છે. દરેક પ્રબુદ્ધ અને પ્રૌઢ જણે વિચારવાનું રહે છે કે ભાવિ પેઢીને આપણે કેવી પૃથ્વી વારસામાં આપીને જવાના છીએ?

માર્ચના બીજા સપ્તાહમાં નાઈરોબી, કેન્યા ખાતે યુનાઈટેડ નેશન્સ એનવાઈરનમેન્ટ અસેમ્બલી (યુએનઈએ)ની દ્વિર્વાિષક પરિષદ મળી તેમાં ૧૭૦ દેશોના પ્રતિનિધિઓએ ગરમ થઈ રહેલી પૃથ્વીને ઠંડી પાડવા માટેની કેટલીક નવી રીતો અને ટેકનોલોજીઓ વિષે ચર્ચા કરી ત્યારે જે એક વિચારને કે ખ્યાલને આ પરિષદમાં બળ મળ્યું તે એ હતો કે આકાશમાં પૃથ્વીથી દૂર પંદરથી પચાસ કિલોમીટરનું જે અદૃશ્ય આવરણ અથવા સ્તર છે અને જેને સ્ટ્રેટોસ્ફીઅર કહેવામાં આવે છે તેમાં રાસાયણિક છાંયડાઓ અથવા સનશેડ્સ રચવાની ટેકનોલોજીમાં આગળ વધવા જેવું છે. આ સ્ટ્રેટોસ્ફીઅર અથવા પડમાં ઓઝોન વાયુ પ્રાકૃતિક સ્વરૂપમાં હાજર હોય છે. જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી પર આવતા રોકે છે જેથી પૃથ્વી પ્રમાણમાં ઠંડી રહે છે. આ કારણથી આ સ્તરને હિન્દી અને સંસ્કૃતમાં ‘સમતાપ મંડળ’ કહે છે. પૃથ્વી અને દરિયામાં જે ઝેરી કાર્બન ડાયોક્સાઈડ વાયુ પેદા થાય છે તે સ્ટ્રેટોસ્ફીઅરમાંના ઓઝોન વાયુના પ્રભાવને કારણે નષ્ટ થાય છે. આ થરમાં બીજા કેટલાક વાયુઓ પણ હોય છે અને તેના ગરમ અને ઠંડા પ્રભાવને કારણે સમતાપ મંડળમાં હવાની લહેરો પણ ઊઠે છે. એ સર્વવિદિત છે કે પૃથ્વી પરની માનવીય ઔધોગિક પ્રવૃત્તિઓને કારણે કાર્બન અને બીજા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન અભૂતપૂર્વ હદે વધ્યું અને તેથી ઓઝોન વાયુનું પડ પાતળું બની ગયું છે. પરિણામે સૂર્યના કિરણો અને ઊર્જા પૃથ્વી પર વધુ પ્રમાણમાં આવી જતા હોવાથી પૃથ્વી વધુ ગરમ બની રહી છે. જળવાયુનું સંતુલન બગડયું છે.

પણ ‘સમતાપ મંડલ’ આવરણને ફરીથી વધુ ઘટ્ટ કરવામાં આવે, સૂર્યનાં કિરણો અને ઊર્જા સામેની અડચણો વધુ મજબૂત બનાવવામાં આવે તો પૃથ્વીને ગરમ થતી અટકાવી શકાય.

ગગનમાં છાંયડો સનશેડ્સ રચવાની મેથડ એક વિવાદિત છતાં અસરકારક પદ્ધતિ છે. ખૂબ ઊંચાઈ પર ઊડી શક્તાં વિમાનોમાંથી માનવર્સિજત મટિરિયલ્સ અથવા મિનરલ્સનાં ખૂબ જ બારીક પાવડરનો સ્ટ્રેરોસ્ફીઅરના (સમતાપ મંડળના) ઉપલા સ્તરમાં છંટકાવ કરવો. જેના થકી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી કેટલીક સૂર્યઉર્જા અને ગરમી વાતાવરણને ગરમ કરે તે પહેલાં જ પરાવર્તિત થઈને અવકાશમાં પાછી ધકેલાઈ જાય. આમ તો આ ખ્યાલ લગભગ ૩૦ વરસ જૂનો છે. ૧૯૯૧માં ફિલિપાઈન્સમાં માઉન્ટ પીનાટુબો નામક જવાળામુખી ફાટયો હતો તે ઘટનામાંથી આ વિચાર જાગ્યો હતો. જવાળામુખીની રાખ આકાશમાં ફેલાઈ તેના પ્રતાપે લગાતાર ચાર વરસ સુધી પૃથ્વી પરના તાપમાનમાં અરધો ડિગ્રી સેલ્સિયસનો સરેરાશ ઘટાડો નોંધાયો હતો. જવાળામુખીની રાખે પરદાનું કામ કર્યું હતું. તે ઘટનાઓ વિચારવાની પ્રેરણા આપી કે ખૂબ જ બારીક પાવડરની અદૃશ્ય ડમરીઓ વૈશ્વિક તાપમાનને ઠંડું પાડી શકે છે.

આ ટેકનીક સામે કેટલાક પડકારો પણ છે. સમતાપ મંડળમાં વિહાર કરતી બારીક ધૂળ આખરે વરસાદમાં ધોવાઈને જમીન પર આવી જાય છે તેથી તેનો ફાયદો લાંબો સમય ચાલતો નથી. તેના ઉકેલ માટે બારીક પાવડરની સપ્લાય આકાશમાં નિરંતર થતી રહેવી જોઈએ. આ કાર્ય માટે આખી દુનિયામાં એક ફ્રેમવર્ક અને સહયોગની જરૂર પડે. તેમાં થોડી બેદરકારી થાયતો લેવાના દેવા થઈ પડે. જો હવામાનમાં કાર્બન ડાયોકસાઈડનો જમાવ ઊંચી માત્રામાં હોય અને એ જ વખતે સનશેડસ અથવા પરદા વરસાદમાં ધોવાઈ જાય તો વૈશ્વિક તાપમાનમાં ઝડપભેર અચાનક વધારો થાય જેની દુનિયાની મોસમો પર ખતરનાક અસર પડે. દુનિયાના અમુક પ્રદેશોની માઠી દશા થાય.

આ સોલાર જીઓએન્જીનીઅરિંગની ખરાબ અસર પાણીના ચક્ર (સાઈકલ) પર પડે તેમ છે. છેલ્લાં દસ વરસનાં અભ્યાસોમાં જણાવ્યું છે કે માનવર્સિજત સનશેડ્સ વરસાદના પ્રમાણ પર અસર પાડી શકે છે, જેમાં કેટલાક પ્રદેશોમાં દુકાળ પડે. ‘નેચર કલાઈમેટ ચેન્જ’ જનરલમાં પ્રસિદ્ધ થયેલાં સંશોધનો પ્રમાણે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ઈરવીન અને ટીમે પુરવાર કર્યું છે કે ઉદ્યોગ-યુગ પૂર્વે હવામાં જે માત્રામાં કાર્બન ડાયોકસાઈડ હતો તેનું પ્રમાણ આજે બમણું કરાય તો તેની વિપરીત અસરોને સૂક્ષ્મ કણોના સનશેડસ વડે નિરસ્ત કરી શકાય છે. તેઓએ પૃથ્વીના જળચક્રને પણ સ્થિર રાખવામાં સફળતા મેળવી છે. ગ્રીનહાઉસ ગેસોના પ્રતાપે જળચક્ર ખૂબ પ્રભાવિત થયું છે. જ્યાં વરસાદ પડતા હતા ત્યાં વધુ વરસાદ પડે છે અને દુકાળ પડતા હતા ત્યાં વધુ આકરા દુકાળ પડતા થયા છે. પરિણામે પુર આવવાની ઘટનાઓ અને તેની ભયાનકતા વધી છે તો બીજી બાજુ દુકાળોની ઘટનાઓ અને તિવ્રતાઓ વધી છે. ડોક્ટર ઈરવીનની ટીમે પોતાના સિમ્યુલેટેડ મોડલમાં પુરવાર કર્યું છે કે આ તીવ્રતાઓ હળવી કરી શકાશે અને તેથી દુકાળ કે અતિવૃષ્ટિના પ્રમાણમાં ઘટાડો થશે. સનશેડસની અસરના પ્રતાપે ઉષ્ણ કટીબંધ પ્રદેશમાં સર્જાતા વાવાઝોડાની ઘટનાઓ અને અસર હળવી પાડી શકાય છે તે પણ ડોક્ટર ઈરવીને સાબિત કર્યું છે. પરંતુ આ બધા ફાયદા મેળવવા દુનિયાએ એક થવું પડશે. નાઈરોબીની પરિષદમાં પ્રથમ વખત આવી મેથડોને સૈદ્ધાંતિક સ્વીકૃતી મળી છે, પણ વ્યવહારમાં અમલી બનાવવા માટે તમામ દેશોને એક કરવાનું કાર્ય સનશેડસ્ રચવા કરતાં પણ વધુ ભગીરથ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આકાશમાં બારીક પાવડરના પરદા રચી પૃથ્વીને ઠંડી પાડવાની હિલચાલ appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/in-the-sky-purifier-powdered-on/
via Best Gujarati News

0 Comments