મધુવનની મહેક : ડો. સંતોષ દેવકર

‘આલુ પરાઠા મળશે?’ તેણીએ પૂછયું.

‘હા.’ વેઈટરે મોઢુ બગાડીને જવાબ આપ્યો.

‘પણ…માત્ર બે જ બની શકશે.’ બગડેલા મોઢે ભારે રોષ સાથે કહ્યું.

‘ઓહ… આવવા દો.’ તેણીએ કહ્યું. બંને બહેનપણીઓ ખૂબ થાકેલી અને ભૂખી હતી.

તાજેતરમાં એક મિત્રની દીકરીનો બર્થ ડે ઉજવવા માટે એક હોટલમાં જવાનું થયું. મારું ધ્યાન બાજુના ટેબલ પર ગયું. જ્યાં બે બહેનપણીઓ વેઈટર પાસે ચાલુ પરાઠાનો ઓર્ડર કરી રહી હતી. મને સમજાયું કે ઓર્ડર લેનાર એ વેઈટર નહોતો પણ માલીક પોતે જ હતો. રવિવારની સાંજ હતી એટલે ભીડ ઘણી હતી. લોકો ખુશીથી ઓર્ડર આપતા અને આનંદ માણતા હતા. બધા ટેબલ પેક હતા.

માલિક પોતે ઓર્ડર લેવા આવ્યો. બંને બહેનપણીઓએ નક્કી કરેલું કે હોટલની કોઈ પ્રખ્યાત આઈટમ મંગાવવી નથી.

‘આલુ પરાઠા’ તેણીએ ઓર્ડર કર્યો. માલિક અસ્વસ્થ થઈ આસપાસ જોવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે એક વ્યસ્ત રવિવારની સાંજે, જ્યારે લોકો મારી હોટલના પ્રખ્યાત ભોજન માટે લાઈન લગાવે છે ત્યારે આ છોકરીઓને આલુ પરાઠા ખાવા છે. તેણે રોષ સાથે કહ્યું, ‘જઈને તપાસ કર કે કારીગર આલુ પરાઠા બનાવી શકે તેમ છે કે કેમ?’

રવિવારની સાંજ અને ભીડને કારણે ઘરાકીને લઈ મસ મોટું બીલ બને તેમાં માલીકને રસ પડે તે સ્વાભાવિક હતું.

અમારા ટેબલ પર કેક કપાઈ ગઈ હતી અને ઓર્ડર પહેલેથી જ નોંધાવી દીધેલો. પરંતુ મને બાજુના ટેબલ પર અપાયેલ ઓર્ડર વિશે જિજ્ઞાસા જાગી કે હવે માલિક શું જવાબ આપશે?

તે થોડીક જ ક્ષણોમાં પાછો આવ્યો અને રોષ સાથે તેમને કહેવા લાગ્યો કે તે માત્ર બે જ આલુ પરાઠા આપી સકશે. કારણકે રવિવાર હોવાથી તેઓ હોટલના વધુ માંગવાળા પ્રસિદ્ધ વ્યંજનો બનાવવામાં વ્યસ્ત હતા.

બંને આલુ પરાઠા પૂરા થવા આવ્યા ત્યારે તેણીને લાગ્યુ કે હજી ભૂખ છે. પણ માલિકના પૂર્વ પ્રતિભાવ જોતાં શંકા હતી કે તે બીજા આલુ પરાંઠાં બનાવવા એ તૈયાર થશે કે કેમ?

માલિક આવ્યો એણે પૂછયું, ‘તમારે બીજો કોઈ ઓર્ડર કરવો છે?’ બંને જે ઈચ્છતી હતી તે હોટલ માલિકને કહી જ દીધુ. માલિક જોરથી હસ્યો. તેણે કહ્યું કે તેમની માગણી મુજબ તે હજી બીજા બે આલુ પરાઠા આપી શકશે. મારું ધ્યાન જમવામાં હતુ તે કરતાં એ બંને છોકરીઓએ એવું તે શું કીધું કે માલિક પુનઃ બે પરોઠાં આપવા તૈયાર થઈ ગયો, એમાં વધારે હતુ.

તેણીએ ધીમા અવાજે કહેલું: ‘આલુ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ હતા. મેં અગાઉ ક્યારેય આટલા સ્વાદિષ્ટ આલુ પરાઠા ખાધા નથી. ખરેખર તમારી રેસ્ટોરાંનું નામ ખૂબ સાંભળ્યું હતું અને આજે કામ પણ જોયુ. અદ્ભૂત સ્વાદ હતો. તમે વ્યસ્ત છો છતાં સ્વસ્થ છો. તમને વાંધો ન હોય તો અમને હજી બે આલુ પરાઠા ખાવાના ગમશે. માલિક આ સાંભળીને એકાએક હસ્યો અને તેણે ઓર્ડર લઈ લીધો.

શું કહેવાથી કેવું પરિણામ આવશે એ કળી જવું પણ એક કળા છે. એક કર્મચારી બોસ પાસે રજા માગવા જાય છે અને રજા નામંજૂર થાય છે. એ જ કારણને લઈને અન્ય બીજો કર્મચારી રજા માગવા માટે જાય છે અને આશ્ચર્ય વચ્ચે બોસ રજા મંજૂર કરે છે. ભેદ માત્ર વાત કે મુદને રજૂ કરવાની પદ્ધતિનો છે. સામે વાળાને વાત ગળે ઉતારવામાં તમે કેટલા સફળ થયા?  અત્યારે સમજવા કરતાં સમજાવવાનો દોર ચાલી રહ્યો છે. રોજ સવારે ઉઠીને કોઈ બે જણ આપણને સમજાવવા માટે તૈયાર બેઠા હોય છે. વ્યવસાય કોઈપણ હોય; વાત તો છેવટે ‘ગળે ઉતારવાની’ જ હોય છે. વકીલ હોય છે કે શિક્ષક, નેતા હોય કે સેલ્સમેન દરેક જણ પોતાનો મુદે- પોતાનો વિચાર સામેવાળાને સમજાવવા મથતા હોય છે. જે સફળ રહે છે તે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણતો થઈ જાય છે.’

સમજવું અને સમજાવવું જિંદગીના બે છેડા છે. એક છેડે થી શરૂ કરીને બીજે છેડે પહોંચતા સુધીમાં જિંદગી પૂરી થઈ જતી હોય છે.

તમે ઈચ્છતા હો કે કોઈક વ્યક્તિ તમારા માટે કશુંક કરે, તો તમે તેને એ રીતે કહો કે જે રીતે તે સાંભળવા ઈચ્છતી હોય. તેની રેસ્ટોરાં શ્રેષ્ઠ આલુ પરોઠા પીરસે છે તેવું સાંભળીને માલિક ઉત્સાહમાં આવી ગયો. કોઈક જે તેની ઘણી પ્રશંસા કરે છે તેમને પીરસવું એ સન્માનની વાત છે. તેથી વિરોધ કરવાનો તો દૂર તેણે હોંશે હોંશે આલુપરાઠા પીરસ્યાં.

‘હવે ખાવાનું શરૂ કરો.’ મારી પત્નીએ મારો હાથ હલાવીને મોટેથી કહ્યું. હું વિચારતંદ્રામાંથી બહાર આવ્યો.

મિસરી

હું સર્વસ્વ લૂંટાવી દઉં સંબંધ ખાતર તો પણ

તમે સંપત્તિમાં પ્રેમ માપો એ મને ના ફાવે

સમાધાન માટે હું સખત મથતો રહું હરપળને

તમે સહેજમાં સંબંધ કાપો એ મને ના ફાવે.

  • રતિલાલ સોલંકી

Santoshdevkar03@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post હજી બે આલુ પરાઠા મળશે? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/yet-two-ale-parathas-will-find/
via Best Gujarati News

0 Comments