જુઠા હે તેરા વાદાઃ રાજકારણમાં બારેમાસ ‘એપ્રિલ ફૂલ’
વાઈડ એન્ગલ : જયેશ ઠકરાર
આવતીકાલે દુનિયામાં એક દિવસ માટે ”એપ્રિલ ફૂલ દિવસ” ઉજવાશે પણ આપણે ત્યાં નેતાઓ જનતાને રોજ એપ્રિલ ફૂલ બનાવે છે- મૂરખ બનાવવા એ આમ તો દુર્ગુણ છે પણ રાજકારણમાં આ જ મોટી આવડત ગણાય છે
એક ખડુસ નેતા ચૂંટણીપ્રચારમા નીકળ્યા છે. અંતરિયાળ ગામમાં ભાષણ ઝીંક્યા બાદ તે લોકોને પૂછે છે કે તમારી કોઈ સમસ્યા હોય તો જણાવો… લોકો બોલ્યા ‘નેતાજી બે સમસ્યા છે” પહેલી સમસ્યા એ છે કે ગામમા સરકારી દવાખાનુ તો છે પરંતુ ડોક્ટર નથી !” નેતાજી તુરંત મોબાઈલ ફોન કાઢે છે, નંબર ડાયલ કરે છે અને ધડાધડ કોઈને ખખડાવી નાખી વિજયી સ્મિત સાથે ગ્રામજનોને કહે છે ”ડોક્ટર આવી જશે – બોલો બીજી સમસ્યા ?” ગ્રામજનો કહે છે ”નેતાજી ગામમા બિલ્કુલ મોબાઈલ નેટવર્ક નથી”
લોકોને મૂરખ બનાવવાનો ગુણ રાજકારણીઓના રંગસૂત્રમાં હોય છે. કોઈ અપવાદ હશે પરંતુ આઝાદી પછી હિન્દુસ્તાનને તો મોટાભાગે આવો જ કડવો અનુભવ થયો છે. આવતીકાલે વિશ્વ આખુ એપ્રિલ ફૂલ ડે ઉજવશે પણ આપણે ત્યા આ દિવસ બારમાસી હોય છે. કોંગ્રેસ આ દિવસને ”જૂમલા દિવસ” ગણાવે છે કે ભાજપ ”પપ્પુ દિવસ”…! લોકો બરાબર સમજે છે કે અંતે એપ્રિલ ફૂલ તો જનતાએ જ બનવાનું છે.
સજન રે જૂઠ મત બોલો-ખુદા કે પાસ જાના હૈ, જૂઠ બોલે કૌઆ કાંટે, જૂઠા તેરા વાદા-વાદા તેરા વાદા.. જેવા ગીતો બેકગ્રાઉન્ડમાં વાગતા હોય અને નેતાઓની ફિરકી ઉતરતી હોય એવી સ્ટેન્ડ અપ કોમેડી સિવાય બિચારી જનતા શું કરી શકે?
હમણા ચૂંટણીના માહોલમા ફિલ્લમ બરાબર જામી છે – રાજ બબ્બરે કહ્યું કે અમે માયાવતી-અખિલેશના ગઠબંધન માટે યુપીમાં ૭ બેઠક અનામત રાખી છે. માયાવતી ભડક્યા” અબે ઈસકી કોઈ જરૂરત નહી હે – લડના હે તો લડો – હમ ઓર અખિલેશ કાફી હૈ. વારૂ – તમે પણ અમેઠી, રાયબરેલી ગાંધી પરિવાર માટે અનામત રાખી જ છે ને? પણ એ વાત જવાદો.. હવે પ્રિયંકા મેદાનમાં આવે છે હમ સબકા (માયાવતી,અખિલેશ કા) એક હી મિશન હૈ ! મોદીજી કો હરાના… અરે બહેન ! એમ તો ઘણાને પીત્ઝા નથી ભાવતા એટલે એ બધાનું કાંઈ ગઠબંધન થઈ જાય !
હવે ચૂંટણી છે તો સૌને ગંગામૈયા, રામ ભગવાન, ગરીબો, ખેડૂતો, જવાનો, મહિલાઓ… બધા યાદ આવશે પણ ટિકીટ કોને મળશે? નાત, જાત અને નાણાના સમીકરણ ઉપર… એક પણ પક્ષ છાતી ઠોકીને કહેતો નથી કે અમે ર% બેઠકો આઈટીઆઈ, આઈઆઈએમના ટોપરને આપીશુ, ર% બેઠક પદ્મશ્રી-પદ્મ વિભૂષણથી સન્માનિતોને આપીશુ – ચૂંટણી તો જ લોકશાહીનું મહાપર્વ બને જો રાજકારણમાં સન્માનજનક ઉમેદવારો હોય પરંતુ અહી તો ફૂલન દેવી, રબડી, શિબૂ સોરેન જેવા લોકોને ટિકીટો અપાય છે – લોકોની ભાવનાઓ સાથે ચેડા કરી જે બ્રેઈનવોશ થાય છે એ એપ્રિલ ફૂલ જ છે !
ડેવલપમેન્ટ ઈન્ડેક્સમા ચીન ર૬માં અને ભારત ૬રમા ક્રમે છે. વિશ્વની ૧૮% વસ્તી ધરાવતા ભારતમા પીવાના પાણીના સ્ત્રોતનું પ્રમાણ માત્ર ૪% જ છે. ૬૪૦ જિલ્લામાંથી ૩૦૦ જિલ્લા દર વર્ષે દુકાળમાં સપડાય છે. ૧૯૯૫થી ૨૦૧૩ સુધીમા ૨,૯૬,૪૩૮ ખેડૂતોએ આપઘાત કર્યા છે. આપણા નેતાઓને વિમાનના ઈકોનોમી ક્લાસમાં ફાવતુ નથી તેને એ ઢોરડબ્બો ગણાવે અને વાતો ગરીબી હટાવવાની કરે એ એપ્રિલ ફૂલ છે.
રાજકારણીઓ બિમાર પડે તો અમેરિકા દોડે છે અને સભાઓમાં વાતો ‘સ્વસ્થ ભારત’ની કરે છે – નેતાઓના બાળકો સરકારી નિશાળોમા ભણતા નથી – એમના હાથે પ્રવેશોત્સવોના તાયફા થાય એ એપ્રિલફૂલ છે. હમણા તેલંગણામા એક ઉમેદવાર વિશ્વેશ્વર રેડ્ડીએ ૮૯૫ કરોડની સંપત્તિ જાહેર કરી !
અગાઉ તેલુગુદેશમ પાર્ટીના જયદેવ ગાલાએ ૬૮૩ કરોડની સંપતિ જાહેર કરેલી. આ એવા દેશના માલેતૂજાર નેતાઓ છે જ્યા ૩૦ કરોડથી વધુ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે, ર૦ કરોડ લોકોને પૂરતી વીજસેવા નથી મળતી, ૧૩,૫૦૦ ગામડા એવા છે જ્યાં શાળા નથી ! અહી લોકસભામાં એક મિનીટનો ખર્ચ અઢી લાખ થાય છે અને છતા પ્રજાના પ્રશ્નોને બદલે અભદ્ર વાણીવિલાસ થાય એ એપ્રિલ ફૂલ છે. રાજકારણીઓ પક્ષોમા વહેેંચાયેલા હોઈ શકે – તે પક્ષો બદલતા રહે પરંતુ દેશને પક્ષોના ધોરણે જુદા-જુદા ફાડિયામા વહેંચી દેવો એ ગુસ્તાખી છે. ટીવી ડિબેટમાં ફેંકાફેંકી કરતા નેતાઓની જીભ ઉપર તો હિન્દુસ્તાન જ હોય છે પરંતુ તેના દિલમા તેનો પક્ષ અને ખુદની ગાદી જ હોય છે – આ એપ્રિલ ફૂલ છે.
હિન્દુસ્તાનમાં એપ્રિલ ફૂલ એક દિવસનો નહી – બારમાસી તહેવાર છે.
ઝૂમ ઈન
એક પતંગિયુ
ફ્લાવરવાઝના ફૂલો
ઉપર જઈ બેઠુ
ત્યા તો ફ્લાવરવાઝના
બધાં નકલી ફૂલો
એક સાથે બોલી ઉઠયા
”એપ્રિલ ફૂલ બનાયા’
ઝૂમ આઉટ
તારીખ હજાર સાલ મેં
બસ ઈતની સી બદલી હૈ
તબ દૌર પત્થર કા થા
અબ લોગ પત્થરકે હૈ
fb/ jayesh thakrar wide angle
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જુઠા હે તેરા વાદાઃ રાજકારણમાં બારેમાસ ‘એપ્રિલ ફૂલ’ appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/jude-ha-tera-wada-royalist/
via Best Gujarati News
0 Comments