અમે પેલાનું ડોકું ઉડાવી દઇશું
માણસાઈના દીવા : ઝવેરચંદ મેઘાણી
વાત અહી પહોંચેલી : પાટણવાડીયાની તરફેણમાં જજ સાહેબે ફેંસલો આપ્યો હતો અને સાતેય પાટણવાડીયા બચી ગયા હતા. મહારાજે પળનીયે રાહ જોયા વગર હર્ષભેર સાતેયને તેઓ નિર્દોષ છુટી ગયા છે તે જણાવ્યું અને જેલમાંથી છોડાવીને તેમના ગામે લઇ ગયા. ગામમાં આવ્યા પછી તરત મહારાજે તેમને લઈ ગયા, ભાઈની માફી માગવા. પાટણવાડિયાઓને સવાલ જાગ્યોઃ ઊલટાની એમની માફી? પણ મહારાજ મક્કમ હતા. ટોળું મહારાજની સાથે પહોંચ્યું ભાઈને ત્યાં. એમણે માફી માગી ખરી, પણ ભાઈ કશું બોલ્યા નહીં. ટોળું પાછું ફર્યું.
તે પછી એક દિવસ મહીસાગર-કાંઠાનાં કોતરોમાં રવિશંકર મહારાજ એકલા ચાલ્યા જતા હતા. એમાં છેટેથી ભૂમો સંભળાઇ “એ ઊભા રહો, ઊભા રહો.” મહારાજ થંભ્યા. બે હથિયારબંધ પાટણવાડિયા આવી પહોંચ્યા. એમાંથી એકે પોતાના માથા પરથી ફાળિયું ભોંય પર નાખ્યું, ને મહારાજને કહ્યું “મહારાજ, આના પર બેસો.”
“શું છે, અલ્યા! કહે ને!”
“પછી કહું. એક વાર તમે આના પર બેસો. વાત કહેવી છે.”
“બોલ શી વાત છે?” બેસતાં બેસતતાં મહારાજે ઓળખ્યો : ગુનો કરીને નાસતો ફરતો એ એક જુવાન હતો એની પાછળ વોરંટ હતું.
“વાત એ છે કે, અમે પેલાનું ડોકું ઉડાવી દઇશું.” જુવાન ઉશ્કેરાઇને બોલ્યો.
“કોનું ડોકું?”
“પેલા ભાઇનું, વડદલાવાળાનું.”
“શાથી?”
“એ ગાળો ભાંડે છે.”
“કોને?”
“તમને. અમારાથી એ નહીં સહેવાય. અમારા સાંભળતાં તમને ગાળો ભાંડે છે. ડોકું ઉડાવી દઇશું!”
“લે બેસ, બેસ! ડોકું ઉડાડવાવાળો ના જોયો હોય તો! મને ગાળો ભાંડે તેમાં તારું શું ગયું? છો ભાંડતો. ને તું તો માથે ગુનો લઇને ભમી રહ્યો છે! તું ક્યાં મારી પાસે રજૂ થયો છે! જા, જા ગાંડિયા! એવું કંઇ કરવાનું નથી.”
પછી મહારાજ વડદલે ભાઇ પાસે ગયા ને કહ્યું:
“ભઇ! એક જ વાત કહેવા આવ્યો છું: એકાંતે તું મને ભાંડવી હોય એટલી ગાળો ભાંડી લે. હું એક શબ્દ પણ નહીં બોલું, પણ ભલો થઇને તું મને બહાર ગાળો ન દેતો. આ પાટણવાડિયા ઉશ્કેરાય છે, ને વખતે તને ઇજા કરી બેસશે.”
***
નમું નમું તસ્કરના પતિને
ગામથી બે’ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકા સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ‘ચાલ, આવ આવ!’ ફોજદાર સાહેબે દરગાહ સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા ને કહ્યું: ‘ચાવવા માંડ!’
શકદારે થોડીવાર ચોખા ચાવ્યા એટલે ફોજદારે કહ્યું: ‘હવે થૂંકી નાખ, ચોખા.’
શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડયા અને પછી ફોજદારે કહ્યું: ‘નહીં, આ ચોર નથી. એનું ચાવણ થૂંકાળું છે. તું જા! હવે કોણ છે બીજા? ચાલ, આ લે, ચોખા, ચાવ.’
બીજાએ ચાવ્યું. એને થૂંકાવ્યું, એ થૂંકેલું સાહેબે નિહાળ્યું. શિર હલાવીને સાહેબે બીજાને પણ નિર્દોષ જાહેર કર્યો.
‘ચાલ, હવે, ઝાલા, તું ચાવ ચોખા, હમણાં જ પીર પોતાના ગુનેગારને પકડી આપશે.’
ઝાલા એક પાટણવાડિયો હતો.
ચોખાની ચપટી લેતાં ઝાલાનો હાથ ધ્રૂજ્યો. ચોખા મોંમાં ઓરતાં એના હોઠ કંપ્યા. ચાવીને એણે થૂંક્યું. એ થૂંકેલ ચાવણ પર ઝૂકેલા સરફોજદારના મોં પર વિજયની ઝલક આવી ગઈ. એમણે સાગરીતોને કહ્યું: ‘જોયું ને? કોરેકોરું! જોયું ને! વાહ, બેટમજી! પારખું કરી લીધું. બસ, હવે બીજા બધા ચાલ્યા જાવ ને તું આમ આવ, ઝાલા!’
ઝાલો ધ્રૂજતો, સંકોડાતો નજીક આવ્યો. એટલાં ચાર-પાંચ પગલામાં તો ઝાલાએ પીર સાથે જાણે જુગજુગજૂની વાતો કરી લીધીઃ અરે પીર! તમે શું પોલીસના બાતમીદાર છો! તમે શું આવડી મોટી બનાવટ કરી શકો છો? તમે પણ આ વાઘ-દીપડાની જૂઠલીલામાં સામેલ છો? સોડ ઓઢીને સૂતા સૂતા તમે શું આવાં કામાં કરવો છો?
સરફોજદારના મજબૂત પંજાના એક તમાચાએ ઝાલા પાટણવાડિયાને પીર સાથેની ગોષ્ઠિમાંથી સભાન બનાવ્યો ને ઝાલાએ વક્રહાસ્ય કરતા ફોજદારનો કુટિલ પ્રશ્ર સાંભળ્યોઃ ‘લાવ, ક્યાં છે ચોરીનું કાપડ?’
‘કાપડ!’ ઝાલો કશું સમજતો નહોતો.
‘હા, હા, પેલા પાટીદારનું કાપડ. ચાલાકી જવા દે, ને કાપડ ઝટ કાઢી આપ. હવે પીરના પંજામાંથી જઈશ કયાં!’
‘કાપડ વિશે, સાહેબ, હું કશુંય જાણતો નથી.’
‘ઠીક ત્યારે, ઝાલાભાઈને સમજાવો હવે!’ એમ ફોજદારે પોતાના સાથીદારોને કહેતાં તો ઝાલાના શરીર પર સમાટા દંડા, ગડદા, પાટુ, તમાચા ને ઠોંસા વરસી પડયાં.
પોતાના તરફથી એક નવો ઠોંસો લગાવવા ફોજદારે હાથ ઉપાડયો, એ જ પળે કોઈકે એ હાથનું કાંડું ઝાલ્યું. ફોજદારે ચમકીને પાછળ જોયું. હાથ પકડીને ઊભેલ ઊંચી કાઠીના એક આદમીએ, શરીરના કદથી ઊલટા જ કદના કોમળ ધીરા સ્વરે આટલું જ કહ્યું: ‘શીદ મારો છો? ના મારશો.’
‘રવિશંકર મહારાજ!’ ફોજદારે પોતાનું કાંડું પકડનારને જોઈ ચિડાઈ જઈને કહ્યું: ‘ના શું મારે! કંઈ સમજો તો ખરા! કિનખલોડની ચોરી એણે જ કરી છે.’
‘નહીં,’ રવિશંકર મહારાજે સજળ નેત્રે જણાવ્યું: ‘એ ઝાલો ચોરી કરે નહીં.’ ‘પણ આમ તો જુઓ!’ સરફોજદારે પોતાને સાંપડેલા પીરના પુરાવા તરફ-એટલે કે ઝાલાએ થૂંકેલ ચોખાના ચાવણ તરફ-આંગળી ચીંધાડીઃ ‘આ જુઓ છો?’
‘શું છે?’
‘હજુ પૂછો છો- શું છે? એ મહારાજ! એ તદ્ન કોરું, બિલકુલ થૂંક વગરનું, ચાવણ છે. અહીં તો પીરનો હાજરાહજૂર પરચો છે. ચોર હોય તેના ચાવેલ ચોખામાં થૂંક ન આવે.’
સાંભળીને મહારાજના સંતાપમાં રમૂજ ભળી. નિર્દોષ પીરને પણ જૂઠી સાહેદીમાં સંડોવનાર ગાયકવાડી ફોજદાર પ્રત્યે એમને હસવું આવ્યું. એ હસવું દબાવીને પોતે કહ્યું: ‘ફોજદાર સાહેબ! પીર, ચોખા અને થૂંકવાળું શાસ્ત્ર તો હું જાણતો નથી, પણ માણસની માણસાઈનો મને પરિચય છે. આ ઝાલો મારો સંપૂર્ણપણે જાણેલો છે. એને ખેતરે જ હું રહું છું, એ ચોર નો’ય. એને મારશો નહીં, નહીંતર હું સીધો વડોદરે પહોંચું છું.’
‘બળ્યું ત્યારે…’ એટલું કહીને ફોજદારે પીરને સલામ કરીને ચાલતી પકડી. પીર તો શરમના માર્યા સોડયમાંયે સળવળ્યા વગર પોઢી રહ્યા.
(ક્રમશઃ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અમે પેલાનું ડોકું ઉડાવી દઇશું appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/we-pella-fist-fly-de/
via Best Gujarati News
0 Comments