અભિસાર, તું મારા વગર જીવી શકીશ નહીં, એ જ તારી સજા છે
નવલકથા
પ્રકરણ ૮
ક્રાઈમ બ્રાંચના મહિલા ડીવાયએસપી મનસ્વી કુલકર્ણી અભિસારની પૂછપરછ કરી રહ્યા હતાં. તેમણે અભિસારનો મોબાઈલ માંગ્યો. સ્ક્રીન સહેજ તૂટેલો જોઈ અભિસાર સહેજ વિચલિત થઈ ગયો હોય તેમ તેમને લાગ્યું.
પરંતુ મહિલા પોલિસ અધિકારી બાહોશ હતાં. તેમને તટસ્થ અને ઝીણવટભરી તપાસમાં રસ હતો. તેમણે અભિસારને કહ્યું: ‘રિલેક્સ અભિસાર, આજની તપાસ હું અહીં જ અટકાવું છું. તમે મને એટલું કહો કે અલંકૃતા બીજે કયાં ગયા હોઈ શકે છે?’
અભિસારે કહ્યું: ‘હું કાંઈ જ કહી શકું તેમ નથી. તેનું અહીં કોઈ સગું-સંબંધી જ નથી. તેને કોઈ અંગત સખી પણ નથી. તેનું જીવન મારી અને મારું જીવન તેની આસપાસ જ ગૂંથાયેલું રહેતું.’
‘ઓ.કે…..હવે કાલે મળીશું. આજે હું જાઉં છું.’ કહી મનસ્વી કુલકર્ણી ઊભાં થયાં.
અભિસારે તેમને વિદાય આપી, પરંતુ નિસર્ગ વિલાની બહાર એક ડઝનથી વધુ ન્યૂઝ ચેનલ્સના કેમેરામેન અને પત્રકારો ઊભાં હતાં. એ બધાં મનસ્વી કુલકર્ણીની પાસે દોડી ગયાં. પૂછવા લાગ્યાં: ‘મેડમ! અલંકૃતાનો કોઈ પત્તો લાગ્યો? એમના હસબન્ડ શું કહે છે? અલંકૃતા કયાં છે? પોલિસ શું કરવા માંગે છે?’
મનસ્વી કુલકર્ણી એટલું જ બોલ્યાં: ‘તપાસ ચાલુ છે. અલંકૃતાને શોધી કાઢવા અમે એક ટીમનું ગઠન કરીશું. હાલ તો તેમના પતિના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ કઢાવવા માંગીએ છીએ.’
પત્રકારોએ ફરી પ્રશ્નોનો મારો ચલાવ્યોઃ ‘એટલે કે અલંકૃતાના ગૂમ થવામાં તેમના પતિનો કોઈ રોલ છે?’
‘અત્યારે તપાસ ચાલુ છે.’ એટલું જ કહી મનસ્વી કુલકર્ણી તેમની કારમાં બેસી જતાં રહ્યાં.
***
બીજા દિવસનાં અખબારોએ જાતજાતની હેડલાઈન્સ બનાવી. કોઈકે લખ્યું: ‘અલંકૃતાના ગૂમ થવા અંગે ઘૂંટાતું રહસ્ય.’
બીજા કોઈએ લખ્યું: ‘અલંકૃતાના ગૂમ થવામાં પતિનો હાથ હોવાની પોલિસને આશંકા.’
ત્રીજા અખબારે લખ્યું: ‘અલંકૃતાના પતિનો મોબાઈલ કબજે લેવાયો.’
ચોથા અખબારે લખ્યું: ‘અલંકૃતા કેસ અંગે ભીનું સંકેલવાનો પ્રયાસ.’
આખા શહેરમાં હવે અલંકૃતાના ગૂમ થવા વિષે ભાતભાતની વાતો ચાલતી હતી. સ્કાય ટીવીની એંકર નિધિ સુશાંત સહુથી વધુ અલંકૃતા કેસ પર ધ્યાન આપતી હતી. એણે રાતના ૮-૩૦ વાગ્યાના પ્રાઈમ ટાઈમમાં સ્ત્રીઓના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરતી મહિલા અગ્રણીઓને બોલાવી હતી. જેમાં સ્ત્રીઓના પ્રશ્નો અંગે સતત જાગૃત એવાં મહિલા અગ્રણી રુઝાન ખંભાતા, સ્ત્રીઓના પ્રશ્નો પરના નાટકનાં નિર્માતા-દિર્ગ્દિશકા અર્ચના ચૌહાણ અને મીસિસ યુનિવર્સ નીપા સિંઘ પણ સામેલ હતાં. એ બધાંનો એક જ સૂર હતો કે પુરૂષોનું સ્ત્રીઓ પરનું દમન હજુ ઘટયું નથી. પોલિસ નિષ્ક્રિયતા છોડી તાત્કાલીક અલંકૃતાને શોધી લાવે અને તેમાં કોઈપણ વ્યક્તિ જવાબદાર હોય તો તેને નશ્યત કરવાની જોગવાઈ કરે.
ન્યૂઝ એંકર નિધિએ કહ્યું: ‘અલંકૃતાનો પતિ દેશ છોડી ના જાય તે માટે તેમનો પાસપોર્ટ પણ જપ્ત કરવો જોઈએ. અલંકૃતા ક્યાં છે તેનો જવાબ તેમના પતિ જ આપી શકે. પતિના મિત્રોની કે તેમના અન્ય સંબંધોની તપાસ કરવી જોઈએ.’
અભિસાર તેના ઘરમાં બેઠો બેઠો આ સમાચાર અને ચર્ચા સાંભળી રહ્યો હતો. તેની પાસે હાલ કોઈ જવાબ નહોતો. એણે ટીવી બંધ કરી દીધું.
***
અખબારોમાં થયેલા ઉહાપોહ બાદ રાજ્ય સરકાર વધુ સક્રિય થઈ. ગૃહમંત્રીએ ક્રાઈમ બ્રાંચના વડા સાથે સીધી વાત કરી અને અલંકૃતાના ગૂમ થયાનું રહસ્ય વહેલી તકે ઉકેલી નાંખવા સૂચના આપી.
બીજા દિવસે સવારે ફરી એકવાર ક્રાઈમ બ્રાંચના ડીવાયએસપી મનસ્વી કુલકર્ણી પોતાનો કાફલો લઈ નિસર્ગ વિલા પર આવી પહોંચ્યાં. બહાર હજુયે વહેલી સવારથી ન્યૂઝ ચેનલ્સના પત્રકારો અને કેમેરામેન કેમેરા ગોઠવીને ઊભાં હતાં. મનસ્વી કુલકર્ણીના આગમનને કેમેરામાં રેકોર્ડ કરી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું.
મનસ્વી કુલકર્ણીએ અભિસારના ઘરના બારણાની બહારના ડોરબેલનું બટન દબાવ્યું.
અભિસારે બારણું ખોલ્યું.
મનસ્વી કુલકર્ણીએ કહ્યું: ‘ગુડ મોર્નિંગ.’
અભિસારે પણ ‘ગુડ મોર્નિંગ મેડમ’ કહી તેમને સત્કાર્યાં. મનસ્વી કુલકર્ણીને લાગ્યું કે અભિસારે રાત્રે ઊંઘ બરાબર લીધી નથી.
ઘરમાં પ્રવેશતાં જ તેઓ બોલ્યાઃ ‘આઈ એમ સોરી, મારે તમારા ઘરની તલાશી લેવી એવી સૂચના છે!’
અભિસારે કહ્યું: ‘ખુશીથી જે તલાશી લેવી હોય તે લઈ શકો છો.’
મનસ્વી કુલકર્ણી સાથે એક પોલિસ ઈન્સ્પેક્ટર અને એક કેમેરા મેન પણ હતો. પોલિસ અધિકારીએ મેડમની સૂચના પ્રમાણે પહેલાં ડ્રોંઈગરૂમની તપાસ કરી. ટીપોયની નીચેનું ખાનું જોયું. તે પછી કિચનની તપાસ કરી. ગેસનું કનેકશન તપાસ્યું. સ્ટોરરૂમ પણ જોયો.
મનસ્વી કુલકર્ણીએ કહ્યું: ‘હું તમારો બેડરૂમ જોઈ શકું?’
‘શ્યોર.’
અભિસાર મનસ્વી કુલકર્ણી અને પોલિસ ઈન્સ્પેક્ટરને ઉપરના માળે આવેલાં બેડરૂમ બતાવવા લઈ ગયો. એણે કહ્યું: ઉપર બે બેડરૂમ છે. એક ગેસ્ટ માટે છે અને બીજો અમારો પર્સનલ.’
પોલિસે પહેલા ગેસ્ટ બેડરૂમ જોયો. કબાટ ખોલીને અંદર જોયું. ગાદલાં ઉંચકીને તેની નીચેનો ભાગ જોયો. હવે, તેમણે અભિસાર-અલંકૃતાના બેડરૂમમાં આવેલું કપ બોર્ડ ખોલવા કહ્યું: તેમાં બે ભાગ હતા. એક ભાગ અભિસારનાં વસ્ત્રો માટે હતો અને બીજો ભાગ અલંકૃતાનાં વસ્ત્રો માટેનો હતો.
મનસ્વી કુલકર્ણીએ પૂછયું: ‘આ બધા જ વસ્ત્રો અલંકૃતાનાં છે?’
‘જી.’
‘એમાંથી કોઈ ઓછાં થયાં છે?’
‘ના.’
‘એનો અર્થ એ થયો કે અલંકૃતા પોતાની ઈચ્છાથી પણ બહાર ગયાં હોય તો પણ વધુ વસ્ત્રો સાથે લઈ ગયાં નથી. બસ પહેરેલે કપડે જ ગયાં છે’ મનસ્વી કુલકર્ણીએ અનુમાન કર્યું.
અભિસાર મૌન રહ્યો.
મનસ્વી કુલકર્ણીએ પૂછયું: ‘તેમની બેગ ક્યાં છે?’
કપ બોર્ડના એક ખાનામાંથી અભિસારે અલંકૃતાની ટુરીસ્ટ બેગ દર્શાવી. ટુરીસ્ટ બેગ પણ ઘરમાં જ હતી. પોલિસે બેડરૂમ સાથે જોડાયેલો બાથરૂમ તપાસ્યો. પોલિસ અધિકારીએ અભિસારને પૂછયું: ‘અહીં બે ટુથ બ્રશ છે, એમાં તમારું કયું?’
અભિસારે કહ્યું: ‘ગ્રીન મારું છે અને પિંક અલંકૃતાનું છે.’
મનસ્વી કુલકર્ણી બોલ્યાં: ‘એટલે કે અલંકૃતા તેમની મરજીથી બહાર ગયા હોય તો પણ તેમની સાથે ટુથ બ્રશ વગેરે લઈને ગયાં નથી.’
‘આઈ ડોન્ટ નો.’ અભિસાર મુંઝાયેલા હતા.
મનસ્વી કુલકર્ણી બોલ્યાઃ ‘અલંકૃતાના તમામ વસ્ત્રો અને ટુથબ્રશ પણ ઘરમાં જ હોય તો તેનો અર્થ એ થયો કે તેઓ લાંબા પ્રવાસનું આયોજન કરીને બહાર ગયા નથી.’
‘આઈ થીંક સો.’
‘તો શું એમ સમજુ કે કોઈએ તેમનું અપહરણ કર્યું છે?’
‘આઈ ડોન્ટ નો.’
‘તો હું શું એમ સમજું કે કોઈએ તેમની હત્યા કરી નાંખ્યા પછી…?’: મનસ્વી કુલકર્ણીએ સીધો પ્રશ્ન પૂછતાં પૂછતાં પ્રશ્ન અડધો જ છોડી દીધો.
અભિસાર મૌન થઈ ગયો.
મનસ્વી કુલકર્ણીએ ફરી પૂછયું: ‘તમને લાગે છે કે કોઈએ તેમની હત્યા કરી નાંખી છે?’
‘કોઈ અલંકૃતાને શા માટે મારી નાંખે? તે અજાતશત્રુ હતી.’ અભિસાર બોલ્યો.
એટલામાં પોલિસ ઈન્સ્પેક્ટર કપબોર્ડમાંથી એક ધારધાર ચાકુ લઈ આવ્યો.
મનસ્વી કુલકર્ણીએ ચોંકી જતાં પૂછયુઃ ‘કપડાનાં કબાટમાં ચાકુ શા માટે?’
મને ખબર નથી. એ ખાનું મારું નથીં. પણ અલંકૃતાનું છે.’ અભિસારે સ્પષ્ટતા કરી.
‘એક સ્ત્રી પોતાના કબાટમાં ચાકુ શા માટે રાખે?’ મનસ્વી કુલકર્ણીએ પૂછયું.
‘એ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી.’
મનસ્વી કુલકર્ણીએ એ ચાકુ પ્લાસ્ટિકની બેગમાં એક પુરાવા તરીકે કબજે લીધું અને ચાકુને ફોરેન્સિક લેબમાં મોકલી આપવા સૂચના આપી.
અભિસાર હવે ડરેલો હતો. તેના કપાળમાં પ્રસ્વેદના બિંદુ હતાં.
એટલામાં પોલિસ ઈન્સ્પેક્ટરે નીચે ફર્શ પર આંગળી કરી કહ્યું: ‘મેડમ અહીં નીચે ફર્શ પર કાળા-રાતા ડાઘ છે. થીજી ગયેલા બ્લડના ડાઘ લાગે છે.’
મનસ્વી કુલકર્ણીએ કહ્યુઃ ‘લોહીના ડાઘના એ સેમ્પલ પણ ફોરેન્સિક લેબને મોકલી દો.’
મનસ્વી કુલકર્ણીએ કહ્યું: ‘અભિસાર, પૂરાવા તમારી વિરુદ્ધ જઈ રહ્યા છે.’
અભિસાર બોલ્યોઃ ‘પ્લીઝ હેલ્પ મી મેડમ, આઈ એમ ઈનોસન્ટ.’
મનસ્વી કુલકર્ણી બોલ્યાં: ‘હજી હું કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવી નથી, પરંતુ તમે હવે આ શહેર છોડી શકશો નહીં. ઈટ્સ માય ઓર્ડર.’
મનસ્વી કુલકર્ણીએ અભિસારના ઘરની આસપાસ પોલિસ ગોઠવી દેવા સૂચના આપી.
અભિસાર હવે ભાંગી પડવાની તૈયારીમાં હતો.
***
રાત પડી ગઈ.
અભિસાર હવે ઘરમાં એકલો હતો. તે શૂન્યમનસ્ક બની ગયો. આજે રાતનું ડીનર લીધા વિના જ તે ડ્રોઈંગરૂમમાં બેસી રહ્યો. સામેની દિવાલ પર અલંકૃતાની તસવીર હતી. તે અલંકૃતાની તસવીરને એકીટસે નિહાળી રહ્યો.
બહાર હવે શાંતિ થઈ ગઈ હતી, છતાં બે ચાર ટીવી કેમેરામેન હજી કોઈક સ્ટોરી મળશે એવી આશાએ ઊભા હતા.
અભિસારે ઘરની અંદરથી જ નિસર્ગ વિલાની બહારની બત્તીઓ બંધ કરી દીધી. ડ્રોઈંગરૂમની પણ લાઈટો બંધ કરીને તે એના બેડરૂમમાં ગયો. બેડરૂમના પણ એક ખૂણાના ટેબલ પર અલંકૃતા સાથેની તેની તસવીર મૂકેલી હતી. ફરી તે એ સંયુક્ત તસવીરને નિહાળી રહ્યો.
અચાનક તેને કાંઈક યાદ આવ્યું. તે બાથરૂમમાં ગયો. એક બાલટીમાં પાણી ભરીને લઈ આવ્યો. સાથે એક પોતું પણ લઈ આવ્યો. બેડરૂમમાં અલંકૃતાને ઈજા થતાં જ્યાં લોહીના ડાઘ પડયા હતા તે ફર્શ પરની જગાને ધોવા લાગ્યો.
અચાનક પાછળથી અવાજ આવ્યોઃ ‘અભિસાર..!’
અભિસારે પાછળ જોયું તો બારણામાં અલંકૃતા ઊભી હતી.
અભિસારે આશ્ચર્યથી પૂછયું: ‘અલંકૃતા, તું આવી ગઈ?’
અલંકૃતા બોલીઃ ‘હા…પણ આ તું શું કરે છે?’
‘ફર્શ પરના લોહીના ડાઘ ધોઉં છું.’
અલંકૃતા બોલીઃ ‘એટલે કે તું પૂરાવવાનો નાશ કરે છે?’
અભિસારે કહ્યું: ‘ના. એ ડાઘને જોઉં છું અને એ દુઃખદ ઘટના યાદ આવે છે. તેને હું ભૂલી જવા માગું છું. ‘
અલંકૃતા બોલીઃ ‘પરંતુ ઘટેલી ઘટના ભૂલી શકાતી નથી. આપણું મગજ એ કોમ્પ્યુટર નથી કે જેમાંથી કોઈ માહિતી ડીલીટ કરી શકાય. કુદરતે ડેટા ડીલીટ કરવાની સુવિધા આપણા દીમાગને આપી નથી.’
‘આઈ એમ સોરી.’
અલંકૃતા બોલીઃ ‘વળી હવે બહુ મોડું થઈ ગયું છે. ફર્શ પરના લોહીના ડાઘના સેમ્પલ તો પોલિસ લઈ ગઈ છે. યુ આર ઈન ટ્રબલ.’
‘એટલે?’
‘એટલે કે તેં મારી સાથે જે કર્યું તે માટે તારે ભોગવવું પડશે.’
‘મેં શું કર્યું?’
‘તેં મારી સાથે દગો કર્યો. મારાથી છૂપાવીને કોઈ અન્ય યુવતી સાથે સંબંધ રાખ્યો. તેં દારૂ પીધો અને તેં મારી…?’
‘મેં તારી હત્યા…? ના.’
અને અલંકૃતા હસવા માંડી.
અભિસાર બોલ્યોઃ ‘મેં જો તારી હત્યા કરી હોય તો તું અત્યારે મારી સામે ક્યાંથી?’
‘જો અભિસાર, હવે હું તારા જીવનમાં નથી, છતાં પણ છું અને હું તારા જીવનમાં છું, છતાં પણ નથી.’
‘એટલે?’
અલંકૃતા બોલીઃ ‘હું સતત તારી આસપાસ ફરતી રહીશ. ક્યારેક કિચનમાં કામ કરતી હોઈશ. ક્યારેક બાથરૂમમાં હું નહાતી હોઈશ ત્યારે તને શાવરના અવાજ સંભળાશે. ક્યારેક બિસ્તરમાં મારા ઊના શ્વાસ તને વિચલીત કરી નાંખશે. એ રીતે તને સતત મારી યાદ સતાવ્યા કરશે. તું મારા વગર જીવી શકીશ નહીં. એ જ તને સજા છે. આમ હું તારા જીવનમાં નથી, છતાં રહીશ. તને મારાથી મુક્તિ નહીં મળે.’
અભિસારે પૂછયું: ‘તો શું તું પ્રેત છે?’
અલંકૃતા બોલીઃ ‘જો હું આ જગતમાં નથી તો પ્રેત છું, અને હું જીવીત છું તો તારા માટે એક દિવાસ્વપ્ન છું. હવે તું નક્કી કર કે હું શું છું?’
– અને અલંકૃતા ખડખડાટ હસવા લાગી. એનું હાસ્ય આધિભૌતિક હતું, ના સમજાય તેવું હતું. આખા રૂમમાં એના હાસ્યના પડઘા પડતા હતા. એ અવાજ એટલો મોટો હતો કે અભિસારે પહેલાં એના કાને હાથ મૂકી દીધા. અને અલંકૃતાના ના સમજાય તેવા સ્વરૂપને જોવા અસમર્થ એવા એણે આંખો પણ બંધ કરી દીધી. ધીમે ધીમે અલંકૃતાના હાસ્યના અવાજ ધીમા થતા ગયા. થોડીવાર પછી ઓરડામાં ફરી શાંતિ સ્થપાઈ.
અભિસારે આંખો ખોલી તો બારણામાં કોઈ જ નહોતું. એણે ઊભા થઈ ચારે તરફ નજર કરી તો અલંકૃતા ક્યાંયે નહોતી. એને ખ્યાલ આવી ગયો કે પાછલા દિવસોમાં ઘટેલી ઘટનાઓથી તેનું ચિત્ત ચકરાવે ચડયું હતું અને એ કારણે જ ચારેબાજુ અલંકૃતા જ દેખાતી હતી. તે હજુ સુધી એ નક્કી કરી શક્યો નહીં કે તેણે જે જોયું તે એક ભ્રમ હતો કે …….?
ખરીવાત એ હતી કે અલંકૃતા રૂમમાં ક્યાંય નહોતી. અભિસારને લાગ્યું કે તે અત્યારે માનસિક રીતે અત્યંત ભાંગી પડયો છે અને એ કારણે જ એ ક્યાંયે ના હોવા છતાં એને અલંકૃતા જ દેખાતી હતી.
અભિસારે ફરી એની અને અલંકૃતાની તસ્વીર સામે જોયું. અલંકૃતાની તસ્વીર જાણે કે એની પૂછી રહી હતીઃ ‘તેં મારી સાથે આવું કર્યું જ કેમ?’
અભિસાર મૌન હતો. રૂમમાં તેની સામે હવે માત્ર અલંકૃતાની તસ્વીર જ હતી, પણ અલંકૃતા ક્યાંય નહોતી.
(ક્રમશઃ)
www.devendrapatel.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અભિસાર, તું મારા વગર જીવી શકીશ નહીં, એ જ તારી સજા છે appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/anisar-to-me-without-live-sh/
via Best Gujarati News
0 Comments