તમને તમારા વાળની કિંમત ખબર છે ખરી?
વાત વિશેષ : પરવેઝ મલેક
જૂની કહેવત છે, વાંકો તો વાંકો મરદની મૂછનો વાળ છે! એની પાછળની કથા છેઃ એક શાહુકારને ત્યાં એક મર્દ માણસ પૈસા ઉધાર લેવા ગયો. શાહુકારે કહ્યું, ગિરવે શું મૂકો છો? મરદ માણસે મૂછનો એક વાળ ખેંચી શાહુકારને આપ્યો. શાહુકારે લઈ લીધો. પાછળ ઊભેલા ખેડૂતે આ જોયું. તેણે પૈસા ઉધાર લીધા. શાહુકારે ગિરવે શું મૂકશો પૂછયું, એ માણસે પણ મૂછનો વાળ તોડીને આપી દીધો. શાહુકારે વાળ જોઈને કહ્યું, ભાઈ આ વાળ તો વાંકો છે! એ માણસે બીજો વાળ તોડીને આપ્યો. ત્યારે શાહુકારે કહ્યું, ભાઈ! રહેવા દે, કિંમત મરદની મૂછના વાળની હોય! વાંકો તો વાંકો મરદની મૂછનો વાળ જોઈએ!
એ હિસાબે જોઈએ તો આપણે વાળ કપાવવા જઈએ ત્યારે વાળ કપાવવાના રૂપિયા માગવા ન જોઈએ? તમારા માથાના વાળની તો કેટલી બધી કિંમત થાય અને તમારા માથામાં કુલ કેટલા બધા વાળ છે? આ બંને આંકડા મળે તો ગુજરાતી તરીકે આપણે પલકવારમાં ગણી કાઢીએ કે આપણા માથે કેટલી મૂડી છે!
બાળપણથી આજની ઉંમર સુધી આપણે તો વાળ કપાવવાના પૈસા આપ્યા જ છે. ફૂટપાથ પર બેસતા કેશકર્તન કલાકારથી માંડીને મોટા સલોંમાં કારીગરી બતાવતા કલાકાર સુધી એક આખી ઈન્ડસ્ટ્રી લોકોના વાળ કાપીને કમાણી કરે છે. આપણા જેવા સામાન્ય વાળ કપાવનારથી તો એમને કોઈ લાભ નથી થતો, પરંતુ મહિલાઓ પોતાના વાળ કપાવે અથવા બાધાના વધારેલા વાળ કાપવાના થાય તો વાળ કાપનારને સો ટકા કમાણી થાય છે.
વાળની લે-વેચની ઈન્ડસ્ટ્રી કેટલી મોટી છે એનો અંદાજ મેળવવો હોય તો ઈન્ટરનેટ પર તિરૂપતિ બાલાજીની સાઈટ પર જાઓ. અહીં ભગવાનને ચઢાવવામાં આવતા વાળને ત્રણ ગ્રેડમાં વહેંચીને વેચી દેવામાં આવે છે. ૩૧ ઈંચથી લાંબા વાળ ગ્રેડ-એમાં આવે છે. આ ગ્રેડના ૮,૩૦૦ કિલોગ્રામ વાળ ૨૨,૩૦૦ રૂપિયે કિલોના (બેઝ પ્રાઈસ) પાયાના ભાવે હરાજીમાં મૂકવામાં આવ્યા છે. ૧૬ ઈંચથી ૩૦ ઈંચ સુધીના ગ્રેડ-બીના ૩૭,૮૦૦ કિલોગ્રામ વાળ ૧૭,૦૦૦ રૂપિયે કિલોના પાયાના ભાવે હરાજીમાં મૂકવામાં આવ્યા છે અને ૧૦થી ૧૫ ઈંચના ગ્રેડ-સીના ૮૦૦ કિલોગ્રામ વાળ ૩૦૦૦ રૂપિયે કિલોના પાના ભાવે હરાજીમાં મૂકવામાં આવ્યા છે. આવી હરાજી વડે સરેરાશ ૭ કરોડ રૂપિયાની આવક મંદિરને થાય છે. એ નાણા મંદિરના કાર્યકારી ભંડોળમાં જમા કરવામાં આવે છે.
આજ ઉદ્યોગનું વિશ્વ સ્તરનું સ્વરૂપ તપાસીએ તો જાણવા મળે છે કે વાળની લે-વેચ માટે પ્લેટફોર્મ પુરૃં પાડથી સંખ્યાબંધ વેબસાઈટો ઊભી થઈ ગઈ છે. એમાં તમે તમારા વાળની કેટલી કિંમત આવશે એ જાણી શકો. એ માટેના ઓટોમેટિક કેલ્ક્યૂલેટર મૂકવામાં આવ્યા છે. આ કેલ્ક્યૂલેટરમાં તમારા વાળની ચાર વિગતો મૂકો તો તમારા વાળની કિંમત એ ગણી આપે છે. એમાં પહેલી વિગત તો સ્વાભાવિક રીતે જ વાળની લંબાઈની છે. બીજી વિગત તમારા વાળની જાડાઈની ભરવી પડે છે. ત્રીજી વિગત તમારા વાળના રંગની ભરવાની હોય છે. ચોથી વિગત સહુથી મહત્ત્વની છેઃ એ છે તમારા વાળની વર્જિનિટીની!
વાળની વર્જિનિટી?!?
હા, વાળની વર્જિનિટી એટલે કે વાળ કેટલા અછૂતા રહ્યા છે. વાળ પર કલર, ડાઈ, કર્લ વગેરે પ્રક્રિયાઓ જટલી વધારે થઈ હોય એટલી વાળની વર્જિનિટી ઓછી ગણાય. આમાંનું કશું જ કદી ન કરાવ્યું હોય તો વાળતદ્દન વર્જિન કહેવાય અને તેની કિંમત સૌથી વધારે ગણાય. વાળ આપણને કુદરતી રીત જન્મ સાથે મળી જાય છે. એટલે આપણને અની કિંમત નથી. ઘણાને તો કંટાળો આવતો હોય છે કે વાળ સતત વધ્યા જ કરે છે. દર વીસ દિવસે વાળ કપાવવા જવું પડે છે! હવે લોકોના વાળ સતત ઓછા થવા લાગ્યા છે અને ટાલ પડવા લાગી છે ત્યારે બધાને વાળની કિંમત સમજાવા લાગી છે, પરંતુ હવે પેલી કહેવત જેવું છેઃ અબ પછતાયે હોત ક્યા, જબ ચિડિયન ચુગ ગઈ ખેત!
શોખ અને ફેશનના માર્યા જાતજાતના કલર અને જાતજાતની ટ્રીટમેન્ટ કરાવતા રહ્યા, ખાવા-પીવામાં આડેધડ અખતરા અને શોખ કરતા રહ્યા, પ્રદૂષણની પરવા કરી નહીં! હવે વાળ વિદાય લઈ રહ્યા છે. એમાં વાળની વિગ બનાવનારથી માંડીને માથામાં વાળ રોપી આપનાર હેર વીવરોનો કારોબાર જામી પડયો છે. એના કારણે જ ઈન્ટરનેટ પર વાળ હરાજીથી વેચાઈ રહ્યા છે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post તમને તમારા વાળની કિંમત ખબર છે ખરી? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/you-your-hair-price-quote/
via Best Gujarati News
0 Comments