સ્પોર્ટ્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થઈ ગયો છે. આઇપીએલ એક એવી ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેની ઉપર સમગ્ર વિશ્વની નજર હોય છે. કોઈ દેશના ક્રિકેટ બોર્ડ કે તેમના પસંદગીકારો કોઈ પ્રાફેશનલ લીગની ચર્ચા કરતા નહીં હોય પરંતુ આઇપીએલ પર તેઓ પણ નજર દોડાવતા હોય છે. આઇપીએલનું પ્રદર્શન વર્લ્ડ કપ માટે ધ્યાનમાં નહીં લેવાય તેવું વિધાન વિરાટ કોહલીએ કર્યું છે તે કદાચ ભારતની કમનસીબી હોઈ શકે પરંતુ અન્ય દેશ તો આ લીગના પ્રદર્શનને આધારે જ તેમના કેટલાક ખેલાડીનું ફોર્મ ચકાસી લેવાના છે.

ભારતમાં એક તરફ ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ ટી૨૦ ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે. આ લીગમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓ તેને આગામી વર્લ્ડ કપની તૈયારી ગણાવી રહ્યા છે. ૩૦મી મેથી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને આઇપીએલ દરમિયાન જ તમામ દેશ પોતાની ટીમની જાહેરાત કરવાના છે. વર્લ્ડ કપની ટીમ અંગે ભારત લગભગ ચોક્કસ છે કેમ કે તેની ટીમ નક્કી થઈ ગઈ છે. એકાદ બે પરિવર્તનને બાદ કરતાં ભારતની ટીમમાં લગભગ એ જ ખેલાડી રમશે જે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. એકાદ બે પરિવર્તન એ સિરીઝમાં ફોર્મ નહીં દાખવી શકેલા ખેલાડીઓને બદલે અન્યના સમાવેશથી થશે પરંતુ તેમાં આઇપીએલનું પરફેર્મન્સ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

હવે અન્ય ટીમની વાત કરીએ તો ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ આઇપીએલમાં રમનારા છે. શ્રીલંકા કે અફઘાનિસ્તાનના ખેલાડીની ચર્ચા એટલા માટે નથી કરવી કેમ કે ત્યાંના જે ખેલાડી ભારતમાં ટી૨૦ રમવા આવ્યા છે તે તો તેમના દેશની ટીમમાં આપોઆપ પસંદગી પામેલા જ છે. હવે ભારતમાં જે ખેલાડી રમનારા છે તેમાંથી વિદેશી ટીમમાં સામેલ થઈને એ જ ખેલાડી વર્લ્ડ કપમાં ભારતની નેશનલ ટીમ વિરુદ્ધ પ્રદર્શન કરશે.

અહીં ભારતીય ખેલાડીઓનો સીધો કે આડકતરો ફાળો રહેશે. આ એ ખેલાડી હશે જે આઇપીએલમાં કાં તો ધોની કે કોહલી કે રોહિત શર્માની આગેવાનીમાં રમશે અને ત્યાર બાદ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન ભારત સામે રમશે. કદાચ ધોની અને કોહલી આઇપીએલમાં એટલા માટે જ અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાના છે. હકીકતમાં આઇપીએલના પ્રારંભ બાદ (૨૦૦૮થી) અત્યાર સુધીમાં એવું પહેલી વાર બન્યું છે કે આ ટુર્નામેન્ટ બાદ તરત જ વર્લ્ડ કપ રમાનારો હોય એટલે આ પાસામાં પર ખાસ કોઈએ ધ્યાન આપ્યું નહીં હોય અથવા તો તેની નોબત નહીં આવી હોય. કોહલી અને ધોનીની વર્લ્ડ કપ માટેની રણનીતિ તો આઇપીએલથી જ શરૂ થઈ જશે. આઇપીએલમાં આ બંને સુકાનીઓ કેટલાક વિદેશી ખેલાડીઓને પોતાની ફ્રેન્ચાઇઝી માટે રમાડીને ચકાસી લેશે. આ તેમના માટે ‘ભાવિ હરીફ’ છે.

કોહલીની ટીમમાંથી ટિમ સાઉથી, કોલ્ટર-નાઇલ, હેનરિક ક્લાસેન, ગ્રેન્ડહોમ, હેતમેયર અને મોઇન અલી રમવાના છે તો ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી સેમ બિલિંગ્સ, ડેવિડ વિલી, ફાફ ડુ પ્લેસિસ, મિચેલ સેન્ટરન, ડ્વેઇન બ્રાવો. લુંગી એન્ગિડી રમશે. રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સમાંથી બેન કટિંગ્સ, બેર્હેનડ્રોફ, ક્વિન્ટન ડી કોક અને એવિન લેવિસ જેવા સ્ટાર ખેલાડી રમવાના છે.

વિચાર કરો, ભારતના આ ત્રણ ધુરંધર ખેલાડીઓ પાસે આડકતરી રીતે વર્લ્ડ કપની રણનીતી ઘડવાની કેટલી મોટી તક છે. જે ખેલાડીઓનો એક મહિના બાદ સામનો કરવાનો છે તે જ ખેલાડી હાલમાં તેમની સાથે અથવા તો તેમના માર્ગદર્શન હેઠળ ઘરઆંગણે રમી રહ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનો રશીદ ખાન પણ આઇપીએલનો મહત્વનો ખેલાડી છે અને અત્યારે કોઈ પણ કક્ષાના ક્રિકેટમાં રશીદ ખાન જેવો ખતરનાક સ્પિનર અન્ય કોઈ પાસે નથી જેને વર્લ્ડ કપમાં રમનારા ભારતના તમામ બેટ્સમેન નજીકથી નિહાળવાના છે.

વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી આ તમામ બાબતોને નજરઅંદાજ નહીં જ કરે અને તેને ધ્યાનમાં રાખીને નીતિ ઘડશે તો તેમને લાભ જ થશે. આ તબક્કે મહેન્દ્રસિંહ ધોની મહત્વનો બની રહેશે. ધોનીની હાજરી માત્ર વિરાટ કોહલીને કેટલી મદદ કરી શકે છે તે તો ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પુરવાર થઈ ગયું હતું. ભારત પરાજયને આરે હોય ત્યારે વિકેટ પાછળથી ધોનીના સલાહ-સૂચનો ટીમને કામ લાગી શકે છે તે તો કરોડો રમતપ્રેમીને પણ સમજાઈ ગયું છે તો કોહલી વધુ ચાલાક સુકાની છે. ધોની જે મેચમાં રમ્યો ન હતો તેમાં ભારતની જે હાલત થઈ હતી તે જોતાં પણ ખ્યાલ આવી જાય કે સાચો અને શ્રેષ્ઠ રણનીતિકાર તો ધોની જ છે.

આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યંત મજબૂત ટીમ છે અને તમામ હરીફ તેમને હરાવવા માટે આકરી મહેનત કરી રહ્યા છે ત્યારે ધોનીની ટીમમાં રમી રહેલા અને ચેન્નાઈની વિરુદ્ધ રમી રહેલા તમામ વિદેશી ખેલાડીએ પણ આકરી મહેનત કરવી પડશે. તેમણે પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. આ સંજોગોમાં તેમની કાબેલિયત ભારતના ચપળ સુકાની કોહલી અને ચાણક્ય જેવી અક્કલ ધરાવનારા ધોનીની નજરમાં જ રહેશે અને તે બાબત ઈંગ્લેન્ડમાં જઈને એ જ ખેલાડીની વિરુદ્ધમાં અજમાવી શકાશે.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વર્લ્ડ કપ અગાઉ આઇપીએલ પણ ભારત માટે રણનીતિનો ભાગ બની રહેશે appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/world-cup-before-the-ipl-b/
via Best Gujarati News

0 Comments