ઝીરો લાઈન : ગીતા માણેક

દરરોજ સવારે આપણને ૮૬,૪૦૦ કડકડતી નોટ જેવી નગદ ક્ષણો મળે છે અને એની સાથે એ ખર્ચવા માટેની ઊર્જા પણ. ગુજરાતી પ્રજા તરીકે આપણે ફયનાન્શિયલ પ્લાનિંગમાં નિષ્ણાત છીએ પણ સાવ ફ્રીમાં મળતા સમય અને ઊર્જાનું આપણે કોઈ પ્લાનિંગ કરીએ છીએ ખરાં? માની લો કે કોઈને ઘર ખરીદવું હોય તો એ પોતાની કમાણીના અમુક હિસ્સાનું એ રીતે મૂડીરોકાણ કરશે કે સારું વળતર મળે જેથી તે મરજી મુજબનું ઘર ખરીદી શકે.

આપણે કઈ કાર, કેવું ઘર, સંતાનો માટે કેવું શિક્ષણ અને પાછલી જિંદગી માટેની બચતની રકમ માટે જેટલા સ્પષ્ટ હોઈએ છીએ, એટલા સમય અને ઊર્જાના મૂડીરોકાણ માટે નથી હોતા. કાં તો આપણે માનીએ છીએ કે આપણી પાસે એ અનંત માત્રામાં છે અથવા આપણી પાસે એવા કોઈ લક્ષ્ય નથી કે જેની પૂર્તિ માટે આ મર્યાદિત સ્ત્રોતનું પ્લાનિંગ કરીએ.

એક સમજદાર વિદ્યાર્થી નક્કી કરે છે કે તેને ડોક્ટર કે એન્જિન્યર બનવું છે ત્યારે તે તેના ભણવાના કલાકો, આરામનો અને કેટલા સમય માટે બ્રેક લેવો એનું પણ પ્લાનિંગ કરી લે છે. જો એમાં તે શિસ્ત જાળવે તો મોટાભાગે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. મોટાભાગના લોકોનું સમય અને ઊર્જાનું પ્લાનિંગ નથી હોતું કારણ કે જીવનમાં શાની પ્રાપ્તિ કરવી છે એ વિશે સ્પષ્ટતા નથી હોતી. એ જ કારણ છે કે લક્ષ્ય વિનાનો વિદ્યાર્થી પબજી જેવી ગેમ પર કલાકો વ્યર્થ કરે છે અને આપણે સોશ્યલ મિડિયા પર પંચાત કરવામાં. સમયની માફ્ક ઊર્જાનો પણ આપણે વેડફટ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર તાકતા હોઈએ છીએ કે કશુંક સાંભળતા હોઈએ છીએ ત્યારે પણ આપણી ઊર્જાનો વપરાશ થતો જ હોય છે. એ જુદી વાત છે કે આપણે એ અંગે સભાન નથી હોતા. આ ઊર્જાને સાચવવા માટે જ યોગી આંખ બંધ કરીને શાંત સ્થળે બેસી જાય છે.

જે રીતે કેટલાક લોકો આપણી પાસેથી કોઈકને કોઈક રીતે પૈસા પડાવી જતા હોય છે એમ કેટલાંક સંબંધો પણ આપણી ઊર્જાને ખૂંચવી લેતા હોય છે. ઘણી વાર અમુક સંબંધી કે મિત્રને મળવાનું આપણે અજાણપણે ટાળતા હોઈએ છીએ, કારણ કે એ લોકો સતત બીજાઓની ઊર્જા જાણે ચૂસી લેતા હોય છે. દાખલા તરીકે, કોઈ ડિપ્રેશ્ડ વ્યક્તિના સંપર્કમાં આવવાનું બન્યું હોય તો અનુભવ્યું હશે કે એ વ્યક્તિને મળીને થાકનો અનુભવ થાય. જ્યારે કેટલીક વ્યક્તિઓ જીવનથી એટલી બધી ભરપૂર હોય કે તેમની સાથે વાત કરીને આપણે તાજગીનો અનુભવ કરવા માંડીએ. કેટલાક લોકો નિયમિત સંત દર્શન કરવા જતા હોય છે એની પાછળનું કારણ આ જ હોય છે. સાચા સંતની સાદી સીધી ઓળખ જ એ છે કે તેમના સાંનિધ્યમાં તો જીવન-ઊર્જાનો અનુભવ થાય જ, પણ ત્યાંથી તમે પોતાની સાથે એનું ભાથું પણ લઈ જઈ શકો!

જો કે મિલિયન ડોલર ક્વેશ્ચન એ છે કે આપણી ઊર્જાને ખૂંચવી લેવી વ્યક્તિઓથી કઈ રીતે બચવું? પહેલી વાત, જો આપણી પોતાની પાસે પૂરતી સંપત્તિ ન હોય તો આપણે કોઈની આર્થિક મદદ કરી શકતા નથી. ગજા બહારનું દાન કરતા નથી. જો આવી વ્યક્તિઓ નજીકની ન હોય તો તેમને ટાળી શકાય. એનો મતલબ એ પણ નથી કે આપણા મિત્રો, સ્વજનો કે સંબંધીઓને આપણી લાગણી કે કાળજીની જરૂર હોય ત્યારે તેમનાથી દૂર થઈ જવું. દંડપાણી નામના એક વિદ્વાન આના માટે સરસ ઉપાય સૂચવે છે. આમ તો આ ઉપાય શ્રીકૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં દરેક પરિસ્થિતિ માટે કહી ગયા છે પણ અત્યારે આપણે જે વિષય પર વાત કરી રહ્યા છીએ એના પૂરતો જ આનો ઉપયોગ કરીએ.

આ ઉપાય છે- અનાસક્તિ. ધારો કે તમારો કોઈ મિત્ર છૂટાછેડાની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. શક્ય છે કે તમે જ્યારે-જ્યારે તેને મળો કે ફેન પર વાતચીત કરો તો તે આ જ વિષય પર હતાશાજનક કે ક્રોધથી વાત કરશે. એટલા માટે કંઈ ફેન કાપી નાખવાની કે તેને મળવાનું સદંતર બંધ કરવાની આવશ્યકતા નથી. આવા વખતે એમાં પોતાની જાતને પૂરેપૂરી સંડોવી દેવાને બદલે, તેની લાગણીઓનો ભાર પૂરેપૂરો પોતાના ખભે ઉપાડવાની કોશિશ કરવાને બદલે એક કરુણાશીલ શ્રોતા બની શકાય. તેને જરૂરી એવું માર્ગદર્શન પણ આપી શકાય. જરૂર પડયે પોઝિટીવ ઊર્જાનો ટુકડો વહેંચી શકાય પણ તેની મુશ્કેલીઓ કે હતાશાને પોતાની બનાવી ઊર્જા રેડવામાંથી બચી શકાય.

આપણા જાણીતા કવિ સ્વ. પ્રિયકાંત મણિયારની કાવ્યપંક્તિ છે- “મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફવે તેમ” આપણા સમયને કેટલી બેદરકારીથી વેડફી નાખતા હોઈએ છીએ એની બહુ જ સરસ રજૂઆત આ કવિતામાં થઈ છે. એની છેલ્લી પંક્તિ પણ એટલી જ સચોટ છે- “રતી સરખું અવ રહ્યું હવે એનો ઘાટ ઘડાશે કેમ?” સમયનું બધું જ સોનું બેફમપણે વાપર્યા પછી ઘણી વાર આપણને અહેસાસ થાય છે ત્યારે એ રતીભર જ બાકી રહી ગયું હોય છે. એટલાકમાંથી પછી કોઈ દાગીનો ઘડી શકાતો નથી. ઊર્જાનું પણ એવું જ છે. આર્થિક મૂડીરોકાણ કરતાં અનેકગણું જરૂરી છે કે આપણે સમય અને ઊર્જાનું રોકાણ સમજદારી અને વિવેકપૂર્વક કરીએ.

gitamanek@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post તમે મૂડીરોકાણ કયાં કરો છો? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/you-invest-what-to-be/
via Best Gujarati News

0 Comments