નવાજૂની : ઉર્વીશ કોઠારી

ઇન્ટરનેટનો ફેલાવો વધ્યો તે પહેલાં લોકોને બે રીતે સમાચાર મળતા હતા : અખબારો દ્વારા અને ન્યૂઝ ચેનલો થકી. ત્યારે ઘણી વાર એવું જોવા મળતું કે જે સમાચાર ન્યૂઝ ચેનલ પર આખો દિવસ ધડબડાટી સાથે ચાલ્યા હોય અને જોનારને એવું જ લાગે કે ‘આજના દિવસના સૌથી મહત્ત્વના સમાચાર તો આ જ છે’ એ બીજા દિવસના અખબારમાં પહેલા પાને નહીં, પણ અંદર ક્યાંક સુવડાવી દેવાયેલા જોવા મળે.

કારણ કે,  ન્યૂઝ ચેનલો પાસે અખૂટ સમય હતો. રોજેરોજ એટલું બધું મહત્ત્વનું અને સનસનીખેજ તો શું બનતું હોય કે બધો સમય સારી રીતે ભરી શકાય? એટલે સબળું ન મળે તો નબળાથી, ઠોસ ન મળે તો પરચૂરણથી સમયના ટુકડા ભર્યે રાખવા પડે. તેમની સરખામણીમાં અખબારો પાસે ઠહરાવ હતો. ચોવીસ કલાક હતા. તેમાં કયા સમાચાર મહત્ત્વના ને કયા મામુલી, કયા પહેલા પાને મૂકવા લાયક ને કયા અંદર નાખવા લાયક, એ નક્કી કરવાનાં સમય, શક્તિ, વૃત્તિ અને પરંપરા હતાં. અખબારોને ચેનલોની પાછળ દોરાવું પડે, એવું ભાગ્યે જ બનતું.

આટલી લાંબી પ્રસ્તાવના કરવાનું કારણ એ જ કે ટ્વિટરના જમાનામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને વધુ ખરાબ થઈ છે. ટ્વિટર પર ચર્ચાતા મુદ્દા બાકી બધાં પ્રસાર માધ્યમો પર અસર પાડે છે, તેમને પોતાની દોરે છે અથવા ઢસડે છે. ટ્વિટર પર ચાલતા ટ્રેન્ડને (ચેનલોના સમાચારવરસાદ જેટલી સહેલાઈથી) અવગણાતા નથી. કારણ કે તે સર્વવ્યાપી સોશ્યલ મિડીયા પર એક યા બીજા સ્વરૂપે દેકારો મચાવી ચૂક્યા હોય છે. ટ્વિટર પર ટિપ્પણી લખાયા પછી ઘણી વાર તેનો વિષય સુચવવા કે ચર્ચામાં નવો વિષય ઊભો કરવા માટે હેશટેગની નિશાની ઈં સાથે એ વિષય લખવામાં આવે છે. જેમ કે, #પુલવામાહુમલો, #જયજવાન, #ચોકીદાર_કે_ચોર? (હેશટેગ પછી શબ્દો વચ્ચે જગ્યા છોડયા વિના કે જુદા જુદા શબ્દોને અન્ડરસ્કોરના ચિહન (o) વડે જોડીને મન પડે તેટલો લાંબો વિષય બનાવી શકાય)  એક હેશટેગ એકથી વધુ, અસંખ્ય લોકો પણ વાપરી શકે. હેશટેગ પર ક્લિક કરતાં એ હેશટેગ ધરાવતાં, જુદાં જુદાં લોકોનાં લખાણ એક સાથે વાંચવા મળે છે.

એક જ હેશટેગનો ઉપયોગ મોટા પાયે થવા લાગે અને એક દિવસમાં વપરાયેલા બધા હેશટેગના મુકાબલે તેની સંખ્યા વધી જાય, તો એ હેશટેગ એ દિવસ પૂરતો ‘ટ્રેન્ડિંગ’ (એટલે કે ચાલી નીકળેલો) ગણાય છે. પ્રસાર માધ્યમો એવા વિષયોની ખાસ નોંધ લે છે અને તેમના વિશે ચર્ચાઓ પણ કરે છે. ટ્વિટર ઉપરાંત ફેસબુક ઉપર પણ ઘણા સમયથી હેશટેગની સુવિધા ઉપલબ્ધ છે, પણ ટ્વિટરના હેશટેગનો પ્રભાવ વધારે પડે છે.

ટ્વિટર-ફેસબુક જેવી સોશ્યલ મિડીયા કંપનીઓ અને તેની હેશટેગ જેવી સુવિધાઓ કંપનીઓ માટે તગડો ધંધો પૂરો પાડવાની સાથોસાથ લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે, એવી અપેક્ષા શરૂઆતમાં હતી. પણ ઘણા સમયથી તેનાં માઠાં પરિણામનો પરચો મળતો રહ્યો છે. લોકશાહી માટે અત્યંત જરૂરી એવી મુક્ત ચર્ચા અને સવાલો પૂછવાની મોકળાશને રૃંધવા માટે હેશટેગનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. સોશ્યલ મિડીયા પર નાગરિકનિસબતને બદલે સ્થાપિત હિતો દ્વારા પ્રેરિત હેશટેગનો મારો વધારે જોવા મળે છે, જે ઘેટાશાહીને પ્રોત્સાહન આપે છે. સોશ્યલ મિડીયા પર રાચતા કે તેનાથી સહેલાઈથી દોરવાતા લોકોને હેશટેગ સંસ્કૃતિથી નાગરિકતાનો નવો અને નકલી સંતોષ મળી રહ્યો છે. કંઈ પણ થાય, એટલે હેશટેગ બનાવીને, તેનો ધમધમાવીને પ્રચાર કરીને, તેને ‘ટ્રેન્ડિંગ’ બનાવી દીધો, એટલે જાણે ગંગા નાહ્યા. સરહદ પર છો ને સૈનિકો લડતા ને શહીદ થતા હોય, ટ્વિટર પર યુદ્ધના ને જવાનોનો જયજયકાર કરવાના હેશટેગ લગાડી દીધા, એટલે આપણું કામ પૂરું. હેશટેગ આપવામાં જાતને ક્યાં જોર પડે છે?

ઘણી વાર હેશટેગના ટ્રેન્ડની એવી ગંભીરતાથી લેવામાં આવે છે, જાણે તે ગુણવત્તાસૂચક પ્રમાણપત્ર કે નાગરિકચેતનાનું બેરોમીટર હોય. વાસ્તવમાં ઘણુંખરું તે એકાદ દિવસ કે થોડા કલાક માટે ચડેલા ઊભરાનું જ માપ હોય છે. વખતોવખત નિર્દોષ અને રમુજી હેશટેગ પણ ચાલી નીકળે છે.પરંતુ રાજકીય ખેલાડીઓને ઓછી મહેનતે જાહેર ચર્ચાનો એક હિસ્સો કબજે કરી લેવામાં તે ઘણા ઉપયોગી બની રહ્યા છે.

એટલે જ, ચૂંટણીટાણે ચાલતી અવનવી પ્રચારબાજીમાં રાક્ષસી કદ ધરાવતા આઇટી સેલની ભૂમિકા ઘણી મહત્ત્વની બની રહી છે. રાજકીય પક્ષોના આઇટી સેલ તરફ્થી અવનવા હેશટેગ સર્જીને નાગરિકહિતના પાયાના અને મહત્ત્વના મુદ્દા ચર્ચામાં ન આવે, તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે બેફમ ટીકાટીપ્પણીઓ, વ્યક્તિગત આક્ષેપબાજી, જૂઠાણાં, અર્ધસત્યો, વિવાદાસ્પદ વિધાનો–આ બધી સામગ્રીનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. એવું એકાદ ઝેરીલું રમકડું ચાલી ગયું, એટલે થયું. પછી ધોરણસરની ચર્ચા કે નાગરિકસંવાદ કે મતભેદોના સ્વસ્થ આદાનપ્રદાનની જગ્યા રહેતી નથી.

રાજનેતાઓને આ પરિસ્થિતિ બહુ અનુકૂળ આવે છે. કારણ કે, તેમાં લોકોમાં રહેલી હીન વૃત્તિઓ, અસલામતી, કોમવાદ, જાતિવાદ જેવી લાગણીઓને સલુકાઈથી અને દૂર રહીને ઉશ્કેરવાથી મોટે ભાગે કામ થઈ જાય છે. અવનવા હેશટેગ ધરાવતા વિવાદોમાં છીછરાપણાની અને નીચે ઉતરવાની હરીફઈ જામે છે. ચર્ચાને બદલે કોઠી ધોઈને કાદવ કાઢવા જેવી સ્થિતિ વધારે જોવા મળે છે. સૈદ્ધાંતિક રીતે, જેમ ખરાબ તેમ સારા કામ માટે પણ હેશટેગનો અને એકંદરે સોશ્યલ મિડીયાનો ઉપયોગ થઈ જ શકે. અમુક કિસ્સામાં થાય છે પણ ખરો. છતાં, સોશ્યલ મિડીયા પર વ્યક્તિગત સારપના ટાપુઓનો આઇટી સેલની આસુરી, સંસ્થાગત, જૂઠાણાંકેન્દ્રી અને પ્રચંડ સંખ્યાબળ ધરાવતી સામગ્રી સામે ગજ વાગતો નથી. ‘સત્ય મોજાં પહેરવા રહે, ત્યાં સુધી જૂઠાણું પૃથ્વીને ફ્રતાં એક હજાર ચક્કર મારી ચૂક્યું હોય છે’ એવું વિધાન સોશ્યલ મિડીયા પર ઠલવાતી સામગ્રીને આબાદ લાગુ પડે છે.

તો કરવું શું? જવાબ સાદો છેઃ હેશટેગની લોકપ્રિયતા કે ટ્રેન્ડિંગ પરથી મુદ્દાનું મહત્ત્વ નક્કી કરવાને બદલે, આસપાસના જીવન અને સમસ્યાઓને નજર સમક્ષ રાખવાં, પ્રચંડ બહુમતી દ્વારા જૂઠાણાંનો કે ઝેરનો ફેલાવો થતો હોય અને તેનો પ્રતિકાર કરવાની વૃત્તિ ન હોય તો વાંધો નહીં. કમ સે કમ, તેનો સ્વીકાર ન કરવો,  તેના ફેલાવામાં મદદરૂપ થઈને આસુરી તંત્રનો પૂરજો તો ન બનવું. હેશટેગના ટુકડામાં વેરવિખેર કરી દેવાયેલી વાસ્તવિકતાનું આખું ચિત્ર જોવાનો અને શક્ય હોય તો બતાવવાનો પ્રયાસ કરવો… તેને સોશ્યલ મિડીયા પરનો નાગરિકધર્મ ગણી શકાય.

uakothari@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વાસ્તવિકતા ભૂલાવતા ‘હેશટેગ’નું હઇસો હઇસો appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/reality-forgery-hasht/
via Best Gujarati News

0 Comments