તડકભડક : સૌરભ શાહ

ભગવાને આપણને પાંચ ઈન્દ્રિયો આપી અને ઉપદેશકોએ આપણને પંચેન્દ્રિયને કાબૂમાં રાખવાની સલાહ આપી. આ પાંચેય ઈન્દ્રિયો પર જે નિયંત્રણ રાખી શકે તેને આપણે જિતેન્દ્ર કહીએ છીએ. અહીં સુધી બધું સારું છે. પણ આ પાંચેપાંચ ઈન્દ્રિયો પર કાબૂ રાખવાની સાથે એનો મેક્સિમમ ઉપયોગ કેવી રીતે કરવો અને એ વપરાશ દ્વારા જિંદગીને માણવાની તીવ્રતામાં ઉમેરો કેવી રીતે કરવો એ વિશે કોઈએ કશું કહ્યું નથી.

આંખ, જીભ, કાન, નાક અને સ્પર્શ. પાંચેય ઈન્દ્રિયોની મહત્તા મુજબનો ક્રમ ગોઠવવો હોય તો મારે હિસાબે આંખનો ક્રમ સૌથી ઉપર આવે, સ્પર્શનો સૌથી છેલ્લે આવે.

આંખ. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. આ વાત બેઉ રીતે સાચી છે. કમળાવાળી આંખે બધું પીળું દેખાય અને મોતિયાવાળી આંખે બધું ઝાંખું અને ધૂંધળું દેખાય. આ તો શારીરિક વાત થઈ. બીજી રીતે પણ આ વાત સાચી. મનમાં શક ભર્યો હશે તો બધાને તમે શંકાની નજરે જોશો. મનમાં દ્વેષ ભર્યો હશે તો ઈર્ષ્યાની અને મનમાં કરુણાભાવ હશે તો સૌને દયાની દૃષ્ટિએ તમે જોશો.

પાંચમાંથી આંખ સૌથી અગત્યની ઈન્દ્રિય છે. જેની પાસે જન્મથી જોવા માટે તંદુરસ્ત આંખો હોય એણે પોતાની બેકાળજીને લીધે કે વંશપરંપરાગત ખામીને કારણે ઉંમર વધતાં મોટા નંબરનાં ચશ્માં પહેરવા પડે ત્યારે ખ્યાલ આવે કે પંગુતા કોને કહેવાય. વધુ ઉંમરે એ આંખે મોતિયો આવે અને દૃષ્ટિ સાવ ઝાંખી થઈ જાય ત્યારે ખબર પડે કે અંધાપો કોને કહેવાય. દૃષ્ટિવિહીન થઈ જવું એટલે શું. જન્મથી જ જેઓ સંપૂર્ણપણે અંધ છે એમના કરતાં પણ વધારે કપરી જિંદગી જેમણે ક્રમશઃ પોતાની દૃષ્ટિ ગુમાવી છે એમની હોય છે. એમને ખબર છે કે પોતે હવે જેને નથી જોઈ શક્તા એ દુનિયા કેટલી ખૂબસુરત છે. આ અભાવ એમને પીડા આપે છે. જેઓ જન્મજાત દૃષ્ટિવિહીન છે એમના માટે તો દુનિયા માત્ર કલ્પનાનો વિષય છે. દૂધનો રંગ, આકાશનો રંગ કે ગુલાબનો રંગ જેમણે જન્મથી જ જોયો નથી તેમના માટે મેઘધનુષની કલ્પના કરવી પણ અશક્ય છે. પણ જેઓ રંગ, આકાર, દ્રશ્યો અને પવનથી હાલતાં વૃક્ષનાં પાંદડાં-ડાળીઓ-ફૂલ જોઈ ચૂક્યાં છે એમની દૃષ્ટિ જતી રહે ત્યારે જે વેદના થાય એનો વલોપાત અસહ્ય હોય. આવું જ દરેક ઈન્દ્રિયોની બાબતમાં છે, જેની વાત આપણે આગળ વધતાં કરીશું. જેની પાસે આંખો છે અને કોઈક કારણસર એને પાર્શ્યલ કે પૂરેપૂરો અંધાપો સહન કરવો પડે છે તેને આંખનું મૂલ્ય બરાબર સમજાય છે. જે ક્યારેય મળ્યું જ નથી તેનું મૂલ્ય સમજતાં માણસને વાર લાગે. પણ જે મળી ચૂક્યું હોય અને છીનવાઈ જાય એનું મૂલ્ય બહુ જલદી સમજાઈ જતું હોય છે. મોતિયાનું ઓપરેશન થયા પછી ધૂંધળી દૃષ્ટિ ચોખ્ખી ચણાક થઈ જાય ત્યારે કે પછી અન્ય કોઈ નેત્રરોગને કારણે અલમોસ્ટ દૃષ્ટિવિહીન થઈ ગયેલી આંખોને નેત્ર-ચિકિત્સક સાજી કરીને પુનઃ હતી તેવી ને તેવી ધારદાર, પાણીદાર બનાવી દે ત્યારે જિંદગીમાં એક નાનકડો ચમત્કાર થઈ ગયો હોય એવું લાગે. મિરેક્લ્સમાં તમે માનો કે ન માનો. પણ ચોખ્ખી દૃષ્ટિ પાછી આવવી, આંખ પુનઃ નિરોગી થઈ જવી એ ઘટના એક ચમત્કારથી કંઈ કમ નથી.

આવું થાય ત્યારે તમને ભગવાન તરફથી ભેટમાં મળેલી પાંચેય ઈન્દ્રિયોનું મૂલ્ય સમજાય. એની સારસંભાળ લેવાની મહત્તા સમજાય. જેને મેળવવા માટે તમારે એક કોડીનોય ખર્ચ નથી કરવો પડયો તેને સાચવવા માટે તમે તમારાં નાણાં, શક્તિ, સમયનો જેટલો ખર્ચ કરો એટલો ઓછો છે એ વાતની તમને પ્રતીતિ થઈ જાય.

જે જન્મજાત નેત્રવિહીન છે એની સમસ્યા જુદી છે પણ વિકરાળ છે. એક અંગ્રેજી ફિલ્મ એ વિષય પર આવી હતી. એવો માણસ જ્યારે જોતો થઈ જાય છે ત્યારે એની દુનિયા ખૂબસૂરત બનવાને બદલે એના જીવનમાં આંધાધૂંધી ફેલાઈ જાય છે. ભૂખ લાગે ત્યારે સફરજનનું ચિત્ર જોઈને એ એને પકડીને ખાવા જાય છે. રિયલ સફરજન અને ચિત્રમાંના સફરજન વચ્ચેનો ભેદ એ કરી શકતો નથી. એની સામે એ જ્યારે આંખ બંધ કરીને પોતાનાં રોજિંદા કાર્યો કરે છે ત્યારે એને કોઈ અગવડ નથી પડતી!

પંચેન્દ્રિયોમાં આંખ સૌથી અગત્યની છે એનો અર્થ એ નથી થતો કે બાકીની ચાર ઈન્દ્રિયોનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. પણ પ્રાયોરિટી નક્કી કરવી હોય તો આંખનો ક્રમ સૌથી ઉપર આવે એવું મારું માનવુ છે. દરેકના માટે આ પ્રાથમિક્તા જુદી જુદી હોઈ શકે છે. સંગીતકારને કાન કે શ્રવણેન્દ્રિય સૌથી અગત્યની લાગે. જો કે, બીથોવન નામના જગવિખ્યાત સંગીતકારે ભરયુવાનીમાં જ પોતાની શ્રવણેન્દ્રિય ગુમાવી દીધી હતી અને જિંદગીના છેલ્લા દસકામાં એ સંપૂર્ણપણે બધિર હતો છતાં સંગીતરચના કરતો. એની શ્રેષ્ઠ સિમ્ફનીઓ આયુષ્યના છેલ્લા દોઢ દાયકા દરમિયાન એણે સર્જી હતી.

આંખ પછી પ્રાથમિક્તા આવે છે કાનની. મનોજકુમારની એક લેન્ડમાર્ક ફિલ્મ ‘શોર’ યાદ આવી જાય. કાનની તકલીફ કદાચ આંખ જેટલી કોમન નથી હોતી અથવા તો એમ કહીએ કે આંખની શક્તિમાં જરા સરખો ઘટાડો થાય કે તરત જ આપણને એની જાણ થઈ જાય છેઃ આજકાલ મને વાંચતી વખતે સ્પષ્ટ નથી દેખાતું,

અથવા તો, હવે દૂરનું જોવામાં જરા તકલીફ પડે છે. આવું થાય કે તરત આપણે આંખનાં ડોક્ટર પાસે દોડી જઈએ છીએ અને પા-અડધો-પોણો નંબર આવ્યો હોય તો પણ ચશ્માં કરાવીને દૃષ્ટિ રેક્ટિફાય કરી લઈએ છીએ.

શ્રવણશક્તિ પણ આ રીતે માપી શકાય એવાં આધુનિક યંત્રો છે જ. પણ આપણે પોતે જ સભાન નથી હોતા. આપણી શ્રવણ શક્તિ એક ટકો-બે ટકા-પાંચ ટકા જેટલી ઘટી ગઈ હોય તેની આપણને ખબર પણ નથી પડતી. ક્યારેક અમુક લો ફ્કિવન્સીએ બોલાતી વાત કે એવા શબ્દોના ઉચ્ચાર તમારા કાન સુધી નથી પહોંચતા પણ તમારા મનમાં એ વાત રજિસ્ટર નથી થતી. તમારા ઘરની મ્યુઝિક સિસ્ટમ પર તમે કશુંક સાંભળતા હો ત્યારે અમુક લાઉડ અવાજો તમે બરાબર સાંભળી લો છો પણ કેટલાક ઝીણા અવાજો (જેમ કે સંગીતમાં સાઈડ રિધમના અવાજ કે પછી પિક્ચરમાં ટેબલ ખસેડવાનો કે ફ્રિજ ખોલવાનો અવાજ) તમારા કાન સુધી પહોંચતા નથી એવું તમે નોટિસ પણ નથી કરતા. ક્યારેક રસ્તો ક્રોસ કરતાં દૂરથી વાગતો હોર્ન તમે ન સાંભળો અને વાહનચાલક તમારી છેક નજીક આવીને તમને અપશબ્દોથી ઠપકો આપી જાય ત્યારે તમને એમાં તમારા કાનનો નહીં પણ તમારા ધ્યાનનો વાંક લાગતો હોય છે. સોરી, મારું ધ્યાન નહોતું- તમે અનાયાસે કહી દો છો. શક્ય છે કે તમારે કર્ણચિકિત્સકની અપોઈન્ટમેન્ટ લેવાનો સમય થઈ ગયો હોય.

કાનની ક્ષમતા ઘટી જવાના પુરાવા મળી ગયા પછી પણ મોટાભાગની વ્યક્તિઓ એને કરેક્ટ કરવા માટે હિયરિંગ એઈડ વાપરવાની આળસ કરતી હોય છે. આંખની કમી સુધારવા માટે ચશ્માં પહેરવાની શરમ (હવે તો) કોઈને આવતી નથી. ઊલટાનું કેટલાક લોકો તો સ્ટાઈલ માટે, બુદ્ધિશાળી દેખાવા માટે, પ્રભાવ પાડવા માટે કે મેચ્યોર દેખાવા માટે નંબર વગરના સાદા કાચ ફ્રેમમાં લગાવીને પહેરતા હોય છે. પણ જરૂર હોવા છતાં હિયરિંગ એઈડનો ઉપયોગ કરવાની શરમ ૫૦-૬૦ તો શું ૭૦-૮૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓને પણ આવતી હોય છે. કેટલાક હિયરિંગ એઈડને લીધે કાનમાં ‘હવાના અવાજો’ આવતા હોય છે એવું પણ વડીલો પાસે સાંભળ્યું છે. કેટલીક વાર શરમને કારણે નહીં પણ શિયર ડિસ્કમફર્ટને લીધે લોકો ‘કાનનું મશીન’ વાપરતા નથી.

શ્રવણેન્દ્રિયની તીવ્રતા, એની ચોકસાઈ ઘટતી જાય ત્યારે ખ્યાલ આવે કે જીવનમાં કેટલા બધા સ્વર-અવાજ તમે માણ્યા છે. કુદરતે ઝરણાં, પંખીઓ, વાદળો, વરસાદ, સમુદ્ર, પવન વગેરે બધાને સ્વર આપ્યો છે. મનુષ્યે પોતે એમાં ઉમેરો કર્યો છે- સંગીત દ્વારા, બોલવાના આરોહઅવરોહ દ્વારા. પંડિત જસરાજને ગાતાં સાંભળો કે ઓશો રજનીશને બોલતાં સાંભળો. ઉસ્તાદ ઝાકિર હુસેનમાં તબલાં, પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરી, પંડિત શિવકુમાર શર્માનું સંતુરવાદન, લતા મંગેશકરની ગાયકી, આર. ડી. બર્મનનાં ગીતો, માએ પાડેલો સાદ, બાપાની સિંહ જેવી ત્રાડ, પ્રેમિકાનો ટહુકો-કેટલા બધા અવાજોથી જિંદગી સમૃદ્ધ હતી એનો ખ્યાલ તમને ત્યારે આવે જ્યારે તમારે બેટરી ઓપરેટેડ ‘બહેરિયું’ કાનની પાછળ ભરાવીને ફરવું પડે એવી અવસ્થા આવે. વધુ આવતા રવિવારે.

પાન બનાર્સવાલા  

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,

કામ લે હિંમતથી, તાળું તોડ ને.

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા,

હોય ખીલ્લા એટલા તું ખોડ ને.

–              હિમલ પંડયા ‘પાર્થ’

www.facebook.com/Saurabh.a.shah

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પાંચેય ઈન્દ્રિયમાં સૌથી અગત્યની કઈ? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/in-the-five-sense-most/
via Best Gujarati News

0 Comments