શસ્ત્રોની ખરીદી આ લાચારી સમજવા જેવી છે
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
એમ કહેવાય છે કે વિશ્વ વ્યાપારમાં એક એવો સમય આવ્યો હતો કે અમેરિકાની ગ્રુમાન ફેક્ટરી પાસેથી ઈરાને જો એફ-૧૪ વિમાનોની મોટી ખરીદી ન કરી હોત તો કંપનીને ફડચામાં જવું પડયું હોત. પણ શસ્ત્રોની કંપનીને ડૂબવા દેવામાં આવતી નથી. રાજકીય શક્તિથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી કંપનીને અઢળક કમાણી કરવા દેવામાં આવે છે અને એ અઢળક નફામાંથી આધુનિકીકરણ કરીને આવી કંપનીઓ પોતાના દેશ માટે અદ્યતન શસ્ત્રો બનાવે છે અને એ અદ્યતન શસ્ત્રોના જોરે આંતરરાષ્ટ્રીય બજારમાં એમનાં જૂનાં, નકામા થઈ ગયેલાં શસ્ત્રોનું વેચાણ થતું જ રહે છે. સમૃદ્ધ અને વિકસિત દેશો આ રીતે પોતાનાં ભંગાર શસ્ત્રો ગરીબ કે વિકાસશીલ દેશોને પધરાવીને એમાંથી આવક અને હૂંડિયામણ પણ કમાય છે. એ રીતે એમના માટે એક લાભદાયક ચક્ર શરૂ થઈ જાય છે. આવકને કારણે આધુનિકીકરણ-સંશોધનો, અદ્યતન શાસ્ત્રો અને એ કારણે આવક અને સત્તા.
શાહૂકાર દેખાતા દેશો ગરીબ અને વિકાસશીલ દેશોને લૂંટવા માટે તમામ કૂટનીતિ અપનાવે છે. શોષણને કાયદેસરનું રૂપ આપવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય સંગઠનોનો ભરપૂર ઉપયોગ કરે છે. આવાં સંગઠનોનો દેખાવ આદર્શવાદનો હોય છે પણ એમની કામગીરીમાં ક્યાંય આદર્શવાદ, તટસ્થતા કે ન્યાય જોવા મળતાં નથી. શક્તિશાળી દેશોના દબાણ અને પ્રભાવમાં જ બધી કામગીરી થતી જોવા મળે છે.
આવું એક આદર્શ સંગઠન એટલે યુ.એન.ઓ. (UNO) યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન. એની સ્થાપના ઈ.સ. ૧૯૪૫ થઈ છે. વિશ્વના ૧૯૧ દેશ એના સભ્યો છે અને એની જનરલ એસેમ્બલીએ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને માનવ-અધિકારનો ભંગ ન થાય એનો ખ્યાલ જવાબદારીપૂર્વક રાખવાનો છે.
પરંતુ યુનો આવી જવાબદારી શક્તિશાળી દેશો સામે ક્યારેય નિભાવી શક્યું નથી.
યુનોની સ્થાપના પછી અનેક યુદ્ધ થયાં છે અને કોઈ જ વાજબી કારણ વિના આવાં યુદ્ધમાં લાખો નિર્દોષ સ્ત્રી-બાળકોનાં મૃત્યુ થયાં છે. આજ સુધી યુનો નિર્દોષ પ્રજાના માણસોને ક્યારેય ઉપયોગી થઈ શક્યું નથી; કારણકે આવા સંગઠનો ઉપર શક્તિશાળી દેશોનો જ કબજો રહ્યો છે, પરોક્ષ રીતે એનો ઉપયોગ કરીને પોતાનું ધાર્યું પરિણામ મેળવવામાં તેઓ સફળ થાય છે.
આવું જ એકબીજું આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે વૈશ્વિક પ્રશ્નોને હાથ ઉપર લે છે. આ સંગઠનના સભ્યો કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, ઈંગ્લેન્ડ, અમેરિકા અને રશિયન ફેડરેશન છે. આ સમૃદ્ધ દેશોના લોકો જી-૮ નામના સંગઠનના નેજા નીચે મળે છે અને વિશ્વભરની ગરીબાઈ અને સલામતીની ચર્ચા કરે છે.
બીજું એક સંગઠન ડબલ્યુ.ટી.ઓ. આપણા માટે જાણીતું છે. આપણે અમેરિકા સાથે અણુ કરાર કરેલા ત્યારે આ સંગઠને આપણા ઉપર ઠીકઠીક દબાવ ઊભો કરેલો. આ સંગઠન- વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન આંતરરાષ્ટ્રીય વેપારના વિકાસમાં, કરારો કરવામાં મદદરૂપ થવાનો શુભ ઉદ્દેશ ધરાવે છે.
આવાં બીજા પણ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જેમાંના કેટલાંકનાં ટૂંકા નામ આ પ્રમાણે છેઃ આઈ.એમ.એફ; એ.આઈ; એ.ઈ.સી.ડી; વર્લ્ડ બેંક વગેરે, પરંતુ આ બધાં સંગઠનો સમૃદ્ધ અને શક્તિશાળી દેશોના કહ્યાગરા જ સાબિત થયાં છે. આવાં સંગઠનો ચહેરે-મહોરે રૂપાળાં લાગે છે પણ કર્મે ઘણાં કદરૂપાં હોય છે.
આપણે સામાન્ય માણસ આ બધી વાત સમજીએ છીએ તો સત્તાસ્થાને બેઠેલાંઓ તો વિશેષ રીતે એને સમજતાં જ હોય છે. પરંતુ પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે વિકાસશીલ દેશો માટે સમૃદ્ધ અને શક્તિશાળી દેશોને તાબે થયા વિના છૂટકો નથી હોતો. વિકસિત અને સબળ દેશો વિકાસશીલ દેશોમાં ઈચ્છે ત્યારે દખલ ઊભી કરી શકે છે. એ લોકો પાસે એમ કરવાના અનેક રસ્તાઓ હોય છે.
એ લોકો રાજકીય કારણો ઉપરાંત વેપારના નામે, વિકાસના નામે, સલામતી પૂરી પાડવાના નામે, ન્યાય આપવા માટે આસાનીથી દખલ કરી શકે છે.
એ લોકો સરકારો ઉથલાવી શકે છે અને ઈચ્છિત રાજકર્તાઓ લાવી શકે છે. વળી પાછા એમને ઉથલાવીને બીજાને ગાદી ઉપર બેસાડી શકે છે.
લોકશાહીનો ઠેકો લઈને બેઠેલા અમેરિકાને પોતાનું હિત જાળવવા માટે મિલિટરી શાસન કે રાજાશાહીનો પણ વાંધો આવતો નથી. અરાજકતા દૂર કરવા, કાયદાનું શાસન સ્થાપવા અનેક નિર્દોષ લોકોની જાનહાનિ થાય તો પણ એમને માનવ-અધિકારોનો ભંગ થતો દેખાતો નથી. માનવતા ચીંથરેહાલ થઈને ભટકતી હોય છે, ત્યારે એમના હૃદયમાં ક્યારેય અનુકંપા ઉદ્ભવતી નથી. માત્ર એમના હિત જળવાઈ રહેવાં જોઈએ એટલું જ એમના માટે પૂરતું હોય છે.
વિકાસને વેગ આપવા જરૂરિયાતવાળા દેશમાં તેઓ દાખલ થાય છે. રોકાણો કરી નબળાં દેશો ઉપર ઉપકાર કરવામાં આવે છે. છેવટે, આવાં ઉપકારો અને મદદને અંતે ગરીબ દેશોમાં ગરીબી અને સમૃદ્ધ દેશોની સમૃદ્ધિ વધે છે, એવું જ હંમેશા બનતું આવ્યું છે.
ખેડૂતે પાક લણવા માટે પહેલાં વાવણી કરવી પડે છે. પછી જ પાક લણી શકાય છે એ જ રીતે શસ્ત્રોના વ્યાપાર માટે મજબૂત દેશોએ નબળા દેશો વચ્ચે ઝઘડાઓ વાવવા પડે છે. એની માવજત કરવી પડે છે એ પછી જ લણવાનો સમય આવે છે અને સમૃદ્ધ દેશો હવે આ બાબતમાં અનુભવી અને નિષ્ણાત થઈ ગયા છે. અખાતના દેશોમાં એમની આ નીતિનો એમણે ઘણો ફાયદો મેળવ્યો છે. સોના જેવું તેલ અરબોને જે પૈસા આપે એ પૈસા શસ્ત્રો વેચીને અમેરિકા પોતાની બેંકોમાં જમા કરાવડાવે છે. નાના-નાના આરબ દેશો વચ્ચે તંગદિલી રહ્યા જ કરે છે. કદાચ, એ તંગદીલી મટી જાય તો ઉંબરમાં ઈઝરાયેલ બેઠું જ છે. આરબોને શસ્ત્રો વિના ચાલે એવું જ નથી.
એક વખતના ભારતના લશ્કરી વડા જે. એન. ચૌધરીએ હથિયારો વિશે ટકોર કરતાં કહ્યું હતું કે, વિકાસોન્મુખ નવા નવા દેશોના લશ્કર પાસે ક્યારેક એવી ભારે ટેન્કો હોય છે કે જે એમના પુલો ઉપરથી પસાર થઈ શક્તી નથી. એવાં વિમાનો હોય છે કે જેના માટે તાલીમ પામેલા પાઈલેટ હોતા નથી, એવી નૌકાઓ હોય છે જે સમુદ્રમાં હંકારી શકાતી નથી.
આ વાત સાચી હોવા છતાં, દરેક વિકાસશીલ દેશને શસ્ત્રો માટે જંગી બજેટ ફાળવવું જ પડે છે. અને, શસ્ત્રો તો ખરીદવા જ પડે છે, પછી ભલે ક્યારેય એ વાપરી શકાય એમ ન હોય. જેમ કીંમતી વસ્ત્રો ઓછામાં ઓછાં વપરાય છે એમ કીમતી શસ્ત્રો પણ ભાગ્યે જ વપરાય છે. છતાં, બંનેને વસાવવાં તો પડે જ છે.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post શસ્ત્રોની ખરીદી આ લાચારી સમજવા જેવી છે appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/weapons-of-purchase-the-helpless/
via Best Gujarati News
0 Comments