કન્ટેમ્પરરી : એમ. એ. ખાન

માનો કે તમે વિમાનમાં બારી પાસેની સીટમાં બેઠાં બેઠાં બહાર વાદળોને ઉડતા જોઈ રહ્યા છો અને કોફીની ચુસ્કીઓ લઈ રહ્યા છો. અચાનક બીજું એક જમ્બો વિમાન તમારા વિમાનથી આગળ નીકળી જાય. એનો પાઈલટ તમારા વિમાનને જાણે ડિંગો બતાવતો હોય. તરત તમારા વિમાનનો પાઈલટ એનાઉન્સ કરે, પ્રવાસીઓ કૃપયા ધ્યાન આપો! આપણી જમણી બાજુની બારીમાંથી બહાર જોશો તો ફ્લાઈટ ૨૦૮ દેખાશે એ આપણને રેસ માટે ચેલેન્જ કરે છે. મેં ચેલેન્જ સ્વીકારી લીધી છે. તો સીટબેલ્ટ બરાબર બાંધી લો. આપણે રેસ લગાવવાના છીએ. ધન્યવાદ!

આવી જોખમી ઘટના રીયલમાં બની શકે એમ નથી. આતો માત્ર ગમ્મત છે. સામાન્ય રીતે વિમાની પ્રવાસ બોરીંગ હોય છે. વિમાન સીધેસીધું ઉડયા કરે. વચ્ચે ક્યારેક જરાક હવામાન ખરાબ હોય તો બે-ચાર આંચકા આવી જાય. પછી બધું બરાબર થઈ જાય! તમારૃં વિમાનીમથક આવી પહોંચે અને તમારે વિમાનની બહાર આવી કામે દોડી જવાનું!

જોકે બધા વિમાની પ્રવાસ એવા સદભાગી પણ નથી હોતા.

૧૦ માર્ચનો દિવસ ઉગ્યો ત્યારે એડિસ અબાબામાં સુંદર સૂર્યપ્રકાશ અને સ્વચ્છ આકાશ હતું. પાયલટો તેને પરફેક્ટ હવામાન કહે છે. આવા હવામાનમાં ઈથિયોપિયન એર લાઈન્સની ફ્લાઈટ નં.: ૩૦૨ એરપોર્ટથી ઉપડી કે તરત જ ક્રેશ થઈ ગઈ અને એમાં બેઠેલા ૧૫૭ માણસો મોતનો કોળિયો બની ગયા. બોઈંગ ૭૩૭ મેક્સ-૮ પ્રકારના વિમાનનો છ જ મહિનામાં આ બીજો અકસ્માત હતો.ઓક્ટોબરમાં પણ આવી જ સરસ સવારે ઈન્ડોનેશિયાની લાયન એરનું વિમાન વિમાનીમથકેથી ઉપડયા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. એમાં પણ બેઠેલા બધા જ મૃત્યુ પામ્યા હતા.

સરસ વાતાવરણમાં વિમાન સફળતાપૂર્વક આકાશમાં ઉડવાની શરૂઆત કરે અને તરત ક્રેશ થઈ જાય એવું તે શી રીતે બને? ઓક્ટોબરમાં ક્રેશ થયેલા વિમાનની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીએ આ વિમાનોમાં એક નવી ઓટોમેટિક સિસ્ટમ ઉમેરી છે એ અકસ્માત માટે જવાબદાર છે. વિમાન અચાનક પવનના જોરથી તીરની જેમ ઉપરની દિશામાં ઉડવા લાગે તો તરત આ ઓટમેટિક સિસ્ટમ વિમાનના મોરાને નીચે નમાવી એને સીધું કરી દે છે. આ સિસ્ટમમાં કોઈ ગરબડ થતાં વિમાન ટેક-ઓફ વખતે સામાન્ય રીતે જ ઊંચે ચઢતું હોય તો પણ  વિમાનનો મોરો નીચે નમાવી દે તો આવો ક્રેશ થઈ શકે.

ઉપરાઉપરી બે ઘટનાઓ બનવાથી વિમાન ઉદ્યોગમાં ચારેબાજુ ભયની ધ્રુજારી ફરી વળી. ચીન, ઓસ્ટ્રેલિયા અને ઈથિયોપિયાએ તરત જ મેક્સ-૮ વિમાનોને ઉડાડવાનું માંડી વાળ્યું. અન્ય દેશોએ પણ એવા જ નિર્ણય લેવા માંડયા.

વિમાન અકસ્માતો ઉપરાઉપરી બનવા લાગે તો જબરજસ્ત ડર ચારે દિશામાં ફરી વળે એ સ્વાભાવિક છે. કારણ કે એક સ્ટેન્ડ-અપ કોમેડિયને એક પ્રોગ્રામમાં કહ્યું હતું એમ; અન્ય કોઈ વાહનના અકસ્માતમાં તો બચવાના ચાન્સ રહે છે. વિમાન અકસ્માતમાં તો…! જોકે અત્યાર સુધીના રેકોર્ડ મુજબ વિમાની અકસ્માત સૌથી સલામત છે. ૨૦૧૮માં દર ૨૫,૨૦,૦૦૦ ઉડ્ડયને એક વખત અકસ્માત થયો હતો. સવા પચ્ચીસ લાખ વખત વિમાન સફળતાથી ઉડે અને નીચે ઉતરી આવે એમાં એકાદ વખત અકસ્માત થાય તો અકસ્માતની શક્યતા નગણ્ય જ કહેવી પડે.

હા, ક્યારેક બે વિમાન અચાનક સામસામે આવી જાય એવું બનતું રહે છે. બંને વિમાન અકસ્માતનો ભોગ બનવાની અણીએ હોય ત્યાં અચાનક ચમત્કારિક રીતે બચી જાય એવી ઘટનાઓ સખ્યાબંધ બને છે. એક આરટીઆઈના જવાબમાં ભારતના નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું છે કે ૨૦૧૮ના વર્ષમાં વિમાન અકસ્માતની અણીએ પહોંચી ગયું હોય અને પછી બાલબાલ બચી જાય એવી (નિયર મિસ) ઘટનાઓ ૪૭ વખત બની છે. જોકે ૨૦૧૭ના વર્ષ કરતાં આ ઘટનાઓ ૬૮ ટકા વધારે છે.

વિશ્વભરના વિમાની ઉડ્ડયનોનો રેકોર્ડ કહે છે કે દર ત્રણ લાખ ઉડ્ડયને ૧૩ વિમાનો સાથે નિયર મિસ ઘટના બને છે. આવી ઘટનાઓ ન બને એ માટે વિમાન એરપોર્ટ ઉપરથી ઉપડે કે ઉતરે ત્યારે એરપોર્ટનો એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર મદદે આવીને એમને હવામાન, ભેજ, હવાની ઝડપ, અન્ય વિમાનોની સ્થિતિ વગેરે સુચનાઓ આપવા લાગે છે. પરંતુ મોટેભાગે માણસોની બેદરકારીથી ગરબડ થાય છે. દા.ત.: ૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં નાગપુરના એરટ્રાફિક કન્ટ્રોલ ટાવરની એક કન્ટ્રોલર મહિલા પાંચ મિનિટ માટે એની જગ્યા છોડીને કશેક ગઈ હતી. એણે કોઈકને જરાક નજર રાખવાની ભલામણ પણ કરી નહોતી. એટલામાં શમ્સાબાદથી રાયપુર જતું વિમાન અને દુબઈથી સિંગાપોર જતું વિમાન સામસામે આવી ગયા હતા.

નસીબ સારા હતા કે બંને વિમાનોમાં ફિટ કરવામાં આવેલી ટ્રાફિક કોલિઝન અવોઈડન્સ સિસ્ટમ સરસ કામ કરતી હતી. એમાં રડાર તથા કમ્પ્યૂટર સાથેની એવી ગોઠવણ હોય છે કે વિમાનની આસપાસ બીજું કોઈ વિમાન હોય તો તરત આ સિસ્ટમ વિમાનને ઊંચાઈ કે ટર્ન આપીને અથડામણથી બચાવી લે છે. બંને વિમાનો બેંગલોર એરપોર્ટથી માત્ર ૨૫૦ મીટર દૂર હતા ને ટ્રાફિક કોલીઝન અવોઈડન્સ સિસ્ટમે એમને એકબીજાથી સલામત ઊંચાઈએ લઈ જઈને અથડામણથી બચાવી લીધા હતા. નહિતર ૧૫ સેકન્ડમાં બંને વિમાનો અથડાઈને અગનગોળા બની ગયા હોત.

પેલા સ્ટેન્ડ-અપ કોમેડિયનની વાતથી વિપરિત એમ કહેવું પડશે કે વિમાની મુસાફરી અન્ય કોઈપણ વાહન કરતાં વધારે સલામત છે. એમાં પણ બચી જવાના પુરેપુરા ચાન્સ છે! જય  હિન્દ!

makhan.cc@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વિમાની મુસાફરીમાં સલામતી કેટલી? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/air-travel-safety/
via Best Gujarati News

0 Comments