આ મહિલાઓને તમે કેટલી ઓળખો છો?
સતરંગી : રશ્મિન શાહ
હંમેશા કહેવાતું રહ્યું છે કે નારી અકળ રહી છે પણ એના આ અકળપણાને ઓળખવાનો પ્રયાસ ર્મોડન સાયન્સ અને જગતભરની સર્વે એજન્સી દ્વારા હંમેશા થતો રહ્યો છે. એ સર્વેમાં કેટલીક એવી વાતો જાણવા મળી છે કે જે તમને તમારી ગર્લફ્રેન્ડ કે વાઇફ્ને સમજવામાં ચોક્કસ મદદ કરે એવી છે. લેટસ ફઇન્ડ ધેટ ફેક્ટસ…
આ છોકરીઓથી તો તોબા-તોબા.
આવું દરેક પુરુષ જીવનમાં એકવાર તો બોલ્યો જ હશે. પછી ભલે આ શબ્દો તેની વાઇફ માટે કે ગર્લફ્રેન્ડ માટે મોઢામાંથી બહાર આવ્યા હોય પણ આ હકીકત છે અને આ હકીકત કાયમ માટે યથાવત રહેવાની છે. જેટલી સચ્ચાઇથી આ હકીકતને સ્વીકારવામાં આવે છે એટલી જ સચ્ચાઇ એ વાતમાં પણ છે કે છોકરીઓને ઓળખવાનો, એના સ્વભાવને સમજવાનો અને તેની પ્રકૃતિને પારખવાનો પ્રયાસ પણ અવિરતપણે ચાલુ રહ્યો છે અને એ આમ જ ચાલુ પણ રહેવાનો છે. છેલ્લા દસ વર્ષમાં સ્ત્રીસહજ સ્વભાવને પારખવા અને એને સમજવા માટે જગતભરમાં એકહજારથી વધારે સર્વે થયા છે.
જગતભરમાં થયેલા એ સર્વેમાંથી કેટલીક ઇન્ટ્રેસ્ટિંગ વાતો જાણવા જેવી છે અને જાણવા જેવી એ વાતોમાં સૌથી મહત્વની જો કોઇ વાત હોય તો એ કે છોકરીઓની વાતોમાં દલીલ બહુ હોય છે.
છોકરીઓ દલીલ કરે છે એ સાચું છે પણ તેના મોઢેથી દલીલ ત્યાં જ શરુ થાય છે જ્યાં તેને આત્મીયતા હોય, પ્રેમ હોય અને લાગણી હોય. જેની માટે તેના મનમાં સંભાળ લેવાની લાગણી હોય. આ વાત ઓલમોસ્ટ નેવું ટકા છોકરીઓએ સ્વીકારી છે. જે જગ્યાએ તેને પ્રેમ નથી, આત્મીયતાનો છાંટો નથી, લાગણીનું કોઇ બંધન નથી એ જગ્યાએ આ છોકરીઓના જવાબ ટૂંકાટચ હોય છે. હવે આ જ જગ્યાએ મુદ્દોએ પણ ઊભો થાય છે કે છોકરી બધાની સામે પોતાની દલીલનું પ્રદર્શન કર્યા કરે તો શું માનવું. જો એવું બનતું હોય તો માનવું કે એ છોકરીને એક પણ જગ્યાએ લાગણીનું બંધન નથી પણ એ બંધન કરતાં પણ વિશેષ જે છે એ કે, એ પોતાની વાત અને પોતાના વિચારો સાથે જક્કીને જેમ જોડાયેલી છે અને તેને પોતાનું ધાર્યું કરાવવામાં જ રસ હોય છે.
લંડન યુનિવર્સિટીમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યા મુજબ, જે સમયે છોકરી એકલી પડી જાય અને જો એ પોતાની જાતને લેખનમાં વાળી દે તો એના મનની બધી જ સાચી વાતો બહાર આવી જાય છે અને એ સાચી વાતો બહાર આવી ગયા પછી એ જ વાત કહેવામાં તેને સહેજ પણ સંકોચ નથી આવતો અને એ વિના સંકોચે કહી શકે છે. આવું અનેક જગ્યાએ બન્યું છે અને છોકરીઓનો આ ગૂણ જગત આખામાં સમાન રહ્યો છે. અલબત, આ ગુણ પોતાનામાં હોવાછતાં પણ મોટાભાગની છોકરીઓ આ ગુણનો ઉપયોગ કરતાં ડરે છે. ડરે છે અથવા તો પોતાનામાં રહેલી આ ક્વોલિટીનો ઉપયોગ કરતાં ખચકાય છે. આ મોટાભાગની છોકરીઓની જો ટકાવારી કહેવામાં આવે તો એ ટકાવારી ૮૯.૦૩ ટકાની છે. કહેવાનો ભાવાર્થ એ કે ૧૦.૦૭ ટકા છોકરીઓ એવી છે કે જે પોતાના મનની વાત કાગળ પર લખવાની હિંમત ધરાવે છે. સર્વે દરમ્યાન જાણવા મળેલી વાતોને આગળ જાણીએ એ પહેલાં હજુ એક સ્પષ્ટતા કરવાની. જે ૧૦.૦૭ ટકા છોકરીઓ લખીને પોતાના મનની વાત પહેલાં કાગળ પર અને પછી હોઠ પર લઇ આવવાની હિંમત કરે છે એ દુનિયાભરની છોકરીઓની વાત છે. ભારતમાં તો આ રેશિયો હજુ પણ ઓછો છે અને એક ટકાથી પણ ઓછી છોકરીઓ પોતાના મનની વાત લખવા માટે રાજી થાય છે.
સ્ત્રી સદાય એક કોયડા જેવી લાગતા આ વિષય પર થયેલા એક સર્વે મુજબ, છોકરીઓ ઇમોશ્નલ-ફૂલ એટલે કે લાગણીઓ વચ્ચે બહુ સરળતાથી મૂર્ખ બની જાય છે. આ જ સર્વેમાં જાણવા મળ્યા મુજબ, જે છોકરીઓના આંસુ પલકવારમાં આંખમાંથી બહાર આવી જતાં હોય છે એ જ છોકરીઓ જ્વલ્લે જ પોતાના બોયફ્રેન્ડ કે હસબન્ડને રડતાં જોઇ શકે છે.
છોકરીઓને જો સૌથી વધારે પસંદ હોય તો એ કે તેને તમામ પ્રકારની સ્વતંત્રતા મળે. ખાસ કરીને એવી સ્વતંત્રતા કે જેમાં ઘરના નિર્ણયો તેને લેવાના હોય અને તેના નિર્ણયો પર ઘર ચાલવાનું હોય. આ વાત માત્ર ભારતમાં જ લાગુ નથી પડતી, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા અત્યંત ર્મોડન દેશોમાં પણ લાગુ પડે છે અને ત્યાં રહેતી છોકરીને પણ જો આ અધિકાર મળે તો એની ખુશી ચરમસિમા પર પંહોચે છે. આ જ સર્વેની વાતને જો આગળ વધારીને સમજાવવાની હોય તો કહી શકાય કે, છોકરીઓને હંમેશા એવું લાગ્યા કરતું હોય છે કે તેના વિચારોને કે તેની ઇચ્છાઓને ક્યારેય સામાજિક માન મળતું નથી, જેને કારણે જ્યારે પણ અને જે સ્થળે તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે એ સમયે અને ક્ષણે તેની ખુશી સૌથી વધારે હોય છે.
છોકરીઓના સ્વભાવ પર થયેલા અનેક સર્વેના ઇન્ટ્રેસ્ટિંગ ફેક્ટ પૈકીનું વધારે એક ફેક્ટ. છોકરીઓ ક્યારેય લોજિક સાથે કોઇ કારણને જોવાનું પસંદ નથી કરતી, જેને કારણે બને છે એવું કે જે ઝઘડો ૨૦૧૩માં થયો હોય એ જ ઝઘડો ૨૦૧૭માં પણ તેના મનમાં અકબંધ હોય છે. વાત છોડી દીધી હોય અને એના વિશે ઉલ્લેખ પણ ન થતો હોય તો પણ એ સમયના કજિયાની વાત કે એ સમયે તેને લાગેલા દૂખને તે મનમાંથી કાઢી નથી શકતી. અમેરિકન ઇન્સટિયુટના સહયોગથી થયેલા એક સર્વેમાં જાણવા મળ્યા મુજબ, કેટલીક બાબતો છોકરીઓ ક્યારેય પોતાના મનમાંથી કાઢી નથી શકતી. આવી કેટલીક બાબતોમાં અઢાર જેવા ઇન્સિડન્ટનો સમાવેશ થાય છે જ્યારે પુરુષ માત્ર એક જ મુદ્દો પોતાના મનમાંથી કાઢી નથી શકતો અને આ મુદ્દો પણ માત્ર પોતાની ગર્લફ્રેન્ડ કે વાઇફ્ના કેરેક્ટર સાથે અટવાયેલો છે પણ છોકરીઓની વાત કરવામાં આવે તો કુલ અઢાર મુદ્દાઓ એવા છે કે જેને તે ભુલવાનો પ્રયાસ પણ નથી કરતી. આ જ કારણે એવું પણ સર્વેમાં બહાર આવ્યું છે કે આ જ એ કારણ છે કે જેને કારણે છોકરીઓની લાગણી અને તેનો પ્રેમ સમય જતાં ઓછો થઇ જાય છે અને પતિ કે બોયફ્રેન્ડને એવું લાગવા માંડે છે કે હવે સંબંધોમાં આત્મીયતા રહી નથી.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ મહિલાઓને તમે કેટલી ઓળખો છો? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/these-women-how-to-you-know-how/
via Best Gujarati News
0 Comments