ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સરદાર પટેલના બાવલે શનિવારની સવારે ૯-૩૦ કલાકે અમિત શાહ જાહેરસભાને સંબોધવાના હતા. ઘરેથી તેઓ નિકળે તે પહેલા જ ભાજપમાં ટિકિટના કેટલાક દાવેદારો થલતેજ સ્થિત નિવાસ સ્થાને પહોંચી જતા અમિત શાહના શનિવારના કાર્યક્રમો નિર્ધારિત સમયથી એક કલાક મોડા શરૂ થયા હતા.

આર્શિવાદ, શુભેચ્છાઓ આપવા અમિત શાહના બંગલે સાધુ- સંતોથી લઈને અનેક સર્મથકો ઉમટી પડયા હતા. શાહ પરીવાર નારણપુરા જવા નિકળે તે પહેલા છોટાઉદેપુર લોકસભા માટે ભાજપમાંથી ટિકિટની માંગણી કરનારા જૈન મૂની રાજેન્દ્ર વિજય અને મહેસાણા માટે દાવો કરનારા રજનીકાંત પટેલ પણ જોવા મળ્યા હતા.

સમયની ભારે ખેંચતાણ વચ્ચે પણ અમિત શાહના પરીવારે ઘરમાંથી નિકળતા ઝાંપા પર ગાડીમાં બેસતા જે કોઈ આવ્યુ એ બધાની શુભેચ્છાઓ સ્વિકારી હતી. જનસભાના કાર્યક્રમ સ્થળે ખચોખચ મેદની હતી. જેથી બેસવાની જગ્યા ન મળતા અમદવાદના સાંસદ, બનાસકાંઠા લોકસભામાં ભાજપના ઉમેદવાર સહિત અનેક સિનિયર ધારાસભ્યોને રસ્તાના કાંઠે દુકાનોના પાટિયા, ઓટલા ઉપર બેસવું પડ્યું હતું.

ટિકિટ પાકી છે ? બહેને સામે કહ્યુ- શું લાગે છે ?

પ્રભાત ચોકમાં ઊંઝાના ડો.આશાબહેન પટેલ જોવા મળ્યા હતા. ભાજપમાં તેમની ટિકિટને લઈને કોકડું ગૂંચવાયું છે ત્યારે કેટલાક કાર્યકરોએ ટિકિટ પાકી છે ? એમ પૂછતા બહેને સામેથી તમને શું લાગે છે ? એમ પૂછયું હતું.

પાટીદાર અને ઠાકોર મતદારોએ દરખાસ્ત કરી

અમિત શાહના ચૂંટણી ફોર્મમાં તેમના નામની દરખાસ્ત વેજલપુરના મતદાર રાજેશભાઈ ઠાકોર અને ઘાટલોડિયાના મતદાર ભીખાભાઈ પટેલે કરી હતી. જેને ભાજપ પાટીદાર અને ઓબીસી મતદારોને સાથે લઈને આગળ વધી રહ્યું હોવાના સાંકેતિકરૂપે રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. અમિત શાહે ગાંધીનગર કલેક્ટર સમક્ષ બે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

બપોરે ફોર્મ ભર્યું, રાતે  ચૂંટણી કાર્યાલય ખોલ્યું

અમિત શાહે ચૂંટણી ફોર્મ ભર્યા બાદ ગાંધીનગર બેઠક માટે પ્રચાર માટે અમદાવાદમાં એસ.જી.હાઈવે ઉપર પકવાન ચાર રસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યલાયનું ઉદ્દઘાટન કર્યું હતું. તે સમયે સીએમ, ડેપ્યુટી સીએમ ઉપરાંત  પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ પણ અમિત શાહની સાથે આ કાર્યલાયમાં જોવા મળ્યા હતા.

યુવક સેલ્ફી માટે સરદાર સ્મારક પર ચડી ગયો  

ભાજપના એક કાર્યકરે તો સરદાર પાટીદાર ચોક પર જ ચડી ગયો હતો. ત્યાં સુધી કે ત્યાંથી ઊભા રહીને સેલ્ફી લેતો હતો. શરમજનક ઘટના જાહેરમાં બની હોવા છતાં ના તો કોઇ ભાજપના નેતા કે પોલીસે ટકોર સુધ્ધાં કરવાની તસ્દી લીધી ન હતી.

મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રસ્તા પર  

શહેરના મેયર બિજલ પટેલ તથા સ્ટેન્ડિંગ ચેરમેન અમૂલ ભટ્ટ શનિવારે સવારે સરદાર પટેલ બાવલા ખાતે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો નિમિત્તે સભા યોજાઇ હતી. તેના માટે બનાવવામાં આવેલ મંચ પર રાષ્ટ્રીય નેતાઓ હાજર હોવાથી તેમને સ્થાન મળ્યું ન હતું.

ભાજપના કાર્યકરો સાથે રોડ પર ઊભેલા હતા. રોડ શો શરૂ થયા બાદ દુકાનના શટર પાસે ખૂણાંમાં ઊભા રહીને કાર્યકરો સાથે ફોટાં પડાવ્યા હતા. તો ઘણાં લોકોએ સેલ્ફી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લોકસભાની ટિકીટના દાવેદારો શુભેચ્છા આપવાને બહાને અમિત શાહને બંગલે પહોંચ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/amit-shah-arrives-in-bangalore-to-greet-the-people-of-lok-sabha-ticket/
via Best Gujarati News

0 Comments