બોલો, ઝીબ્રાનો મૂળ રંગ કાળો કે સફેદ?
જંગલબુક :- નીરવ દેસાઈ
આજે આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે ગધેડા અને ઘોડાના કુળનું પ્રાણી છે. તેને પટ્ટાવાળા ગધેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. જી હા, આજે આપણે વાત કરી રહ્યાં છીએ ઝીબ્રા વિશે. ઝીબ્રાના શરીર ઉપર સફેદ અને કાળા રંગના પટ્ટા હોય છે. જેમ મનુષ્યની આંગળીઓની છાપ અલગ અલગ હોય છે તેમ બે ઝીબ્રાના પટ્ટા એક જેવા હોતા નથી. મોટાભાગે ઝીબ્રા આફ્રિકામાં જોવા મળે છે. ઝીબ્રા એક સામાજિક પ્રાણી છે. તે મોટાભાગે નાનાથી લઈને મોટા ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તેમના આ ઝુંડને ડેઝલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગધેડા અને ઘોડા જેવા પાળતું પ્રાણીના કૂળનું પ્રાણી હોવા છતા ઝીબ્રાને પાળીને ઘરે રાખવામાં નથી આવતું, કારણ કે તે હુમલાખોર સ્વભાવનું હોય છે. તે પાળનાર પર પણ હુમલો કરી શકે.
ઝીબ્રાની ત્રણ મુખ્ય પ્રજાતિ છેઃ મેદાનમાં રહેનારા, ઘાસમાં રહેનારા અને પહાડોમાં રહેનારા. સામાન્ય રીતે તે ખોરાકમાં લીલા પાંદડાં અને ઘાસ ખાય છે.
આ શાકાહારી પ્રાણીની દોડવાની ક્ષમતા એક કલાકમાં પાસઠ કિલોમીટરથી પણ વધારે હોય છે. ઝીબ્રાનું વજન ચારસો કિલોગ્રામ જેટલું હોય છે. તેઓ લગભગ આઠ ફૂટ જેટલાં લાંબા હોય છે અને પાંચ ફૂટ જેટલાં ઊંચા હોય છે. તેમની ચામડીના આવરણની રચના એ પ્રકારે થઈ હોય છે કે જે તેમને આફ્રિકાની ગરમીથી સીત્તેર ટકા જેટલી રાહત આપાવે છે. ઝીબ્રાની એક ખાસિયત છે કે તે ઊભા ઊભા જ સૂઈ જાય છે.
ઘણા લોકોની માન્યતા છે કે ઝીબ્રા સફેદ છે અને તેના પર કાળા પટ્ટા છે. હકીકતમાં તે કાળા રંગનું છે અને તેના પર સફેદ પટ્ટા હોય છે. જોકે તેને જોતાં તો તે કાળા અને સફેદ ચટાપટાવાળું જ દેખાશે. રસ્તાઓ પરના ક્રોસિંગના ભાગમાં દોરવામાં આવતા સફેદ-કાળા પટ્ટાને ઝીબ્રા ક્રોસિંગ નામ આપવામાં આવ્યું, તેનું કારણ પણ એ જ છે કે તે ઝીબ્રા શૈલીના પટ્ટા હોય છે. ઝીબ્રાના શરીર પરના પટ્ટા તેને ઊંચા ઘાસમાં છુપાઈ રહેવામાં મદદ કરે છે. તેની સાંભળવાની અને જોવાની શક્તિ ઘણી તેજ હોય છે. શિકારીઓથી બચવા માટે ઝીબ્રા આડી-અવળી, ડાબી-જમણી ગતિમાં ભાગીને શિકારીઓને મહાત આપી શકે છે. ઝીબ્રા બેઝિકલી પોર્ચુગીઝ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ જંગલી ગધેડો થાય છે. તેમને શાહમૃગ સાથે સારી મિત્રતા હોય છે. જ્યારે કોઈ શિકાર કરવો હોય ત્યારે ઝીબ્રા અને શાહમૃગ સાથે મળીને શિકાર કરે છે. જોકે ઝીબ્રા પાકને ઘણુ નુકશાન કરતા હોય છે. એટલે ખેડૂતો માટે તો તે દુશ્મન સમાન છે. ઝીબ્રાનું લગભગ પચ્ચીસ વર્ષ સુધીનું આયુષ્ય હોય છે. ઝીબ્રાની ઘટી રહેલી વસતિ પ્રાણીપ્રેમીઓમાં ચિંતાનો વિષય છે.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post બોલો, ઝીબ્રાનો મૂળ રંગ કાળો કે સફેદ? appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/speak-zebrona-native-color-time/
via Best Gujarati News
0 Comments