ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

ફૂડ બેન્ક માટે વપરાતા ખાદ્ય ચીજવસ્તુના હજારો ડબ્બા (કેન્સ)નો ઉપયોગ કરીને હાથીનું એક અત્યંત મોટું ચિત્ર રચીને અમેરિકાની ડોરડેશ સંસ્થાએ વિક્રમ રચ્યો છે. આ ભવ્ય કાર્ય ૧ માર્ચ, શુક્રવારના રોજ સાન્ટા મોનિક પિયર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોરડેશના પ્રતિનિધિઓએ આશરે ૬,૮૫૩ કરતા પણ વધારે ખાદ્ય સામગ્રીના ડબ્બાનો ઉપયોગ કરીને આફ્રિકન બુશ હાશીનું વિશાળ રંગબેરંગી ચિત્ર બનાવ્યું હતું. આવો વિશિષ્ટ કાર્યક્રમ હાથ ધરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ડોરડેશ સંસ્થા ખોરાકના બગાડ તથા ભૂખમરો આ બે બાબતો તરફ જગતનું ધ્યાન ખેંચવા માગતી હતી. તેમના દ્વારા બનાવવમાં આવેલું હાથીનું આ ચિત્ર લગભગ ૬.૭૦ મીટર લાંબુ અને ૭.૮૨ મીટર પહોળું હતું અને તેનું વજન લગભગ ૨,૭૦૦ કિલોગ્રામ જેટલું હતું. યુએસની આ ડીએએસએચ (ડોરડેશ એક્ટ્સ ફોર સસ્ટેનેબિલિટી એન્ડ હંગર) નામની સંસ્થા ફૂડ રેસ્ક્યૂનું (ખોરાકનો બગાડ રોકવાનું) કામ કરીને બચાવેલો ખોરાક ભૂખમરાથી પીડાતા લોકો સુધી પહોંચાડે છે. પ્રથમ વર્ષમાં જ લગભગ ૬,૨૫,૦૦૦ પાઉન્ડ જેટલો ખોરાક સંસ્થાએ એકઠો કર્યો હતો. આ ખોરાકનું વજન લગભગ ૪૮ જેટલા મહાકાય બુશ હાથીના વજનના સરવાળા જેટલું થાય છે. આ સંસ્થાએ બચાવેલો ખોરાક ૫૦૦,૦૦૦ કરતાં પણ વધુ લોકોની ભૂખ મિટાવવા માટે વપરાયો હતો. ડોરડેશ સંસ્થા દ્વારા કઠોળ, વટાણા, મસૂરથી લઈને સૂપ સુધીની તમામ વસ્તુનાં લગભગ ૭,૫૦૦થી વધુ ડબ્બાનું લોસ એંજલસ ફૂડ બેન્કમાં દાન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક રેકોર્ડ માટે ૬,૮૫૩ કરતા પણ વધારે ફૂડ-કેન્સ એકઠાં કરવામાં આવ્યાં હતાં, જેની વ્યવસ્થિત ગોઠવણ દ્વારા હાથીનું ચિત્ર રચાયું હતું. આ કદાવર પ્રાણીનું ચિત્ર રચીને ભૂખની સમસ્યા કેટલી વિરાટ છે તેના તરફ ઇશારો કરવામાં આવ્યો હતો. સમૃદ્ધ ગણાતા અમેરિકામાં પણ લોકો ખોરાકના મામલે પૂરેપૂરા સુરક્ષિત નથી. બે ટંકનું ભોજન મળી જ રહેશે એવી ખાતરી જે લોકોને નથી તેવા લોકોની સંખ્યા એકલા લોસ એન્જલસમાં ૧૪ લાખ જેટલી હોવાનો એક અંદાજ છે. ડોરડેશ સંસ્થા આવા લોકોને ખોરાક પૂરો પાડે છે.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ફૂડ કેન્સ ગોઠવીને બનાવ્યું વિરાટ હાથીનું ચિત્ર appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/food-cans-arrangement-making/
via Best Gujarati News

0 Comments