જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આપણે બધા જાણીએ છીએ કે હવા વગર કોઈ જીવ જીવતો ન રહી શકે. આપણને પણ જો જરાય હવા અંદર ન આવી શકે એવા કોઈ ઓરડામાં પુરી દેવામાં આવે તો ચાર-પાંચ મિનિટમાં આપણે મૃત્યુ પામીએ. તો પછી પંખીના ઈંડામાં ઉછરતા બચ્ચાં હવા વગર શી રીતે જીવતા રહી શકે? હવા એટલે કે પ્રાણવાયુ.

એમ તો સીધાં બચ્ચાંને જન્મ આપનાર પ્રાણીઓના બચ્ચાં વધતા-ઓછા મહિના પોતાની માતાના પેટ (કૂખ-ગર્ભાશય)માં રહીને વિકાસ પામે છે. પછી જન્મ લે છે. તો ત્યાં એમને હવા એટલે કે પ્રાણવાયુ શી રીતે મળતો હશે? બચ્ચાંને જન્મ આપનાર પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ કહેવાય છે એ તો આપણે જાણીએ જ છીએ. સસ્તન એટલે એવા પ્રાણીઓ જે બચ્ચાંના જન્મ પછી ચોક્કસ સમય સુધી બચ્ચાંને દૂધ પીવડાવે છે. આવા પ્રાણીઓના ગર્ભાશય-કૂખમાં હવા તો જઈ શકતી નથી, પરંતુ બચ્ચાંને પ્રાણવાયુ મળી જાય છે.

માતા પોતે શ્વાસ લે તો એનો પ્રાણવાયુ ફેફસાંમાં થઈ લોહીમાં ભળી જાય છે. એ લોહી માતાના શરીરમાંથી બચ્ચાંના શરીરમાં પણ જાય છે અને એ રીતે તેને પ્રાણવાયુ મળી જાય છે.

પંખીઓના ઈંડામાં તો માતાનું લોહી જઈ જ શકતું નથી. તો ઈંડામાં વિકસી રહેલા બચ્ચાંને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન શી રીતે મળી શકે? પ્રાણવાયુ વગર તો બચ્ચાં જીવી જ ન શકે. ઈંડામાં વિકાસ પામતા બચ્ચાંને પ્રાણવાયુ મળી રહે એ માટે દરેક ઈંડામાં ઓછામાં ઓછા ૭૦૦૦ અને વધારેમાં વધારે ૧૭૦૦૦ સુક્ષ્મ કાણા હોય છે. આ જાણ્યા પછી આપણને સવા થાય કે જો ઈંડામાં આટલા બધા કાણા હોય તો એને જરાક હલાવતાં જ એમાંથી પ્રવાહી બહાર નીકળી જાય. એવું તો થતું જ નથી. અંદરનું પ્રવાહી બહાર નીકળતું નથી એનો અર્થ એ થયો કે ઈંડાના કોચલામાં કાણા ન હોઈ શકે. બીજું: જો હવા માટે કાણા હોય તો એમાંથી વાયસ કે બેકટેરિયા ઈંડામાં ઘૂસણખોરી કરીને બચ્ચાને નુકસાન પહોંચાડી શકે!

વળી પાછો સવાલ એ થાય કે જો કોચલામાં કાણા ન જ હોય તો અંદર વિકસી રહેલા બચ્ચાને પ્રાણવાયુ શી રીતે મળે? વિજ્ઞાનીઓ કહે છેકે ઈંડાના કોચલામાં હજારો કાણા હોય છે એ વાત સાચી છે. એ કાણા એટલા બધા સુક્ષ્મ હોય છે કે એમાંથી ઈંડાનું પ્રવાહી બહાર નીકળી શકે નહીં. માત્ર હવામાં રહેલા પ્રાણવાયુના અણુઓ જ અંદર જઈ શકે છે અને બચ્ચાંએ અંદર બનાવેલા કાર્બન ડાયોક્સાઈડના અણુઓ બહાર નીકળી શકે. પ્રાણવાયુ અને કાર્બન ડાયોક્સાઈડની અવરજવરમાં વાયરસ વગેરે ઘૂસી ન આવે એ માટે ઈંડાના કોચલાની અંદર સાવ બારીક એવું એક બીજું પડ હોય છે. એ કોચલા અને ઈંડાના પ્રવાહી વચ્ચે હોય છે. એના એક છેડેથી ગર્ભનાળ જેવા તંતુઓ નીકળીને ઈંડામાં વિકાસ પામતા બચ્ચાં સુધી જોડાય છે. એના દ્વારા માત્ર વાયુઓની જ અવરજવર થઈ શકે છે. બીજું કશું જ અવરજવર કરી શકતું નથી.

makhan.cc@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પંખીઓના દરેક ઈંડામાં હજારો કાણાં હોય? appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/honey-in-the-egg-eggs-of-the-birds/
via Best Gujarati News

0 Comments