રંગપુર ગામમાં ૧૫ વર્ષનો જયંતિલાલ અને તેની વિધવા માતા રહેતા હતા. બધા એને જેન્તિ કહેતા. મા જેમતેમ કરીને બે ટંકનું કમાઈ લેતી હતી. એ  જેન્તિને ભણવાનું કહેતી તો  જેન્તિ કહેતો મા, ખરૃં જ્ઞાન તો સમજણમાં હોય છે. જેન્તિ ગામમાં દરેક કામમાં દોડાદોડ કરતો. એમ કરતાં એને ખૂબ અનુભવ મળતો હતો. એક દિવસ જેન્તિના ઘેર ચાર માણસો આવ્યા. જેન્તિની માતાને કહે, તમારા પતિએ અમારી પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતા. લાવો પાછા.

માતાએ કહ્યું, ભાઈ એમણે પૈસા લીધાની કદી વાત નથી કરી અને મારી પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી હોય!? એ જમાનામાં રાજાની નોકરી કરનારને ૭ રૂપિયા પગાર મળતો હતો.

પેલા ચારેય માણસોએ કહ્યું તો તમારા દીકરાને અમારી સાથે મોકલો. પૈસા વસૂલ થશે તો પાછો મોકલીશું.

એ જમાનામાં કોઈ ઉધાર લીધેલા પૈસા ન ચૂકવી શકે તો પૈસા વસૂલ થાય ત્યાં સુધી ધીરનાર પાસે મફત ગુલામી કરવી પડતી. માએ કચવાતા મને જેન્તિને કહ્યું, બેટા! મારો જીવ ચાલતો નથી, પરંતુ બીજો કોઈ રસ્તો નથી. તારે એમની સાથે જવું જ પડશે.

જેન્તિ કહે ચિંતા ન કરીશ મા. હું કહેતો હતો ને કે સમજણ જ મોટામાં મોટું ધન છે! હું સમજણથી મારા પિતાનું દેવું થોડા જ વખતમાં ભરી દઈશ. એ ચારેય માણસો સાથે ચાલી નીકળ્યો. પાંચેય જણ ચાલતાં ચાલતાં એક મોટા ગામમાં પહોંચ્યા. ધર્મશાળામાં આવીને ઊંઘી ગયા. સવારે જેન્તિ ઊંઘતો હોવાનો ડોળ કરીને પડયો હતો. ચારેય જણ વાતો કરતા હતા.

એક જણ કહે, ‘અલ્યા આ છોકરાને કેમ પરાણે આપણી સાથે લીધો? એના બાપને તો આપણે ઓળખતાય નથી.’

એમનો સરદાર કહે, ‘આપણે ચોરી કરવા અંદર જઈએ તો ચોકી કરનારની જરૂર હતી. મફતમાં કામ કરનાર ક્યાં મળવાનો હતો?’

જેન્તિ સમજી ગયો કે માને મૂરખ બનાવીને પોતાને મફતની ગુલામીમાં લઈ લીધો છે. એણે ચારેયને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

ગામમાંથી નીકળવાનું થયું તો એકી કરીને આવું છું કહી થોડે દૂર ગયો. એકી કર્યા પછી પોતાના લેંઘાના નાડામાં ચાર ઠીકરાં એટલે કે માટીના તૂટેલા ઘડાના ટુકડા બાંધી લીધા.

રાત્રે ચારેય ચાલતા ચાલતા બીજે ગામ જવા નીકળ્યા. ચાલવાથી પેલા ચાર ઠીકરાં અથડાઈને રણકાર કરવા લાગ્યા. ચોરોએ જેન્તિને પૂછયું, ‘આ અવાજ શાનો આવે છે?’

જેન્તિ કહે, મને ચાર સોનામહોરો મળી હતી. મારા નાડે બાંધી છે.

ચોરો કહે, અમને આપી દે! તારાથી નહીં સચવાય.

જેન્તિ કહે, ‘તમે સોનામહોરો લઈ વેચવા જશો તો કોઈને શંકા થશે. એના બદલે હું મોટા ગામમાં શાહુકાર પાસે જઈને વેચી આવીશ. પછી જે મળે તે તમને આપી દઈશ!’

ચારેયએ વિચાર્યું. છોકરાની વાત તો સાચી છે. એમણે કહ્યું ‘ઠીક છે!’

એક મોટું ગામ આવ્યું. ચારેય મોટા શાહુકારના ઘેર પહોંચ્યા. જેન્તિ કહે, ‘તમે નીચે ડેલીના દરવાજે ઊભા રહો. હું ચારેય મહોરો વેચી આવું.’

જેન્તિ શાહુકારની મેડીએ ગયો. શાહુકારને કહે, ‘અમે સારા ઘરના છીએ, પણ વખત ખરાબ આવ્યો છે. મારા ચાર કાકાઓને ગુલામીમાં વેચવા આવ્યો છું.’

શાહુકાર કહે એ તારા કાકા છે એની ખાતરી શું?

જેન્તિ કહે, આવો ઝરૂખે. ઝરૂખામાં ઊભા રહી જેન્તિ મોટેથી બોલ્યો, ‘કાકાઓ, એકને વેચું, બે ને વેચું કે ચારેયને વેચું?’

ચારેય બોલ્યા, ‘દીકરા ચારેયને વેચી દે!’

જેન્તિ શાહુકારને કહે, ‘સાંભળ્યું? હવે તો વાત સાચીને?’

શાહુકારે ચારેયના બસો બસો રૂપિયા ગણી આપ્યા. જેન્તિ કહે, ‘એમની સામેથી જવાનો મારો જીવ નહીં ચાલે. બહાર જવાનો બીજો કોઈ રસ્તો છે? ‘

શાહુકાર કહે, હા પાછલા બારણેથી નીકળી જા! જેન્તિ કહે, શેઠ મારા કાકાઓને સરસ ખવડાવજો અને સારી રીતે રાખજો! અને જેન્તિ પાછલા બારણેથી નીકળીને ઘર બાજુ ઉતાવળો ચાલવા લાગ્યો. આ એણે બુદ્ધિ અને સમજણથી કમાણી કરી હતી. ચોરોને પાઠ ભણાવ્યો હતો.

ચારેય ચોરોને ખબર પણ ન પડી કે જેન્તિ એમને ચારેયને વેચીને જતો રહ્યો છે!

પણ હવે શું થાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post એકને વેચું, બેને વેચું કે ચારેયને વેચી દઉં? appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/sell-one-to-one-sell-k-c/
via Best Gujarati News

0 Comments