નારોલના રંગોલીનગર હાઇફાઇ ચાર રસ્તા પાસે શુક્રવારે સવારે ૪૨ વર્ષના આધેડની આંખો કાઢેલી ડેડબોડી મળી આવી હતી. નારોલ પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી લાશને પીએમ માટે વી.એસ. હોસ્પિટલ મોકલી આપી હતી.

મૃતકની પત્નીએ સાંતેજમાં આવેલી જમીનના વિવાદમાં તેની આંખો કાઢીને હત્યા થયાનો આક્ષેપ કર્યો છે. જો કે, મૃતકના પિતાએ પુત્રના મોત અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મોત થયા પછી મૃતકને ઈજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે.

હાથીજણમાં પત્ની લક્ષ્મીબહેન અને પુત્ર યશ સાથે રહેતાં કનુભાઈ પ્રજાપતિ (ઉં,૪૨) તેમના પિતા રામભાઈના દિવ્યનગર નારોલ ખાતેના ઘરે બુધવારે ગયા હતા. ગુરુવારે સવારે કનુભાઈ પિતાના ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાનમાં અવાવરું જગ્યામાં સિમેન્ટ બીમના વાયરો અને પથ્થરો પાસેથી કનુભાઈની શુક્રવારે સવારે લાશ મળી બંને આંખો ગાયબ હતી. બનાવને પગલે નારોલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

મૃતકની પત્ની લક્ષ્મીબહેને રૂ.૫૦ કરોડની સાંતેજ પાસેની જમીનના વિવાદમાં તેમના પતિની હત્યા કર્યા બાદ આંખો કાઢી નાંખવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે. જો કે,કનુભાઈના પિતા રામભાઈએ જણાવ્યું હતું કે, અમારા પિતાના સમયની જમીન વિવાદમાં પડેલી છે. આ મામલે હજુ સુધી અમને એક પૈસા પણ મળ્યો નથી.

વકીલને અમે ફાઈલ અને કાગળો આપ્યા હોવાથી તેઓ અમારી જમીન અપાવવા લડત લડી રહ્યા છે. પોલીસ તપાસમાં કુદરતી રીતે મોત થયાનું હાલમાં જણાય છે. જો કે, કેસમાં પીએમનો ડિટેઇલ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.

સ્થાનિક લોકોના કહેવા મૂજબ ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે કનુભાઈએ પાણી માગ્યું હોવાથી તેમને પાણી આપ્યું હતું. બાદમાં સાંજે ૫ વાગ્યે પણ તેઓ આ જગ્યાએ જોવા મળ્યા હતા. દારૂ પીવાની ટેવને કારણે સાંજે તેઓ સૂઈ ગયા હોવાનું સમજીને કોઈ તેમની પાસે ગયું નહતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાજ્યમાં કાયદાની સ્થિતિ કથળી, નારોલમાંથી આંખો કાઢેલી હાલતમાં આધેડની લાશ મળી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-narol-in-the-old-mans-dead-body-found/
via Best Gujarati News

0 Comments