કોઈ દેખીતા કારણ વિના ખડકો જાણે બોમ્બ હોય તેમ ફટે ખરા? શું આકાશમાં ત્રણ સૂર્ય દેખાય ખરા? આ બન્ને સવાલોના જવાબ છે હા, આ શક્ય છે. સોની બીબીસી અર્થના શો વિયર્ડ વંડર્સ ઓફ ધ વર્લ્ડમાં આ તથા આવી બીજી અનેક વિચિત્ર નૈર્સિગસ ઘટનાઓ વિશે રસપ્રચૂર વાતો જાણવા મળશે. એની એક ઝલક…

આકાશમાં ત્રણ સૂર્યનો નિરાળો નજારો

યુરોપમાં સર્વોચ્ચ પર્વતમાળા આલ્પ્સમાં સુંદર અને ચોંકાવનારો સૂર્યોદય જોવા મળ્યો. ઊગી રહેલા સૂર્યની બન્ને બાજુ બે નાના સૂર્યો જોવા મળ્યા. આવું થવાનું કારણ એ હતું કે હિમાચ્છાદિત પર્વત પરના બરફ્ના ક્રિસ્ટલ્સને લીધે સનડોગ્સ તરીકે ઓળખાતી બે સૂર્ય-આભાઓ રચાતી હતી, જે સૂર્યની અડખેપડખે બિરાજમાન પેટા-સૂર્ય જેવી દેખાતી હતી અને ત્રણ સૂર્યનો આભાસ રચતી હતી.

રહસ્યમય વાંદરા

ભારતના કાનપુરમાં રેલવે સ્ટેશને એક વાંદરાને વિજળીના વાયરનો શોક લાગતાં તે નીચે પટકાયો. બધાને લાગ્યું કે તે મૃત્યુ પામ્યો હશે. પણ એટલામાં એ વાનરનો એક સાથી તેની પાસે આવ્યો. તેણે પેલા બેહોશ વાનરને હચમચાવીને હિંસક રીતે તેને બચકાં ભર્યાં. અને ચમત્કાર થયો. બેહોશ વાનર ભાનમાં આવી ગયો અને તે બચી ગયો. મેડિકલ સાયન્સની કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (સીપીઆર) ટેક્નિક દ્વારા મિત્રનો જીવ બચાવીને પેલા વાનરે સાબિત કરી દીધું કે તેનામાં આ ટેક્નિકની કુદરતી આવડત હોય છે.

પક્ષીઓને મારતાં સૌર કિરણો

યુએસમાં નેવાડા સ્ટેટમાં ૨૦૧૩માં ૮૩ અલગ અલગ પક્ષીઓની જાતિઓના પક્ષીઓ બળેલી પાંખ સાથે આકાશમાંથી નીચે પટકાયાં. આવું થવાનું કારણ હતું ઈવાનપાહ નામનો સૌર ઊર્જા એકમ. આ વીજ એકમમાં ૩,૦૦,૦૦૦ અરીસાઓ સૂર્યના પ્રતિબિંબને કેન્દ્રિય ટાવર તરફ ફેંકતા હોવાથી તે ભાગમાં ઉષ્ણતામાન ૧૦૦૦ ડિગ્રી સેલ્સિયસને આંબતું હતું. પંખીઓને તેની ખબર ન હોવાથી તે જ્યારે આ ગરમ ભાગમાંથી પસાર થતાં ત્યારે તેની પાંખો બળી જતાં તે જમીન પર પટકાતાં હતાં.

બોમ્બની જેમ ફૂટતા ખડકો

માણસની જેમ ખડકો પણ એક લેવલ સુધી સ્ટ્રેસ વેઠયા બાદ છેવટે ફટી શકે છે, ફૂટી શકે છે. સિયેરા નેવાડા વિસ્તારના એક ડેમ નજીક, ધરતીકંપ જેવા કોઈ દેખીતા કારણ વિના ખડકો અચાનક ફટવા લાગ્યા. આ વિચિત્ર અને જોખમી ઘટનાઓને લીધે સમગ્ર વિસ્તારને અસુરક્ષિત ઘોષિત કરી દેવામાં આવ્યો. ભૂસ્તરશાસ્ત્રીઓએ અભ્યાસ કરીને એવું તારણ કાઢયું કે વધારે પડતો તાપ અને આકરો દુકાળ, આ બે સ્થિતિના મિલનના પરિણામે ખડકોનું (દિમાગ?) ફ્ટક્યું અને તે ફૂટયા.

ખરેખર, કુદરતની લીલા અપરંપાર છે.

  •  Special Featurea

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આકાશમાં ત્રણ-ત્રણ સૂરજ ઊગતા જોવા મળ્યા appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/sky-three-three-sun-rise/
via Best Gujarati News

0 Comments