પોતાની જાતે ડાન્સ કરતો દસ રૂપિયાનો સિક્કો!
ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય
દસ રૂપિયાનો કે પાંચ રૂપિયાનો કે ગમે તેવો સિક્કો હોય, એને કોઈ બોટલ ઉપર મૂકી દઈએ અને પછી એને જરાય હાથ લગાવ્યા વગર ગીત ગવડાવીને ડાન્સ કરાવવાનો પ્રયાસ કરીએ તો સફળ થઈ શકીએ ખરા? વાત સાંભળતાં તો એવું લાગે છે કે સફળ ન થવાય! ખરેખર એવું થઈ શકે કે નહીં એ જાણવા માટે ચાલો, એક પ્રયાસ જાતે કરીને જોઈ લઈએ.
અત્યારે તો વેકેશન ચાલે છે. એક-બે વખત પ્રેકટિસ કર્યા પછી દોસ્તોને ભેગા કરો અને કહો કે તમે સિક્કાને ગીત ગવાડવી શકો છો અને ડાન્સ કરાવી શકો છો. પછી એમની સામે પ્રયોગ ફરીથી કરી જુઓ!
જાતે પ્રયોગ કરવા શું શું જોઈશે?
પ્લાસ્ટિકની બે લીટર પાણીની એક ખાલી બોટલ, દસ રૂપિયાનો સિક્કો, થોડુંક પાણી, વાટકો અને ફ્રીઝ.
પ્રયોગમાં શું કરવાનું છે?
પ્લાસ્ટિકની બે લીટર પાણીની ખાલી બોટલ લો અને તેને ફ્રીઝમાં મૂકી દો. યાદ રહે, બોટલને ફ્રીઝના ફ્રીઝર કહેવાતા બરફ જમાવવાના ખાનામાં મૂકવાની છે.
પ્લાસ્ટિકની બોટલને ફ્રીઝરમાં બે કલાક રહેવા દો.
બે કલાક પછી પ્લાસ્ટિકની બોટલ ફ્રીઝરમાંથી બહાર કાઢવાની છે.
પ્લાસ્ટિકની બોટલ બહાર કાઢતાં પહેલાં વાટકામાં થોડું પાણી ભરો અને તેમાં દસ રૂપિયાનો સિક્કો નાંખી દો.
હવે બધા દોસ્તોને ભેગા કરો. એમને કહો કે તમે દસ રૂપિયાના સિક્કાને ગીત ગવડાવીને ડાન્સ કરાવવાના છો.
પછી ફ્રીઝરમાંથી બોટલ બહાર કાઢો. એને ટેબલ ઉપર મૂકો અને તરત જ પાણીમાંથી પેલો ભીનો સિક્કો લઈ બોટલની ઉપર એ રીતે મૂકી દો કે બોટલનું મોં બિલકુલ બંધ થઈ જાય.
બોટલના મોં ઉપર સિક્કો મૂકતી વખતે ખાસ ધ્યાન રાખો કે બોટલનું મોં બિલકુલ બંધ થઈ જાય.
બોટલનું મોં બિલકુલ બંધ થઈ જાય એ રીતે સિક્કો મૂકી દીધા પછી એક-બે સેકન્ડ પછી બોલો, ચાલ સિક્કા ગીત ગા અને ડાન્સ કર!
જાણે દસ રૂપિયાનો સિક્કો તમારી વાત સાંભળતો હોય, સમજતો હોય અને માનતો હોય એમ એ સાવ ધીમો ધમો અવાજ કરતો થઈ જશે અને બોટલના મોં ઉપર ડાન્સ કરતો હોય એમ ઊંચો-નીચો થવા લાગશે.
તમારા બધા દોસ્તો તો તમારો આ કમાલ જોઈને આૃર્ય પામશે.
આવું શા માટે થયું હશે?
આવો કમાલ હવા કરે છે. વાત સાંભળ્યા પછી તાત્કાલિક માનવામાં આવે એવી નથી. પણ તદ્દન સાચી વાત છે. આ કમાલ હવા જ કરે છે.
આપણે જાણીએ જ છીએ કે બોટલ ખાલી રહેતી નથી. એમાં પાણી ન હોય તો હવા ભરેલી હોય છે.
આપણે ખાલી બોટલ જ્યારે ફ્રીઝરમાં મૂકી અને બે કલાક રહેવા દીધી ત્યારે એ બરફની જેમ ઠંડી થઈ ગઈ. બોટલ ઠંડી થઈ તો એની અંદર રહેલી હવા પણ ઠંડી થતી ગઈ.
હવા ઠંડી થાય તો એ સંકોચાય છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ પદાર્થ ઠંડો થાય તો સંકોચાય છે. એનું કદ નાનું થઈ જાય છે. બોટલમાંની હવા ઠંડી થઈને સંકોચાય તો બોટલમાં જગ્યા ખાલી પડે છે. એ ખાલી જગ્યામાં બીજી હવા આવી જાય છે. એ હવા પણ ઠંડી થઈને સંકોચાય એટલે નાની થઈ જાય છે અને બોટલમાં ફરી જગ્યા ખાલી પડે છે. એમ કરતાં બોટલ ઠરતી જાય એમ એમ એમાં સંકોચાઈને નાની બનેલી હવા ભરાતી જાય છે.
બીજી રીતે કહીએ તો બોટલમાં હવા ઠાંસી ઠાંસીને ભરાઈ જાય છે.
આપણે બોટલને બહાર કાઢીએ ત્યારે એ ગરમ થવા લાગે છે. બોટલ ગરમ થાય તો એની અંદરની હવા પણ ગરમ થાય છે. હવા ગરમ થાય તો એ વિસ્તરે છે એટલે કે ફૂલે છે એટલે એનું કદ વધે છે.
હવાનું કદ વધે તો એ બોટલમાં સમાઈ ન શકે. એટલે જેમ જેમ હવા ગરમ થતી જાય એમ એમ વધારાની હવા બહાર નીકળતી જાય.
બોટલમાંથી હવા બહાર નીકળવા જાય તો દસ રૂપિયાનો સિક્કો એને નડે છે. સિક્કો પાણીવાળો કર્યો હોવાથી એ સીલની જેમ બોટલનું મોં બંધ કરી દે છે.
ફૂલતી હવાને તો બહાર નીકળવું જ પડે. એટલે એ સિક્કાને ધક્કો મારી કોઈ કિનારીથી ઊંચો કરી બહાર નીકળતી રહે છે.
સિક્કાની કિનારી ઊંચી કરી હવા બહાર નીકળતી હોય તો સિક્કો નાચતો હોય એવું લાગે છે. સિક્કો ભીનો હોવાથી એમાંથી નીકળતી હવાના કારણે ઝીણો ઝીણો સૂસવાટાનો અવાજ પણ થાય છે. જાણે કે સિક્કો ગીત ગાઈ રહ્યો હોય!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પોતાની જાતે ડાન્સ કરતો દસ રૂપિયાનો સિક્કો! appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/self-dancing-ten/
via Best Gujarati News
0 Comments