। મોહાલી ।

મેન ઓફ ધ મેચ બનેલા લોકેશ રાહુલની અણનમ અડધી સદી વડે કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આસાનીથી આઠ વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો. મુંબઈના સાત વિકેટે ૧૭૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબની ટીમે ૧૮.૪ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૭૭ રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ઓપનર રાહુલ તથા ક્રિસ ગેઇલે ધીમી શરૃઆત કર્યા બાદ આક્રમક બેટિંગ કરીને પ્રથમ વિકેટે ૫૩ રનની ભાગીદારી નોંધાવી હતી.  ક્રિસ ગેઇલે ૨૪ બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૪૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આઈપીએલમાં ૩૦૦ સિક્સરનો માઇલસ્ટોન પણ વટાવ્યો હતો. મયંક અગ્રવાલે રાહુલ સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. તેણે ૨૧ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. રાહુલ ૫૭ બોલમાં છ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૭૧ રન બનાવીને અણનમ રહ્યો હતો.

અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ સુકાની રોહિત તથા ડી કોકે સંગીન શરૃઆત કરીને પ્રથમ વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે ૧૮ બોલમાં ૩૨ તથા ડી કોકે ૩૯ બોલમાં ૬૦ રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિકે ૧૯ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા. પંજાબ માટે શમી, વિલજોયેન તથા મુરુગન અશ્વિને ૨-૨ વિકેટ ઝડપી હતી.

આઈપીએલમાં ગેઇલની ૩૦૦ સિક્સર પૂરી

મોહાલી  : ટી૨૦ ક્રિકેટમાં યુનિવર્સલ બોસ ગણાતા વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે આઈપીએલના ઇતિહાસમાં ૩૦૦ સિક્સર પૂરી કરવાનો ઇતિહાસ રચનાર પ્રથમ ક્રિકેટર તરીકેની સિદ્ધિ મેળવી છે. લીગની ૧૧૫ મેચમાં ક્રિસ ગેઇલની હવે કુલ ૩૦૨ સિક્સર થઈ છે. સર્વાધિક સિક્સરના મામલે ક્રિસ ગેઇલની નજીક એક પણ ખેલાડી નથી. સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સે ૧૯૨ તથા ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ૧૮૭ સિક્સર ફટકારી છે. સુરેશ રૈના ૧૮૭ સિક્સર સાથે ચોથા તથા મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા ૧૮૫ સિક્સર સાથે પાંચમા ક્રમે છે.

IPLમાં હાઇએસ્ટ સિક્સર ફટકારનાર ટોપ-૫

ખેલાડી                 મેચ            રન             બાઉન્ડ્રી         સિક્સર

ક્રિસ ગેઇલ             ૧૧૫           ૪૧૩૩         ૩૩૬           ૩૦૨

એબી ડીવિલિયર્સ       ૧૪૩           ૪૦૩૨         ૩૩૦           ૧૯૩

એમ. ધોની             ૧૭૭           ૪૦૪૮         ૨૭૭           ૧૮૭

સુરેશ રૈના              ૧૭૮           ૫૦૩૪         ૪૫૫           ૧૮૬

રોહિત શર્મા             ૧૭૬           ૪૫૮૭         ૩૯૪           ૧૮૫

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ઈન્ડિયન્સ સામે પંજાબના કિંગ્સનો વિજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-vs-punjab/
via Best Gujarati News

0 Comments