। ઇપોહ ।

ભારતીય મેન્સ હોકી  ટીમને સુલતાન અઝલન શાહ હોકી કપની ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. મલેશિયાના ઇપોહ ખાતે રમાયેલા ટાઇટલ મુકાબલામાં સાઉથ કોરિયાએ ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નિર્ધારિત સમય પૂરો થયો ત્યારે બંને ટીમો ૧-૧થી સરભર હતી. ત્યારબાદ મુકાબલાનું પરિણામ લાવવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવાયો હતો. જેમાં કોરિયાએ ભારતને હરાવી દીધું હતું. આ સાથે કોરિયાએ નવ વર્ષ બાદ આ ટાઇટલ જીત્યું છે. ૨૦૧૦માં તે ભારત સાથે સંયુક્ત રીતે ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં પરાજયની સાથે ભારતનું છઠ્ઠી વખત ટાઇટલ જીતવાનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. આ પહેલાં ભારત ૧૯૮૫, ૧૯૯૧, ૧૯૯૫, ૨૦૦૯ તથા ૨૦૧૦માં સુલતાન અઝલન શાહ કપમાં ચેમ્પિયન બન્યું હતું. સિમરનજિતસિંહે નવમી મિનિટે કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી. મેચની ૪૭મી મિનિટે કોરિયા માટે જાંગ જોંગ હ્યુને પેનલ્ટી સ્ટ્રોક દ્વારા ગોલ કરીને ટીમ માટે સ્કોર ૧-૧થી સરભર કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે ગોલ કરવાની ત્રણ વખત તક ગુમાવી હતી. કોરિયાએ પાંચ શૂટઆઉટમાં ચાર ગોલ કર્યા હતા. આ પહેલાં મલેશિયાએ કેનેડાને ૪-૨થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  પ્રથમ ક્વાર્ટરમાં કોરિયન ખેલાડીએ ફિલ્ડ ગોલ કરવાના વારંવાર પ્રયાસ કરતાં ભારતીય ટીમ દબાણ હેઠળ આવી ગઇ હતી. જોકે હાર્દિક સિંહ તથા બ્રિન્દ્રા લાકરાએ હરીફ ખેલાડીના આક્રમણને નિષ્ફળ બનાવ્યા હતા. બીજા ક્વાર્ટરમાં ભારતને ત્રણ કોર્નર મળ્યા હતા પરંતુ તમામ વેડફાઇ જતાં ભારત હાફ ટાઇમે ૧-૦થી આગળ રહ્યું હતું. નોંધનીય છે કે ટૂર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમો એકબીજા સામે ટકરાઇ હતી ત્યારે પણ મુકાબલો ડ્રો રહ્યો હતો. ટૂર્નામેન્ટમાં આ માત્ર એક જ એવી મેચ હતી જેમાં કોઇ પણ ટીમ જીતી શકી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભારત પેનલ્ટી શૂટ’આઉટ’, કોરિયા નવ વર્ષ બાદ ચેમ્પિયન મલેશિયાએ કેનેડાને ૪-૨થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-penalty-shootout-corrie/
via Best Gujarati News

0 Comments