વેસ્ટમિંસ્ટર કોર્ટના જજે પૂછયું : નીરવ મોદીને પણ માલ્યાની બેરેકમાં રખાશે
નીરવ મોદી (૪૮)ની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન વેસ્ટમિંસ્ટર કોર્ટમાં થોડીવાર માટે વાતાવરણ જરા હળવું કે રમૂજી થઈ ગયું હતું. ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે રમૂજ કરતાં પૂછયું હતું કે નીરવનું પ્રત્યર્પણ થશે તો તેને પણ શું તેને પણ એ જ બેરેકમાં રાખવામાં આવશે કે જ્યાં વિજય માલ્યાને રાખવામાં આવ્યા છે? ડિસેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યર્પણના આદેશ કરનારા જજ એમ્માએ જણાવ્યું હતું કે આ કેસમાં ઘણી બધી બાબત પરિચિત હોય તેવું લાગે છે. હકીકતે જજે તે વાત જાણવા પ્રયાસ કર્યો હતો કે નીરવને ભારતની કઈ જેલમાં રાખવામાં આવશે.
ભારત તરફથી ચર્ચામાં સામેલ ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ)ના વકીલે જજના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે નીરવનું પ્રત્યર્પણ થતાં તેને મુંબઈ લઈ જવામાં આવશે. સંભવ છે કે તેને આર્થર રોડ જેલમાં જ રાખવામાં આવે કે જ્યાં વિજય માલ્યાની બેરેક તૈયાર કરવામાં આવી છે. તે પછી જજે વાતાવરણ હળવું કરતાં રમૂજના અંદાજમાં કહ્યું હતું કે નીરવને પણ માલ્યા વાળી બેરેકમાં રાખી શકાય છે. અમને ખબર છે કે તેમાં જગ્યા છે. માલ્યાના પ્રત્યર્પણ કેસમાં સુનાવણી વખતે ભારત તરફથી રજૂ થયેલો બેરેકનો વીડિયો પણ જોયો હતો. નીરવે શુક્રવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બીજીવાર દાખલ કરેલી જામીન અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી. આગામી સુનાવણી ૨૬ એપ્રિલે થશે. આવતી મુદતે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરવામાં આવશે.
નીરવ વનુઆતુનું નાગરિકત્વ લેવા કરતો હતો પ્રયાસ : જજ
નીરવની જામીન માટેની અપીલની સુનાવણી વખતે નીરવના વકીલે ૧૦ લાખ પાઉન્ડના જામીન તેમ જ ઇલેક્ટ્રોનિકલી ટેગિંગ ઉપરાંત સ્થાનિક પોલીસ મથકમાં રિપોર્ટ કરતો રહે તે શરત માનવાની પણ તૈયારી બતાવી હતી.પરંતુ જજે કહ્યું હતું કે અબજો ડોલરનો મામલો હોય તેવામાં આટલી સિક્યોરિટી પૂરતી નથી. કેસ હજી પ્રાથમિક કક્ષાએ છે. અને એવું માનવાને પૂરતા કારણ છે કે નીરવ કોઈ સ્થાનિક લોકસંપર્ક ના ધરાવતો હોવાથી સરન્ડર ના થાય તેવી પૂરી શક્યતા છે. નીરવ વર્ષ ૨૦૧૭માં બે લાખ ડોલરમાં વનુઆતુનું નાગરિકત્વ મેળવવા પ્રયાસશીલ હતો પરંતુ તેને નાગરિકત્વ આપવા ઇનકાર થયો હતો.
જામીન મેળવવા શ્વાનની દેખભાળનો મુદ્દો પણ આગળ ધરાયો
૨૬ એપ્રિલ સુધી જેલમાં રહેનારા નીરવ મોદીએ જામીન મેળવવા તમામ ઉપાય અજમાવ્યા હતા. કોર્ટમાં તમામ પ્રકારના તર્કોનો સહારો લીધો હતો. નીરવના વકીલે જામીન મેળવવા પ્રયાસ કરતાં જણાવ્યું હતું કે તેના અસીલ બ્રિટન સાથે સારા સંબંધ છે. તેઓ અહીં જાહેરમાં રહેતા હતા અને ક્યારેય ભાગવા પ્રયાસ નહોતો કર્યો. વકીલે નીરવને જામીન આપવા માટેનું કારણ રજૂ કરતાં એમ પણ જણાવ્યું હતું કે નીરવને બે પાલતુ શ્વાનને સાચવવાના છે. નીરવનો પુત્ર શાળાકીય અભ્યાસ પૂરો કરીને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જતો રહ્યો છે. વૃદ્ધ માતા પિતા માટે નીરવને શ્વાન પાળવાની ફરજ પડી છે. બ્રિટનના લોકો જાનવરોને ખૂબ પ્રેમ કરતાં હોય છે. વકીલે એવી દલીલ પણ કરી હતી કે નીરવ માટે બ્રિટનને બાદ કરતાં ક્યાંય સુરક્ષિત આશ્રય સ્થાન નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વેસ્ટમિંસ્ટર કોર્ટના જજે પૂછયું : નીરવ મોદીને પણ માલ્યાની બેરેકમાં રખાશે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/westminster-court-judge/
via Best Gujarati News
0 Comments