મની લોન્ડરિંગના કેસમાં તલવાર પિતા-પુત્ર વિરુદ્ધ ઈડી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) મની લોન્ડરિંગના કેસમાં કહેવાતા લોબીઇસ્ટ દીપક તલવાર અને તેના પુત્ર આદિત્ય તલવાર વિરુદ્ધ શનિવારે દિલ્હીની એક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ વિશેષ ન્યાયાધીશ સંતોષ માનને જણાવ્યું કે તલવારે વચેટિયા તરીકે કામ કરીને વિદેશી ખાનગી વિમાની કંપનીઓ માટે સાનુકૂળ વાતાવરણ સર્જ્યું હતું અને તેને પરિણામે દેશની એરલાઇન એર ઇન્ડિયાને નુકસાન થયું હતું. તલવારની ધરપકડ ૩૦મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટ દ્વારા 15મી એપ્રિલે ચાર્જશીટ ઉપર વિચારણા કરાશે.
ઈડીના વિશેષ સરકારી વકીલ ડી.પી.સિંહ અને નીતેશ રાણાએ કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલુ છે અને તપાસ બાદ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઈડીએ આ પહેલા નીચલી અદાલતને જણાવ્યું હતું કે સીવીલ એવિએશન મંત્રાલય, નેશનલ એવિએશન કંપની ઓફ ઇંડિયા લિમિટેડ અને એર ઈન્ડિયાના અધિકારીઓના નામ જાણવા તલવારની પૂછપરછ જરૂરી છે. આ અધિકારીઓએ કતાર એરવેઝ, એમિરેટ્સ અને એર અરેબિયા સહિત વિદેશી એરલાઇનનો પક્ષ લીધો હતો.
ઈડીએ દીપક તલવાર વરૂદ્ધ મની લોન્ડરીંગના કેસમાં દિલ્હીની એરોસીટી વિસ્તારની રૂ.120 કરોડની હોટેલ હોલીડે ઇનને શનિવારે ટાંચ મારી હતી. ઇડીનો આરોપ છે કે તલવાર વેવ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો માલિક છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર તલવારે ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક નજીક હોટેલના બાંધકામમાં ગેરકાયદે નાણાંનો ઉપયોગ કર્યો હતો. આ બહુમાળી હોટેલમાં અનેક લક્ઝરી સુવિધા છે.
એજન્સીએ આરોપ મૂક્યો હતો કે તલવારે અમીરાત, એર અરેબિયા અને કતાર એરવેઝ જેવી એરલાઇનને ફાયદો થાય તે માટે નેતાઓ, પ્રધાનો અને સિવિલ એવિએશન મંત્રાલયના અદિકારીઓ સાથે લોબીઇંગમાં ગેરકાયદે જોડાયેલો રહ્યો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર તલવારે 2008-૦9 દરમિયાન એર ઇંડિયાના હિસાબે આ એરલાઇનો માટે સાનુકૂળ વાતાવરણ સર્જ્યું હતું અને ઉડ્ડયનના અધિકાર મેળવ્યા હતા. આના બદલામાં તલવારને વિદેશી એરલાઇનો દ્વારા રૂ.272 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રકમને કાયદેસર બનાવવા તલવારે દેશમાં અને વિદેશમાં પોતાના તથા પરિવારના સભ્યોના નામે અનેક કંપનીઓ ખોલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મની લોન્ડરિંગના કેસમાં તલવાર પિતા-પુત્ર વિરુદ્ધ ઈડી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/in-the-case-of-money-laundering-the-chargesheet-filed-in-court-by-the-ed-against-the-talwar-father-son/
via Best Gujarati News
0 Comments