મનોવૃત્તિ : ડો. નમિતા ગાંજાવાલા

હાલમાં જ નેટફ્લિક્ષ્ પર એક મુવી જોવાનું થયું -FIREBRAND. જેમાં મૂવીનું લીડ કેરેક્ટર દર્શાવાયું છે, એક સ્ત્રી, જે વ્યવસાયે વકીલ છે. તે પણ ડિવોર્સ કરાવવામાં માહિર વકીલ. શરૂઆતથી જ, તેનું કેરેક્ટર મહિલા તરફી, પીડિત મહિલાઓ માટેના તે કેસ લડે છે અને લગભગ દરેક કેસ જીતતી પણ જાય છે. મારે અહી જે વાત કરવાની છે, તે છે, કે તે એક રેપ સર્વાઈવર હોય છે. તે જયારે કિશોરાવસ્થામાં હતી, ત્યારે તેના જ ગામના કોઈ દારૂડિયા માણસે, તેની સાથે જબરજસ્તી કરી અને તેનો રેપ કર્યો હતો. આ આઘાતમાંથી તે હજુ સુધી, પૂર્ણ રીતે ઉભરી નથી શકી. તેણે તે દારૂડિયાની સામે ગુનો નોંધાવ્યો અને કેસ દાખલ કર્યો. ૫ વર્ષ બાદ, પેલા દારૂડિયાને કોર્ટે સજા ફ્ટકારી. પણ, તેનું મન હજુ તે આઘાતમાંથી બહાર નથી આવી શક્યું. ત્યાં સુધી કે, તે તેના પતિ સાથે જયારે જયારે સેક્સના સંબંધો રાખવાની કોશિશ કરે, ત્યારે તેના મન પર, તેનું અતીત ઉભરાઇ આવે. તે જોરજોરથી રડવા માંડે. તેમની વચ્ચે, શારીરિક સંબંધો આગળ જ નથી વધી શકતાં.

તેનો હસબંડ ખુબ સમજદાર હોય છે, તે તેની મનોસ્થિતિ સમજી શકતો હોય છે. તેના પાસ્ટ વિશેની પૂરી જાણકારી તેને લગ્ન પહેલાથી હતી જ. પોતે, પોતાના પતિને શરીર સુખ નથી આપી શકતી, આ વાતનો તેનો ખુબ જ પસ્તાવો પણ થતો. છેવટે, તેમણે સાયકીયાટ્રીસ્ટને મળવાનું નક્કી કર્યું. એક સેશનમાં, તેને ટેડી બિયર આપવામાં આવ્યું. . તેને કહેવામાં આવ્યું કે, એવું માને કે, આ તે જ દારૂડિયો માણસ છે. તો તે તેની સાથે શું કરશે ? તે ખુબ જ ગુસ્સે થઈને, ટેડી બિયરને મારવા માંડે છે, ચપ્પલથી મારે, સાથે ગાળો બોલતી જાય, લાકડી લઈને મારે, ચીસો પાડે અને રડતી જાય. તે હદ સુધી કે, ટેડી બિયર ફાટી જાય ! આટલું કરવાથી, તેના મનને થોડા દિવસો સુધી શાંતિ થઇ. તેને સપનાઓ આવતા બંધ થઇ ગયા. પણ, વળી, એકાદ મહિના બાદ, પાછું, જેમ હતું, તેમ થઇ ગયું. તે જ સપનાઓ વળી તેને હેરાન કરવા માંડયા. તેઓ ડોક્ટરને ફરીવાર મળ્યા. બીજું શું કરી શકાય ? ડોક્ટરે એક નાનકડી એક્સરસાઇઝ આપી. તેને રોજ, તે જ ઘટનાને પોતાના શબ્દોમાં, બને એટલી નાની નાની વિગતો સાથે, લખવી. ત્યારબાદ, તે જ વર્ણન અરીસાની સામે ઉભા રહીને વાંચવું. તે વખતે ગમે એટલી પીડા અનુભવાય, તો પણ, તે એક્સરસાઇઝ પૂરી કરવી. આવું ૧૦ દિવસ કરવું, ત્યાર પછી, પાછા મળીશું.

શરૂઆતમાં, એક્સરસાઇઝ કરતી વખતે, લખતી વખતે તેને અસહ્ય દુખ થતું. તેમાં પણ, જયારે જયારે તે વર્ણન વાંચે, એટલે રડવા માંડે. જાણે કે, તે ઘટના પાછી તેના જીવનમાં બની રહી હોય, એવો તેને અનુભવ થાય ! તેમ છતાં, તે રોજ આ એક્સરસાઇઝ પૂરી કરતી. થોડા દિવસો બાદ, એવું બન્યું કે, તે વર્ણન વાંચતા વાંચતા, તેને કોઈ દુઃખ નહોતું અનુભવાયું ! તેને થયું કે, શું આ ફાલતું સ્ટોરી હું રોજે રોજ વાંચ્યા કરું છું ! તે ઘટનાને લગતા, ઇમોશન્સ – દુઃખ – પીડા જાણે કે ગાયબ જ થઇ ગયા ! તે ઘટના, તેના જીવનમાં માત્ર એક સ્ટોરીની જેમ રહી ગઈ ! જે એક્ષ્પોઝર ટ્રીટમેન્ટ – તરીકે ઓળખાય છે. જે ઘટના કે પરિસ્થિતિ પીડા દાયક હોય, તેનો અનુભવ વારંવાર કરવો, રોજે રોજ કરવો. જેનાથી, તે વખતે અનુભવતું દુઃખ, પીડા, ધીમે ધીમે ઓછા થઇ જાય ! અ થેરાપી, અમુક માનસિક બીમારીની સારવારમાં મદદરૂપ થતી હોય છે.

પીટીએસડી PTSD – POST TRAUMATIC STRESS DISORDER  જેમ ઉપર આપણે જોયું, તેની સારવારમાં પણ મદદરૂપ બને છે. તે સિવાય, એન્ઝાયટી ડીસોર્ડર – અલગ અલગ ફેબિયાની સારવારમાં પણ, તે મદદ કરી શકે છે. પણ, જરૂરી એ છે કે, તે વ્યક્તિ પોતે, તે પરિસ્થતિમાંથી પસાર થવા કેટલી તૈયારી બતાવે છે ? મોટેભાગે, ફોબિયા કે એન્ઝાયટી ડીસ ઓર્ડરથી પીડિત વ્યક્તિ, જે તે પરિસ્થિતિથી દુર જ ભાગતી હોય છે. તેમનું મન, તેનો સામનો કરવામાં પણ, તકલીફ અનુભવતું હોય છે. આથી, આ સારવાર માટે કોઈને પણ તૈયાર કરવા, આસન નથી હોતું. અમુક વખત એવું બને કે, વ્યક્તિ હા તો પાડે, પણ , તે દરમિયાન અનુભવાતી પીડા સહન ન કરી શકે અને તેને પડતું જ મૂકે.

જોવામાં અને વિચારવામાં સરળ લાગતી આ થેરાપી, જે તે વ્યક્તિ માટે એટલી જ મુશ્કેલ બની રહે છે !

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post દર્દ કા હદ સે ગુઝરના હૈ દવા હો જાના appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/pahad-ka-had-say-gujr-hai-drug/
via Best Gujarati News

0 Comments