મમ્મી, પેટમાં દુઃખે છે…
હેલ્થ ઇઝ વેલ્થ : નેહા ચૌહાણ
કેટલાક બાળકોને અમુક ખોરાકની એલર્જી હોય છે. આવો ખોરાક લેવાથી તેઓને પેટમાં ચૂંક આવવી, ઝાડા થવા, શરીર ઉપર ખંજવાળ આવવા સાથે ચકામા થવાં વગેરે જેવાં લક્ષણો દેખાય છે. એલર્જીના આશરે ૯૦% કિસ્સામાં દૂધ, ઈંડા, કઠોળ, સોયાબીન, ઘઉં, માછલી વગેરે એલર્જી માટે કારણભૂત હોય છે. કેટલીકવાર આવા આહારની એલર્જી અપચા તરીકે ઓળખાય છે. કોઈ કિસ્સામાં ખોરાકમાં નાખેલ રંગ અને પ્રિઝર્વેટીવ કારણભૂત હોય છે. ત્રણ વર્ષથી નાનાં બાળકોમાં લીંબુ, મોસંબી, કેરી જેવાં ખોટાં ફળો એલર્જી અને ઝાડો કરે છે.
માતાને કે સમજદાર બાળકને જો અમુક ખોરાક ખાધા પછી ઝાડા થાય છે એવું, અનુભવે જણાઈ આવે તો તેવા ખોરાક ઉપર પ્રતિબંધ મૂક્વો.
ખોરાક ખાધા પછી તુરંત પેટમાં દુઃખાવો થાય તો તે ખોરાકની એલર્જી હોવાની શક્યતા નકારી શકાય નહીં. ખોરાક ખાધા પછી બીજે દિવસે એલર્જીના લક્ષણો દેખાતાં નથી. વળી જે તે ખોરાકથી દર વખતે એલર્જીનાં લક્ષણો દેખાવા જરૂરી છે. ખોરાક એક દિવસે એલર્જી કરે અને બીજે દિવસે ન કરે એવું બને નહીં. ઉપરોક્ત ખોરાક એકાદ-બે અઠવાડિયા બંધ કરવાથી જો પેટમાં દુઃખાવો ન થાય તો તે ખોરાક જ એલર્જી કરતો હતો એમ સમજી તેનાથી હંમેશાં દૂર રહેવું.
નાના બાળકોમાં ઉંમર થતાં ખોરાકની એલર્જી દૂર થાય છે, એવું અનુભવે જોવા મળે છે.
પેટનાં અવયવોનો ચેપ
પેટને જાદુઈ પેટી કહેવામાં આવે છે. કુદરતે તેમાં ઠાંસી ઠાંસીને અવયવો ભર્યા છે. એમાંના કોઈપણ અવયવને ચેપ લાગે તો તેનાથી પેટનો દુઃખાવો થાય, જેમ કે; કિડનીથી શરૂ કરી પેડુમાં આવેલ પેશાબની કોથળી સુધીના મૂત્રમાર્ગમાં ચેપ લાગે, પથરી થઈ આવે, લિવરમાં સોજો આવે કે ચેપ લાગે. એનીમિયા, મેલેરિયા કે થેલસીમિયા થવાથી બરોળ ફૂલાઈ જાય, આંતરડાં અને તેની આજુબાજુ આવેલી લસિકાગ્રંથિઓનો ચેપ, એપેન્ડિકસનો ચેપ જેવાં ઘણા કારણો પેટનાં દુઃખાવા માટે હોઈ શકે.
ઉપરોક્ત વિષય ડોકટરનો કહેવાય. આવા કેસમાં ડોક્ટર સોનોગ્રાફી કે અન્ય લેબોરેટરી પરીક્ષણો કરાવી નિદાન ઉપર આવી શકે છે.
એટલું નોંધી રાખવું કે દુઃખાવો દૂંટીથી જેમ વધુ દૂર તેમ તેની ગંભીરતા અધિક હોય છે.
મનોવૈજ્ઞાનિક કારણો
બાળકને એવી કોઈપણ બીમારી ન હોય કે જેને કારણે તેને પેટમાં દુઃખાવો થાય, તો પણ ક્યારેક માનસિક કારણોથી તે દુઃખાવાની ફરિયાદ કરે છે.
સ્કૂલના તનાવયુક્ત વાતાવરણથી બાળક ડરી ગયું હોય અથવા તો સ્કૂલથી તે દૂર રહેવા માગતું હોય, તો બરાબર સ્કૂલ જવાના સમયે તે પેટમાં દુઃખે છે એવી ફરિયાદ કરે છે. દયાભાવથી પ્રેરાઈ માતા તેને સ્કૂલે ન જવાની સંમતિ આપે છે, અને બાળક આ રીતે તેનું ધાર્યું કરાવે છે. આવા ઢોંગી બાળકોનો પેટનો દુઃખાવો બરાબર સ્કૂલે જવાના સમયે જ શરૂ થાય છે, ટૂંક સમયમાં આપોઆપ શમી પણ જાય છે! અને ત્યારબાદ આખો દિવસ તે લીલાલહેર છે.
ચતુર માતાઓ થોડાક દિવસોમાં બાળકની ચાલાકી સમજી જાય છે, અને ત્યારબાદ તે સ્કૂલે જવાના સમયે કરવામાં આવતી બાળકનાં પેટનાં દુઃખાવાની ફરિયાદને ગાંઠતી નથી.
કેટલાક ઉસ્તાદ બાળકો સોડા પીવા માટે પેટના દુઃખાવાની ફરિયાદ કરે છે. તો વળી કેટલાક માતા-પિતા કે દાદાનો પ્રેમ મેળવવા કે લેશન ન કરવા માટે પેટના દુઃખાવાનું કારણ આગળ ધરે છે. બાળકને ખવડાવતી વેળા તે વધુ ખાય તેવા, માતાના હઠાગ્રહથી બચવા પણ બાળક પેટમાં દુઃખાવાનું કારણ આગળ ધરી માતાથી છટકવાના પ્રયત્નો કરતું હોય એમ પણ બને.
ડોક્ટરની તપાસ અને પરિક્ષણોમાં શારીરિક રીતે બધું નોર્મલ જણાય તો પેટના દુઃખાવા પાછળ મનોવૈજ્ઞાનિક કારણો ભાગ ભજવે છે, એમ માનવું.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મમ્મી, પેટમાં દુઃખે છે… appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/mom-in-the-stomach-sorrow/
via Best Gujarati News
0 Comments