। કોરાપુટ/ઓડિશા ।

પુલવામા હુમલા પછી બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈકમાં મોતને ઘાટ ઉતારવામાં આવેલા આતંકીઓનાં શબ પાકિસ્તાન હજી પણ ગણી રહ્યું છે ત્યારે ભારતમાં વિરોધપક્ષો સરકાર પાસે એરસ્ટ્રાઈકનાં પૂરાવા માગી રહ્યા છે તેમ કહીને પીએમ મોદીએ વિરોધપક્ષોને આડે હાથ લઈ ઝાટકી નાંખ્યા હતા. ઓડિશાનાં કોરાપુટમાં રેલીને સંબોધતા મોદીએ મતદારોને પુછયું હતું કે તમારે મજબૂત સરકાર જોઈએ છે કે નિસહાય સરકાર તે નક્કી કરવાનું તમારા હાથમાં છે. તમારે પાકિસ્તાનને પાઠ ભણાવે તેવી સરકાર જોઈએ છે કે નહીં તે નક્કી કરો. બાલાકોટમાં એરસ્ટ્રાઈકને એક મહિનો થવા છતાં પાકિસ્તાન હજી તેણે કેટલા આતંકીઓ ગુમાવ્યા તે નક્કી કરવા મૃતદેહો ગણી રહ્યું છે. ભારતનાં હવાઈ હુમલાની હજી તેને કળ વળી નથી. ભારતે જ્યારે દુશ્મનોનાં ઘરમાં ઘૂસીને તેમનાં પર હુમલો કર્યો છે ત્યારે અહીં વિપક્ષો તેના પૂરાવા માગી રહ્યા છે તે કેવી કરૂણતા છે. મોદીએ શુક્રવારે ઓડિશા, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં રેલીઓને સંબોધી હતી અને વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

ભારત હવે અવકાશમાં પણ ચોકીદાર બન્યું છે

મોદીએ ભારતનાં મિશન શક્તિની સફળતા વર્ણવતા કહ્યું કે ભારત હવે અવકાશમાં પણ ચોકીદાર બન્યું છે. ભારતે અવકાશમાં ૩૦૦ કિ.મી. દૂર ભ્રમણ કરતા ઉપગ્રહને એન્ટિ સેટેલાઈટ મિસાઈલ્સ છોડીને તોડી પાડયો હતો. ઈસરો અને ડીઆરડીઓનાં આ અભિયાનની મોદીએ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય ટેલિવિઝન પર તેની જાહેરાત સામે વિરોધપક્ષો ટીકાની ઝડીઓ વરસાવી રહ્યા છે તે મુદ્દો પણ મોદીએ રેલીમાં ઉઠાવ્યો હતો. ભારત હવે સ્પેસ પાવર બન્યું છે તેની આખી દુનિયાએ નોંધ લેવી પડી છે. આપણા વૈજ્ઞા।નિકોની આ સિદ્ધિ પર આપણને ગર્વ છે ત્યારે કેટલાક લોકો હંમેશની જેમ આક્ષેપો, ટીકા અને સવાલો ઉઠાવીને આપણી આ સિધ્ધિનું અપમાન કરી રહ્યા છે.

બંધારણનું બહાનું બતાવનારાઓને મુસ્લિમ વોટબેન્કની ચિંતા છે, તેલંગણાની નહીં :વડા પ્રધાન મોદી

મોદીએ તેલંગણાનાં મહેબૂબનગરમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે ભારત માતાનું અપમાન કરનારાઓ અને બંધારણને આગળ ધરીને મુસ્લિમ અનામતની વાત કરનારાઓને ફક્ત તેમની મુસ્લિમ વોટબેન્કની જ ચિંતા છે તેલંગણાની નહીં. લોકોની સેવા કરનારાઓ આજે કેવી રીતે ફટાફટ કોંગ્રેસને છોડી રહ્યા છે તે આપણે સૌ જોઈ રહ્યા છીએ. કૌભાંડોથી ઘેરાયેલી કોંગ્રેસ વીર જવાનોની મર્દાનગી સામે સવાલો ઉઠાવે છે, સપૂતોને બદલે સબૂતો માગે છે તે પરથી કોંગ્રેસ કેવી સ્થિતિમાં પહોંચી છે તે તમે જોઈ શકો છો. પહેલા આખા દેશમાં આતંકવાદ ફેલાયેલો હતો. આજે આપનો ચોકીદાર સજાગ છે એટલે દેશનાં તમામ લોકો સુરક્ષા અનુભવી રહ્યા છે. અમે આ દેશનાં ગરીબોને ૧.૫૦ કરોડ પાકા મકાનો આપ્યા પણ તેલંગણાની સરકાર લોકોને ફ્લેટ આપવાનું કહ્યા પછી કેટલા લોકોને ફ્લેટ મળ્યા તે કહો? અમે રાજ્યનાં વિકાસ માટે જે કંઈ કામ કર્યા તેનાં કરતા વધુ કરી શકીએ પણ રાજ્ય સરકારને તેની પરવા નથી. રાજ્ય સરકારને ફક્ત કેન્દ્ર સરકારની કાર્યોની ટીકા કરવામાં જ રસ છે.

યૂ -ટર્ન બાબુએ બેલગાડી પર સવાર લોકોને શોધ્યા છે 

પીએમ મોદીએ આંધ્ર પ્રદેશમાં રેલીને સંબોધતા જામીન પર છૂટેલા નેતાઓ સામે તીખા તેવર દર્શાવ્યા હતા. મોદીએ આક્ષેપ કર્યો કે જેમને વારંવાર બોલેલું ફરી જવાની ટેવ છે તેવા યૂ- ટર્ન બાબૂ દ્વારા જે લોકો બેલગાડી પર સવાર છે તેવા લોકોને પસંદ કરવામાં આવ્યા છે. અહીં મોદીનો બેલગાડી પર સવાર કહેવાનો મતલબ જેઓ જામીન પર છૂટીને જેલની બહાર છે તેવા નેતાઓ હતો.મોદીએ આંધ્ર પ્રદેશનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડુને યુ- ટર્ન બાબૂ ગણાવીને ટોણો માર્યો હતો. ચંદ્રાબાબૂની તેલુગુ દેશમ પાર્ટી એક સમયે એનડીએનાં સાથી પક્ષ તરીકે હતી પણ પછી ભાજપની કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડયો હતો. મોદીએ કહ્યું કે યુ- ટર્ન બાબૂને રાજ્યનાં વિકાસમાં કોઈ રસ જ નથી. તેઓ કેન્દ્રની યોજનાઓ પર તેમનાં લેબલ લગાડી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રની સતત અવગણના કરવામાં આવી છે અને તેને સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો અપાયો નથી તેવા ચંદ્રાબાબૂનાં આક્ષેપોને મોદીએ વારંવાર ફગાવ્યા હતા. મોદીએ વધુમાં જણાવ્યું કે, આ વખતે મતદાન પછી આંધ્રમાં વિકાસનાં સન (જેહ)નો ઉદય થશે અને બીજા સનનો ર્જહ સેટ થશે એટલે કે વંશવાદનો સૂર્યાસ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પાકિસ્તાન હજી આતંકીઓની લાશો ગણે છે અને વિપક્ષો પુરાવા માગે છે : મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pakistan-yet-terrorists/
via Best Gujarati News

0 Comments