ભાજપ, કોંગ્રેસના ૮૩ ટકા ઉમેદવારો કરોડપતિ
। નવી દિલ્હી ।
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિ પર નજર કરવામાં આવે તો જણાય છે કે ૩૦ ટકા ઉમેદવારો કરોડપતિ છે, પણ આ ચૂંટણીમાં સૌથી વધારે કરોડપતિ ઉમેદવારો ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૩૬૩ કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ૩૪૯ કરોડપતિઓને ટિકિટ આપી છે. માયાવતીની પાર્ટી બસપાએ ૧૨૯ કરોડપતિ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
એક એજન્સીએ તમામ ઉમેદવારોના એફીડેવિટનો અભ્યાસ કર્યા બાદ જણાવ્યું છે કે સંખ્યાના મામલે ભલે ભાજપ, કોંગ્રેસ અને માયાવતીની પાર્ટીના વધારે ઉમેદવારો કરોડપતિ છે પણ આંધ્ર પ્રદેશમાં ટીડીપી, પંજાબમાં શિરોમણી અકાલી દળ અને તામિલનાડુમાં એઆઈએડીએમકેના તમામ ઉમેદવારો કરોડપતિ છે. આ ત્રણ પાર્ટીઓ બાદ તામિલનાડુની ડીએમકેના ૯૬ ટકા ઉમેદવાર કરોડપતિ છે. બિહારમાં લાલુ યાદવની પાર્ટી આરજેડીના ૯૦.૪ ટકા ઉમેદવાર કરોડપતિ છે. આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસના ૮૮ ટકા ઉમેદવાર કરોડપતિ છે. ભાજપના ઉમેદવારોમાં ૮૩.૪ ટકા, કોંગ્રેસના ૮૩.૧ ટકા અને બસપાના ૩૩.૮ ટકા ઉમેદવાર કરોડપતિ છે. ટકાવારીમાં બસપાએ સૌથી ઓછા કરોડપતિ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટીના ૬૦ ટકા ઉમેદવાર કરોડપતિ છે.
ટોપ ૧૦માં ૬ કોંગ્રેસના
ટોપ ૧૦ કરોડપતિ ઉમેદવારોમાં ૬ જણ કોંગ્રેસના છે. આ ઉમેદવારોમાં તેલંગાણામાં કે. વી. રેડ્ડીએ ૮૯૫ કરોડ, મધ્ય પ્રદેશમાં નકુલ નાથે ૬૬૦ કરોડ, તામિલનાડુના એચ. વસંતકુમારે ૪૧૭ કરોડ અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાએ ૩૭૪ કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ સિવાય બે વાયએસઆર કોંગ્રેસ, એક ટીડીપી અને એક અપક્ષ ઉમેદવાર છે. ટોપ ૧૦ કરોડપતિઓમાં સાત ગ્રેજ્યુએટ છે, બે બારમું ધોરણ પાસ છે જ્યારે એક માત્ર ૧૦મું પાસ ઉમેદવાર છે. ૧૦માંથી ૮નો પોતાનો બિઝનેસ છે, એક ઉમેદવાર નોકરિયાત છે જ્યારે એકનો વ્યવસાય જ રાજકારણ છે.
અરુણાચલ પ્રદેશમાં ૧૦ કરોડપતિ
અરૂણાચલ પ્રદેશમાં કુલ ૧૨ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે જે પૈકી ૧૦ કરોડપતિ છે. આ પછી સૌથી વધારે કરોડપતિ ઉમેદવારો હોય એવા રાજ્યોમાં મેઘાલય, મિઝોરમ, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને નાગાલેન્ડનો સમાવેશ છે. આ રાજ્યોમાં બેઠકો ઓછી હોવાથી કરોડપતિ ઉમેદવારોની ટકાવારી વધારે છે. મોટા રાજ્યોની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં ૪૮ ટકા, હિમાચલ પ્રદેશમાં ૪૫ ટકા, ઉત્તરાખંડ અને આંધ્ર પ્રદેશમાં ૪૨ ટકા, હરિયાણામાં ૩૯ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૩૮ ટકા ઉમેદવારો કરોડપતિ છે. આ સિવાય તામિલનાડુ અને છત્તીસગઢમાં ૨૩ ટકા, ગુજરાતમાં ૨૦ ટકા અને કેરળ તથા ત્રિપુરામાં ૨૧ ટકા ઉમેદવારો કરોડપતિ છે. તેલંગાણા એવું રાજ્ય છે જ્યાં સૌથી ઓછા ૧૭.૫ ટકા ઉમેદવારો કરોડપતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભાજપ, કોંગ્રેસના ૮૩ ટકા ઉમેદવારો કરોડપતિ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/bjp-congress-83-percent-umm/
via Best Gujarati News
0 Comments