। નવી દિલ્હી ।

ભાજપ પ્રમુખ અમિત શાહની રેલી દરમિયાન મંગળવારે થયેલા હુમલા અને ત્યારબાદ કોલકાતામાં થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે લાલ આંખ કરી છે. ભાજપ અને ટીએમસી દ્વારા કોલકાતામાં થયેલા તોફાનો મુદ્દે આરોપપ્રત્યારોપનું રાજકારણ રમવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે આકરો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે ૧૬મી મે રાત્રે ૧૦ વાગ્યા બાદ બંગાળની ૯ બેઠકો ઉપર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સ્થળોએ કોઈપણ પ્રકારે પ્રચાર કરી શકાશે નહીં. તેમાં ડમડમ, બારાસાત, બશીરહાટ, જયનગર, મથુરાપુર, જાદવપુર, ડાયમંડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાતા જેવી ૯ બેઠકો ઉપર એક દિવસ વહેલો ચૂંટણી પ્રચાર અટકાવી દેવાયો છે. ગુરુવારે રાત્રે ૧૦ કલાક બાદ આ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર નહીં કરી શકાય. આ સાથે જ બંગાળના પ્રિન્સિપલ સેક્રેટરી હોમ અફેર અત્રી ભટ્ટાચાર્યને ફરજમુક્ત કરાયા છે. રાજ્યના મુખ્ય સચિવ મલયકુમાર ડેને ગૃહ વિભાગનો હવાલો સોંપાયો છે. બીજી બાજુ બંગાળના એડીજી (સીઆઈડી) રાજીવકુમારને પણ ફરજમુક્ત કરીને તાકીદે દિલ્હીમાં ગૃહમંત્રાલય મોકલવામાં આવ્યા છે.  તેમને ગુરુવારે સવારે ૧૦ કલાકે ગૃહમંત્રાલય ખાતે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. ફરજમુક્ત અધિકારીઓ પર બંગાળમાં ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના આક્ષેપ છે.

ચૂંટણીપંચની આકરી કાર્યવાહી પછી મમતા બેનરજીએ જણાવ્યું કે, ચૂંટણી પંચનો નિર્ણય નિષ્પક્ષ નથી તે રાજકીય પક્ષપાત અને અનૈતિકતાથી ભરેલો છે. મોદીને તેમની આવતીકાલની બે રેલીઓ પૂરી કરવાનો અવસર આપી દીધો છે.

જંતરમંતર ખાતે કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ નેતાઓના મૌન ધરણા

કોલકાતામાં મંગળવારે અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાના વિરોધમાં બુધવારે દિલ્હીના જંતરમંતર ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ ધરણા કર્યાં હતાં. તેમણે બંગાળ બચાવો, લોકશાહી બચાવો જેવા પ્લે કાર્ડ સાથે મૌન દેખાવો કર્યાં હતાં. ધરણામાં કેન્દ્રીય મંત્રીઓ હર્ષવર્ધન, જિતેન્દ્રસિંહ અને વિજય ગોયલ જોડાયા હતા.

મમતાએ વિરોધ રેલી કાઢી, મૌન ધરણાં

ટીએમસી દ્વારા ભાજપ સામે જ હિંસા અને તોફાનના આરોપ મૂકવામાં આવ્યા છે. આ મુદ્દે ટીએમસીના નેતાઓ મેદાને પડી ગયા છે. મમતાએ ભાજપ અને અમિત શાહનો વિરોધ કરવા માટે બુધવારે સાંજે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. મમતા સહિત ટીએમસીના નેતાઓ પગપાળા નીકળ્યા હતા અને ભાજપનો વિરોધ કરતા જણાયા હતા.

પહેલી વખત ૩૨૪નો ઉપયોગ કરવો પડયો 

ચૂંટણી પંચે જણાવ્યું કે, આ પહેલી ઘટના છે જેમાં પ્રચાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા આ રીતે ખોરવાયા હોય. તે ઉપરાંત ચૂંટણી પંચે આર્ટિકલ ૩૨૪નો ઉપયોગ કરવો પડયો હોય તે પણ આ પહેલી ઘટના છે. તાજેતરમાં આ કલમ લાગુ કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ જો આવી કોઈ ઘટના બનશે તો ચૂંટણી પંચ આવા જ આકરા પગલાં લેશે. ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું કે, આવી જઘન્ય તોડફોડ દરમિયાન વિદ્યાસાગરજીની મૂર્તિને ખંડિત કરવામાં આવે તે અયોગ્ય અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો આકરાં પગલાં લેવામાં આવશે.

શું છે કલમ ૩૨૪?

આર્ટિકલ ૩૨૪ હેટળ ચૂંટણી પંચ એવા કોઈપણ મુદ્દે દખલ દઈ શકે છે જેમાં કોઈપણ પ્રકારની ગરબડ જણાય અથવા તો કોઈ મુદ્દે અસ્પષ્ટતા હોય. આ કલમ હેઠળ ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિર્વિવાદ ચૂંટણી કરાવવાનો અધિકાર અને સત્તા આપવામાં આવ્યા છે. તેના દ્વારા તેઓ સત્તામાં રહેલા કોઈપણ અધિકારીઓની બદલી કરી શકે, તેમને ફરજ પરથી દૂર કરી શકે છે. તે ઉપરાંત પ્રચારની સમયસીમા નક્કી કરી શકે તથા તેના નિયમો અંગે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણી પંચનો સપાટો : બંગાળના પ્રિન્સિપલ ગૃહ સચિવ ફરજમુક્ત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/elections-bot-bengal/
via Best Gujarati News

0 Comments