। નવી દિલ્હી ।

છેલ્લા એક અઠવાડિયાથી સરહદે વધી રહેલી આતંકી ગતિવિધિઓને કડક હાથે ડામી દેવા સુરક્ષા દળોએ અભિયાન આદર્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં સુરક્ષા દળોએ સરહદે માર્ગે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૭ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.  જમ્મુ- કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ બુધવારે હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર માર્યા હતા. કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષા દળો સાબદા થયા હતા. સુરક્ષા દળોએ જે વિસ્તારમાં આતંકીઓ છુપાયા હતા તેની ઘેરાબંધી કરીને તેમની શોધખોળ આદરી હતી. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા બે આતંકીઓએ સુરક્ષા દળોના જવાનો પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ પણ સામો ગોળીબાર કરીને બન્ને આતંકીઓને ઠાર કરી દીધા હતા.

પૂંછમાં IED વિસ્ફોટ : એક જવાન શહીદ

નિયંત્રણ રેખા નજીક મેંઢર વિસ્તારમાં એક આઈઈડી વિસ્ફોટ થયો હતો જેમાં સેનાના એક જવાન શહીદ થયા હતા. આતંકીઓએ મેંઢરમાં એક આઈઈડી છુપાવી રાખ્યો હતો. આઈઈડી વિસ્ફોટમાં ૭ જવાનો ઘાયલ થયા હતા. જે સમય વિસ્ફોટ થયો તે સમયે ૧૨ મદ્રાસ રેજિમેન્ટની એક ટુકડી ડેરા ડબસી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

પુલવામાં પણ ૩ આતંકીઓ ઠાર થયા હતા

ગુરુવારે પુલવામામાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા તથા એક જવાન શહીદ થયા હતા તો એક નાગરિકનું પણ મૃત્યુ થયું હતું. ઘટનામાં બે સુરક્ષા જવાનો અને નાગરિકને ઈજા પહોંચી હોવાનો રિપોર્ટ હતો. તપાસમાં એ હકીકત સામે આવી કે ત્રણેય ત્રાસવાદી જૈશ-એ-મોહંમદ સાથે સંકળાયેલા હતા.

શોપિયાંમાં ૨ આતંકીઓ ઠાર

આ પહેલાં વીતેલા સપ્તાહમાં શોપિયાં ખાતે સુરક્ષાદળોએ બે ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. શોપિયાં જિલ્લાના હિંદ સીતાપુર વિસ્તારમાં ત્રાસવાદી છુપાયા હોવાની બાતમી આધારે શોધ કાર્યવાહી થતાં સામસામે ગોળીબાર શરૂ થયો હતો. જેમાં બે આતંકીઓને ઠાર કરાયા હતા. છેલ્લા અઠવાડિયામાં ૭ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કુલગાંવમાં હિઝબુલના ૨ આતંકી ઠાર, પૂંછમાં એક જવાન શહીદ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/in-kulgaon-hezbool-2-tea/
via Best Gujarati News

0 Comments