લાઉડમાઉથ :- સૌરભ શાહ

સફળ લગ્નજીવનમાં કોનો ફાળો વધારે? પતિનો કે પત્નીનો? નિષ્ફળ લગ્નજીવનમાં કોનો વાંક વધારે? પતિનો કે પત્નીનો? એક પલ્લામાં કશુંક મૂક્વા જાઓ તો તરત બીજું પલ્લું ખાલી લાગવા માંડે. બંને પલ્લાં સરખાં ક્યારેય નથી લાગવાનાં. ખુદ પતિ કે પત્ની પણ આવા પ્રશ્નોના તટસ્થ જવાબ આપવા માટે અસમર્થ હોય ત્યારે દંપતી સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ કેવી રીતે નિર્લેપ રહીને અભિપ્રાય આપી શકે?

લગ્નજીવન ક્યારેય કોઈની જીદથી નહીં પણ ‘હશે, જવા દો’ની ભાવનાથી સિંચાવું જોઈએ એ તો બધાંને ખબર છે. સવાલ એ છે કે ‘હશે, જવા દો’ કોના મોઢે બોલાવું જોઈએ?

સુનીતાતાઈને પતિ તરીકે પુ.લ. દેશપાંડે ન મળ્યા હોત કે પુ.લ.ને સુનીતા પત્ની તરીકે ન મળ્યાં હોત તો બંનેનાં જીવનમાં કેવા ફેરફારો થયા હોત? કે પછી બંનેનું જીવન જેવું જિવાયું છે એવું જ હોત? આ પ્રશ્ન વિશે સુનીતાતાઈએ ‘આહે મનોહર તરી…’ નામની પોતાની સ્મરણકથામાં વિચાર કર્યો છે પણ એનો સ્પષ્ટ જવાબ એમને મળતો નથી જે સ્વાભાવિક છે. એ પુસ્તક વાંચ્યા પછી, માત્ર એ પુસ્તકમાંની જ માહિતીના આધારે અભિપ્રાય આપવો હોય તો સુનીતાતાઈ માટે તમામ આદર વ્યક્ત કરીને અને પુ.લ. દેશપાંડે જેવા વિરાટ પ્રતિભા ધરાવતા સર્જક-લેખકના જીવનમાં એમણે આપેલા જંગી યોગદાનને ધ્યાનમાં લઈને કહી શકીએ કે સુનીતા પુ.લ.નાં પત્ની ન હોત તો પુ.લ.ના સાહિત્યિક જીવનમાં બહુ મોટો ફરક ન પડયો હોત. પુ.લ.ના અંગત જીવનમાં જરૂર ફરક પડયો હોત અને સુનીતાતાઈના જીવનમાં? પુ.લ.સાથેનાં લગ્નને કારણે સુનીતાતાઈએ જેમ અનેક પ્રગટ તથા અપ્રગટ સુવિધાઓ વેઠવી પડી એમ સુનીતાતાઈને અનેક પ્રગટ તથા અપ્રગટ સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ.

સર્જકો કે પછી કોઈ પણ ક્ષેત્રની મહાન વ્યક્તિઓની વાત નીકળે છે ત્યારે એમના માટે એમનાં પત્ની-બાળકોએ કે માબાપે અને કુટુંબીજનો મિત્રોએ કેટકેટલું વેઠવું પડયું, કેવોકેવો સેક્રિફાઈસ કરવો પડયો એવું આપણે વાંચતા-સાંભળતા હોઈએ છીએ. વાત સાચી પણ હોય તોય જોવાનું એ રહે કે પેલા મહાનુભાવતી સાથે રહેવાથી એમને જે કંઈ નાનામોટા પ્રગટઅપ્રગટ ફાયદાઓ થયા તે બીજા કોઈ મામૂલી માણસ સાથે રહેવાથી થયા હોત? આવા મહાનુભાવની રિફલેક્ટેડ ગ્લોરીને કારણે જ આજે તેઓ દેખાય છે અને સંભળાય છે. અન્યથા કોઈ ગુમનામીમાં સરી પડયાં હોત આ પત્ની-બાળકો-માબાપ-કુટુંબીજનો કે મિત્રો.

સુનીતા ઠાકુર પુ.લ.ને પરણીને સુનીતા દેશપાંડે ન બન્યાં હોત તો એમણે પોતાના ગુમનામ પતિ વિશે કે લગ્નજીવન વિશે ‘આહે મનોહર તરી…’ જેવું કોઈ સ્મરણકથાનું પુસ્તક લખ્યું હોત? લખ્યું હોત તો પણ જે ઉમળકાથી એ પુસ્તકને વાચકોએ વધાવી લીધું અને જેની એડિશન પર એડિશન પ્રગટ થઈ એવું બન્યું હોત? ના. પણ એની સામે એ પણ શક્ય છે કે પુ.લ.નાં પત્ની ન હોત તો સુનીતા ઠાકુર કદાચ સ્વયંપ્રકાશિત હોત અને દુર્ગા ભાગવત કે અન્ય અનેક આદરણીય વિદુષીઓની જેમ પોતાની પ્રતિભાથી ઝળક્યાં હોત. કેમ ખબર પડે?

પુસ્તકના અંતે સુનીતાતાઈ ચાળીસેક વર્ષના લગ્નજીવનનું સરવૈયું કાઢે છે ત્યારે એમને સમજાય છે કે પોતાને શું મળ્યું? લખે છેઃ ‘મને ભાઈ મળ્યો, (પુ.લ.ને તેઓ ‘ભાઈ’ કહેતા કારણકે પુ.લ.ને એમના સર્કલમાં સૌ કોઈ વહાલ અને આદરપૂર્વક ‘ભાઈ’નું સંબોધન કરતું) સાહિત્ય, નાટય, વક્તૃત્વ વગેરે મને ગમતા અને સંગીત જેવા મારા આદરના ગુણવાળો ભાઈ મળ્યો. કુટુંબની જવાબદારી લેનારો પણ તેને બોજો માનીને ભાંગી ન પડનારો…ફરી ફરીને અનુભવાયું તે તેનું મજાક-મશ્કરાપણું ને થોડો સ્વાર્થ, બંનેય નાનાં છોકરાંને શોભે એવું, નિષ્પાપ…બીજા લોકોનો ઘરમાં ઝઘડા થાય છે એમ અનેકવાર અમારા ઝઘડા થયા. મતભેદ થયા. બહુ થયો આ સંસાર ને પ્રેમ, એવો વિચાર પણ અનેકવાર આવ્યો. આ ઘર છોડીને ચાલ્યા જવું એવો વિચાર પણ ઘણીવાર આવ્યો. પણ જવું એટલે ક્યા ંજવું એ સમજાતું નહોતું. ‘આ’ નહીં એમ થતું, એટલું જ, પણ પછી શું જોઈએ છે એનો જવાબ નહોતો…તેથી તે ગુસ્સો કે દુઃખ થોડાં ઓસરે એટલે ફરીથી જૈસે થે ચાલુ થતું.’

લગ્નસંસ્થામાં ન માનનારાં સુનીતાતાઈ વિચારતાં કે લગ્ન પછી મતભેદ થશે કે ઝઘડો થશે તો લગ્ન ચાલુ રાખવાં પણ સમાધાન કરવાં પડે એવી પરિસ્થિતિ એમને મંજૂર નહોતી. પુ.લ.એ સુનીતાના વિચારો સ્વીકારીને લગ્નની ઔપચારિક્તા વિના માત્ર સાથે રહેવાનું- લિવિંગ ઈન રિલેશનશિપ રાખવાનું- સ્વીકાર્યું હોત તો? શક્ય છે કે સુનીતાતાઈ જે સામાન્ય ઝઘડા કે મતભેદોના ઉલ્લેખ કરે છે તેવા-પ્રસંગોએ બંને જુદાં પડી ગયાં હોત, કદાચ ન પણ પડયાં હોત. એ બંને સાથે રહ્યાં અને પુ.લ.ના અવસાન પર્યંત સાથે જ રહ્યાં એમાં શું લગ્નની ઔપચારિક્તાનો કોઈ ફાળો નહીં હોય? લગ્ન વગર પણ બેઉ આજીવન સાથે રહીને આવું જ હર્યુંભર્યું જીવન જીવી શક્યાં હોત? મતભેદોને લીધે બંને અડધે રસ્તે છૂટાં પડી ગયાં હોત તો જીવનની સંધ્યાએ બંનેને જે ઉષ્માભરી લાગણીઓથી છલકાવાનો અનુભવ થતો રહ્યો તે થયો હોત? કે પછી છૂટાં પડયાં હોત તો એકબીજાની ખોટ સાલતી હોત અને કશુંક અધૂરું રહી ગયાની લાગણી સતાવતી હોત? પુ.લ. દેશપાંડે અને સુનીતાતાઈને આ અને આવા અનેક પ્રશ્નો થયા જ હશે. લગ્નજીવનનો અનુભવ લઈ ચૂકેલાં કે એ અનુભવ લેવા માગતાં કોઈપણ સ્ત્રી કે પુરુષને આવા પ્રશ્નો થઈ શકે.

પુ.લ. દેશપાંડેની ખૂબ જાણીતી થયેલી એક કવિતાના સર્જન સમયની સુનીતાતાઈએ વાત કરી છે. પંક્તિ છેઃ

‘કાલનો વરસાદ અમારા ગામમાં આવ્યો જ નહીં

આ પાક અમે આંસુથી તૈયાર કર્યો.’

સુનીતા દેશપાંડે લખે છેઃ ‘કાલનો વરસાદ અમારા ગામમાં પણ આવ્યો જ નહીં, આ પાક અમે પણ આંસુઓ પર જ ઉતાર્યો છે.’

સાયલન્સ પ્લીઝ!  

પતિને સુધારવા માટે પત્ની વર્ષો સુધી જહેમત કરતી રહે છે અને છેવટે સફળતા મળે છે ત્યારે ફરિયાદ કરે છેઃ હવે એ પહેલાં જેવા રહ્યા નથી.

  • અજ્ઞાત

www.sacebook.com/Saurabh.a.shah

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘કાલનો વરસાદ અમારા ગામમાં આવ્યો નહીં. આ પાક અમે આંસુથી તૈયાર કર્યો’ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/tomorrow-rain-in-our-village/
via Best Gujarati News

0 Comments