પ્રયોગશીલ ચિત્રકાર અર્પણા કૌર
એક સે બઢકર એક :- સંગીતા અગ્રવાલ
ભારતમાં વર્ષ ૧૯૮૪માં સિખોનો નર સંહાર થયો હતો. આ ખૂબ કપરો કાળ હતો. તે સમયની નિર્મમતા અને બિભત્સતાએ અર્પણાજીને અંદરથી હચમચાવી દીધાં હતાં. ૧૯૮૪માં થયેલાં હુલ્લડ ઉપર તેમણે આખી સીરિઝની રચના કરી હતી. આ સીરિઝમાં મેલ અને ફિમેલ એમ બંનેનું આલેખન તેમણે કર્યુ હતું. તેમના એક ચિત્રની વાત કરીએ તો તેમણે ખૂબ જ માર્મિક ચિત્રમાં એક માણસને પાણીમાં ડૂબતો બતાવ્યો છે, જેને પાણીમાં ડૂબતો જોનાર દરેક લોકોનેે મોઢું ફેરવી લેતા દોર્યા છે. તેમાંથી એકને બેઠેલો ચિતર્યો છે, એક વાંસળી વગાડી રહ્યો છે, બધાં પોતપોતાના કામમા વ્યસ્ત છે, કોઇને આ માણસનો જીવ બચાવવાની પડી નથી. આ પેઇન્ટિંગ્ઝની સીરિઝનું દિલ્હી, મુંબઇ અને કલકત્તામાં પ્રદર્શન રાખવામાં આવ્યુ હતું. વર્ષ ૧૯૮૫માં ‘દુનિયા ચલતી રહતી હૈ’ શીર્ષક સાથે અર્પણાજીએ પ્રકૃતિના નિરંતર પ્રવાહને દર્શાવતાં ચિત્રો બનાવ્યાં હતાં. આ સીરિઝને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સીરિઝનું પ્રદર્શન પણ દિલ્હી, મુંબઇ અને કલકત્તામાં રાખવામાં આવ્યું હતું. આ સીરિઝના એક ચિત્રમાં એક ઘરને આગ લાગતી દર્શાવવામાં આવી હતી અને એક આર્ટિસ્ટ પોતાની કળાની ઠંડક તેમજ સહનશીલતાથી તે આગને ઠારવાનો પ્રયત્ન કરતો પણ બતાવવામાં આવ્યો હતો. આ ચિત્ર માટે અર્પણાજીને આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વર્ષ ૧૯૮૭માં અર્પણાજી વૃંદાવનના મથુરા સંગ્રહાલયમાં ગયાં હતાં. તે જગ્યાએ બીજી સદીના વિશ્વના અનેક ચિત્રનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં આવીને તેમણે અનેક નવા વિષયોનું અધ્યયન કર્યુ, અને અહીં જ તેમણે જાણ્યું કે વિધવાઓ ઉપર હજી સુધી કાંઇ ખાસ લખવામાં નહોતું આવી રહ્યું. વૃંદાવનમાં તેમણે વિધવાઓને કઠોર જીવન જીવતી જોઇ અને તેમની સાથે થતાં શોષણને પણ જોયુ. વિધવાઓના કઠોર જીવનને તેમણે વિડોઝ ઇન વૃંદાવનના શીર્ષક હેઠળ ચિત્રિત કર્યુ. અર્પણાજીએ પોતાનાં આ ચિત્રો દ્વારા લોકોને અનુભવ કરાવરાવ્યો કે જ્યારે વિધવાઓ પોતાની યુવાનીમાં હતી ત્યારે તેમનું જીવન કેવું હતું, અને તેમની સુંદરતા કેવી રહી હશે, જ્યારે હવે તેમની હાલત કેવી છે. અર્પણાએ તેમના આ વિચારોને ટાઇમ્સ સીરિઝ શીર્ષક હેઠળ ચિત્રિત કર્યાં હતાં. સમય કે જેને કાળ કહેવામાં આવે છે તે વિષય પર તેઓ આજ સુધી કામ કરી રહ્યાં છે.
ટાઇમ્સ સીરિઝમાં પણ તેમણે મેલ અને ફિમેલ બંને ફિગર્સનો પ્રયોગ કર્યો છે. તેમણે પોતાનાં ચિત્રો દ્વારા એ પણ બતાવવાનો અને લોકોને જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે આજના સમયમાં વિજ્ઞાાનના ક્ષેત્રમાં ભલેે ગમે તેટલી પ્રગતિ થાય, પણ તેમ છતાં મૃત્યુ ઉપર કોઇનો કંટ્રોલ નથી. આપણે પણ ઝાડના પાનની જેમ જ એકવાર ખરી જવાનું છે, કેમ કે આ જ પ્રકૃતિનો નિયમ છે. અને પ્રકૃતિનો નિયમ માત્ર મૃત્યુ જ છે. ટાઇમને દર્શાવવા માટે એક સ્ત્રીને ભરતકામ કરતી દર્શાવાઇ છે, જ્યારે બીજી સ્ત્રી તેનું ભરતકામ કાતર વડે કાપી રહેલી બતાવાઇ છે. આ ચિત્રમાં કાતરને સમયનું પ્રતીક બતાવવામાં આવી છે. વિશ્વમાં કાતર, પ્લગ અને ટ્રાફિક લાઇટનો પેઇન્ટિંગમાં પહેલો પ્રયોગ અર્પણાજીએ જ કર્યો હતો. તેઓ પોતાના ચિત્રો દ્વારા બતાવવા માંગતા હતા કે પ્રકૃતિ સર્જન કરે છે, જ્યારે સમયના પ્રતીકરૂપે દર્શાવેલી કાતર તેને કાપવા માટે તૈયાર છે.
જીવન-મૃત્યુના આ રહસ્યને દર્શાવવા માટે કબીર ઉપર એક આખી શ્રૃંખલા તેમણે બનાવી છે. વર્ષ ૧૯૯૩માં રવીન્દ્ર ભવનમાં તેને પ્રદર્શિત પણ કરવામાં આવી હતી, જેનું શીર્ષક હતું બોડી જસ્ટ અ ગાર્મેન્ટ, મતલબ કે શરીર એ માત્ર વસ્ત્ર છે. આ શ્રૃંખલાનાં ચિત્રોમાં અર્પણાજીએ કબીરને પાણીને અડતાં બતાવવામાં આવ્યા હતા. કબીર કે જેઓ તે સમયે સાવ સામાન્ય માણસ જ હતા, પણ આજે ય તેમના વિચારો, તેમના લખેલા સાહિત્ય દ્વારા આપણી વચ્ચે જીવે છે. આ ચિત્રની શ્રૃંખલામાં કબીરની સંત વાણીને ડાઉન ટૂ અર્થ નામક શીર્ષક હેઠળ ખૂબ જ સારી રીતે દર્શાવી છે.
અર્પણાજીએ બુદ્ધના જીવન-દર્શનને પણ પોતાના ચિત્રોમાં કંડાર્યુ છે. જ્ઞાાન દ્વારા બુદ્ધ એક સામાન્ય માણસમાંથી મહાત્મા બની ગયા હતા. બુદ્ધના આ વ્યક્તિત્વને અર્પણાજીએ એક કલ્પવૃક્ષની માફક બતાવ્યું છે, એક એવું કલ્પવૃક્ષ કે જેનાં બધાં જ પાંન ધીરે ધીરે ખરી રહ્યાં છે અને તેની ઉપર એક સમયે કિલકારીઓ કરતા પક્ષીઓ પણ હવે ધીરે ધીરે તે વૃક્ષને છોડીને જઇ રહ્યાં છે. આ આખી વસ્તુને અર્પણાજીએ મૃત્યુનુ પ્રતીક બનાવ્યું છે અને આ જ શ્રૃંખલામાં બુદ્ધનો સંપર્ક ભગવાન સાથે કરાવવા માટે તેમણે પ્લગનો ઉપયોગ કર્યો હતો. તેમણે પ્લગને સંપર્કનો પ્રતીક બનાવીને મુક્યો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સે પણ તેમના આ ચિત્રોને છાપ્યાં હતાં.
(ક્રમશઃ)
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રયોગશીલ ચિત્રકાર અર્પણા કૌર appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/experimental-painter-dedication/
via Best Gujarati News
0 Comments