વડોદરામાં કેપલોન એજ્યુ.ના નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ
। વડોદરા ।
અલકાપુરી વિન્ડસર પ્લાઝાના ૮મા માળે આવેલી કેપલોન એજયુકેશન પ્રા.લી.ની ઓફિસમાં ગત રાતે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને શૈક્ષણીક સંસ્થાની આડમાં સંચાલકો દ્વારા ધમધમતા ડુપ્લીકેટ માર્કશીટના ગેરકાનૂની કારોબારનો પર્દાફાશ કર્યો હતો. ઓફિસમાં સર્ચ દરમિયાન આર.કે.ડી.એફ. યુનિ. ભોપાલ, મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડ, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી, ઓ.પી.જી.એસ. યુનિવર્સિટી રાજસ્થાન અને સત્યસાંઈ યુનિ.એમ.પી.ની જુદા જુદા નામોની ૭૨ નકલી માર્કશીટો મળી આવી હતી. જે સીલસીલામાં કેપલોન ગ્રુપ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના મુખ્ય સંચાલક વિરલ જયસ્વાલ સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઓફિસમાંથી સી.પી.યુ. સહિતના સાધનો કબજે કરાયા છે. નકલી માર્કશીટો કયાં છપાવતાં હતા ? આ ટોળકીમાં યુનિવર્સિટીના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ ? તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આ કૌભાંડ કેવી રીતે પ્રકાશમાં આવ્યું તે અંગે પોલીસે જણાવ્યું હતુ કે, પ્રશાંત રાઠોડ નામના એક ભોગ બનનારે સંપર્ક કર્યો હતો. તેમના નાની યુ.એસ.ના શિકાગોમાં રહેતા હોય વિદેશ જવા ઈચ્છતા હતા. પરંતુ પ્રશાંત ૧૨મુ નાપાસ હોવાથી ચાન્સ લાગતો નહતો અખબારમાં છપાયેલી જાહેરાત વાંચીને ૨૦૧૬માં અલકાપુરી વિન્ડસર પ્લાઝાના ૮મા માળે આવેલી કેપલોન ગ્રુપ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડની ધો.૧૨ પાસની માર્કશીટ આપવા માટે સંસ્થાના સંચાલક વિરલ જયસ્વાલે રૂ. ૪૦,૦૦૦ની માંગણી કરી હતી. આખરે રૂ. ૨૦,૦૦૦માં સોદો નક્કી થયો હતો. જે રકમ ચેકથી ચુકવાઈ હતી. જેની સામે મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડની ધો.૧૨ પાસની માર્કશીટ આપવામાં આવી હતી. જે માર્કશીટ શંકાસ્પદ જણાંતા પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ રકમ પરત કરવાનો સંસ્થા સંચાલકે ઈનકાર કર્યો હતો. જેથી ભોગ બનનારે થોડાક દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો.
કઈ યુનિ.ની બોગસ માર્કશીટ પકડાઈ
- આર.કે.ડી.એફ. યુનિવર્સિટી, ભોપાલ.
- મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડ.
- મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ
- વારાણસી,
- ઓ.પી.જી.એસ. યુનિવર્સિટી રાજસ્થાન,
- સત્યસાંઈ યુનિ.એમ.પી.
રૂ.૨૦ હજારથી ૭૦ હજાર સુધીના વિવિધ ડિગ્રીના ભાવ
નકલી માર્કશીટો શું ભાવે વેચવામાં આવતી હતી તે સવાલના જવાબમાં ડીસીપીએ કહ્યું હતું કે ગ્રાહકની ગરજ પ્રમાણે સંચાલકો દ્વારા પૈસા વસૂલવામાં આવતા હતા. જે ભોગ બનનારે પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો તેની પાસેથી ધો.૧૨ પાસની માર્કશીટ માટે રૂ.૨૦,૦૦૦ લીધા હતા. આ સિવાય બીકોમ, એમકોમ, બીફાર્મ, એન્જિનિયરિંગની માર્કશીટનો ભાવ રૂ.૪૦ હજારથી રૂ.૭૦ હજાર સુધી વસૂલવામાં આવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વડોદરામાં કેપલોન એજ્યુ.ના નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-vadodara-kaplan-education-no/
via Best Gujarati News
0 Comments