આરોગ્ય :- વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આયુર્વેદનાં પ્રસિદ્ધ ઔષધ રસાયન ચૂર્ણની બનાવટમાં આમળા અને ગળોની સાથે ગોખરુ પણ ઉમેરવામાં આવે છે. કેમકે આમળા અને ગળોની જેમ ગોખરુ પણ રસાયન ઔષધ છે. રસાયન એટલે એવુ ઔષધ કે જે વૃદ્ધાવસ્થા અને વ્યાધિઓને દૂર કરવામાં શરીરને મદદરૂપ થાય. ગોખરુમાં આવા જ ઔષધિય ગુણો રહેલા છે. રસાયન હોવાની સાથે ગોખરુ મૂત્રમાર્ગના રોગોનું રામબાણ ઔષધ છે. તો આ ઉત્તમ આયુર્વેદિય ઔષધ વિશે થોડું નિરૂપણ કરું છું.

ગુણકર્મો 

સંસ્કૃતમાં ગોખરુને ગોક્ષુર, ત્રિકંટક, શ્વદંષ્ટ્રા વગેરે નામ આપવામાં આવ્યા છે. જમીન પર બેથી ત્રણ ફૂટ સુધી ફેલાયેલા- પથરાયેલા ગોખરુનડ છોડ સમસ્ત ભારતમાં થાય છે. ગોખરુના બીજીને એક જાતના મોટા ગોખરુ કહે છે. જે સમુદ્રના તટવર્તી પ્રદેશોમાં અધિક થાય છે.

આયુર્વેદિય મતે ગોખરુ સ્વાદમાં મધુર, શીતળ, સ્નિગ્ધ, ચિકણા, બળ આપનાર, ભૂખવર્ધક, રસાયન, મૂત્રલ, બસ્તિશોધક, હૃદય માટે હિતકારી, કફ માટે નિઃસારક, ગર્ભસ્થાપન તેમજ મૂત્રકષ્ટતા, પથરી, રક્તસ્રાવ, બળતરા, પ્રમેહ, વાયુનાં રોગો, અગ્નિમાંદ્ય, મસા, ઉધરસ, દમ, શીઘ્રપતન તથા સ્વપ્નદોષ મટાડે છે.

રાસાયણિક દૃષ્ટિએ ગોખરુનાં ફળમાં ક્ષાર ૩.૫થી ૫ પ્રતિશત સ્થિરતેલ, સુગંધિત ઉડનશીલ તેલ, રાળ, ટેનિન, ગ્લાઈકોસાઈડ, સ્ટિરોલ તથા નાઈટ્રેટ્સ હોય છે. ગોખરુનાં છોડમાં હર્મેન તથા તેના બીજમાં ર્હિમન નામનાં ક્ષાર તથા થોડા સેપોનીન હોય છે.

ઉપયોગ 

ગોખરુ બહુ સારા ‘મૂત્રલ’ અર્થાત મૂત્ર સાફ લાવનારા છે. ગોખરુ, પાષણભેદ, સાગનાં ફળ, કાકડીનાં મીંજ, સાટોડીનાં મૂળ, ભોંયરીગણીનાં મૂળ અને ગળો. આ બધા ઔષધો સરખા ભાગે લઈ, ખાંડીને અધકચરો ભૂક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભૂક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો. ઉકળતા અડધુ પાણી બળી જાય એટલે ઉતારી ગાળીને પીવાથી મૂત્ર સરળતાથી અને સાફ આવે છે. મૂત્ર સંબંધી તકલીફોમાં આ ઉકાળો અથવા એકલા ગોખરુનો ઉકાળો બનાવીને પણ આપી શકાય.

આમવાત અને કમરનાં દુઃખાવા જેવી તકલીફો માટે આ ઉપચાર ખૂબ જ લાભદાયી છે. એક ચમચી ગોખરુ ચૂર્ણ અને એક ચમચી સૂંઠનું ચૂર્ણ લેવું. બે ગ્લાસ પાણીમાં આ બંને ચૂર્ણ નાંખી ઉકાળવાં. ઉકળતા એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને સવાર-સાંજ આ દ્રવ પીવાથી કમરનો દુઃખાવો, સાંધાની વેદના વગેરે મટે છે. કબજીયાત હોય તો આ ઉકાળામાં થોડું દિવેલ નાંખીને પીવું.

સ્ત્રીઓને પ્રદર રોગ થયો હોય (સફેદ પાણી પડતું હોય) તો ગોખરુનું ચૂર્ણ અડધી ચમચી+ગાયનું ઘી એક ચમચી+ ખડીસાકર એક ચમચી, મિશ્ર કરી સવાર-સાંજ લેવું. પ્રદર રોગ મટી કમરનાં દુઃખાવામાં થોડા દિવસમાં જ રાહત થાય છે. રસાયન ચૂર્ણ ઘી સાથે લેવાથી પણ પ્રદર રોગ મટે છે. રસાયન ચૂર્ણ ઉત્તમ ધાતું પૌષ્ટિક, વાજીકરણ અને રસાયન છે. બજારમાં તૈયાર મળી રહે છે.

રસાયન ચૂર્ણની જેમ ગોક્ષુરાદિ ગુગળ, ગોક્ષુરાદિ ક્વાથ, ગોક્ષુરાધિ અવલેહ, ગોક્ષુરાધિ ઘૃત વગેરે ઔષધોમાં ગોખરુ મુખ્ય ઔષધ રૂપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મૂત્રમાર્ગના રોગોનું રામબાણ ઔષધઃ ગોખરુ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/urine-disease-ram/
via Best Gujarati News

0 Comments