ધરતીને હરિયાળી બનાવવા એક અબજ વૃક્ષો રોપવાની નેમ રાખતો હિમાચલનો જયચંદ
ઓફબીટ :- જિજ્ઞાસા પટેલ
એમ તો આપણે પર્યાવરણ દિવસ, પૃથ્વી દિવસ, ઓઝોન દિવસ એવા પર્યાવરણની ચિંતા કરતા અનેક દિવસો ઉજવીએ છીએ. એમ છતાં પૃથ્વીને બચાવી લેવાની ચિંતા હજુ ઓછી થતી નથી. ૫મી જુને જ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાના છીએ, ત્યારે પર્યાવરણવી ચિંતા કરનારાઓને પણ યાદ કરી લેવા જોઇએ. જેમને માટે સતત પૃથ્વીની ચિંતા રહેતી હોય એવા લોકો દિવસની ઉજવણીની સાથે સાથે વાસ્તવિક રીતે એ ઉજવણીને સાર્થક કરી દેખાડનારા વીરલા પણ છે. એવો જ એક વીરલો એટલે જયચંદ.
અત્યારે જ જુઓને કેટલી ગરમી પડી રહી છે. હીટ વેવ અને ઓછા વરસાદને પગલે દેશના કેટલાય વિસ્તારમાં પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે. એ વખતે જ આપણને પૃથ્વી પરની હરિયાળીનું નિકંદન કાઢી નાંખ્યાનો વસવસો થતો હોય છે. એ ખરું કે આપણો સ્વભાવ સ્મશાન વૈરાગ્યનો હોય છે, તેથી ગરમીના દિવસો વીતી જશે એટલે આપણે એ ચિંતા છોડી દઇએ, તેથી જ વૃક્ષારોપણ કરવાની મોટી ઉજવણી કરતાં હોવા છતાં હજુ પર્યાવરણને સમું કરી શક્યા નથી. સાથે એ પણ ખરું કે હજુ આપણે પૃથ્વીને લીલી ચાદરમાં લપેટી લેવામાં ઉણા ઉતર્યા છીએ. ૫મી જુને આપણે સૌ પર્યાવરણ દિવસની ઉજવણી શાળા- કોલેજમાં કરીને ઘરભેગા થઇ જઇએ. કદાચ, એટલામાં જ આપણે ફ્રજ બજાવ્યાનો સંતોષ કરી લઇએ. સ્વાભાવિક છે કે આર્થિક સજ્જતા વધવા સાથે આપણે આપણા પ્રશ્નોનો ઉકેલ ટેકનોલોજીથી લાવવા માંડયો છે, તેથી તેની વિષમતા અને તેની અસર અંગે આપણે ખાસ ચિંતીત નથી અને તેથી જ પૃથ્વીનું તાપમાન સતત વધતું જ જાય છે. પૃથ્વીના પટ પર કોંક્ન્રિટના જંગલો વધતા જાય છે, હરિયાળી ઘટતી જાય છે, તેને કારણે આરોગ્યના અનેક પ્રશ્નો પણ સતાવી રહ્યા છે. આપણી આસપાસ વૃક્ષો ખાસ રહ્યા નથી, તેથી ઓક્સિજનની અછત આપણને શ્વસનતંત્રના રોગોની ભેટ આપી રહ્યું છે, છતાં દવા લઇને ચાલતા ફ્રતો રહેતો માનવી એ રોગના મૂળ સુધી જઇને હરિયાળી ઉછેરવાથી દૂર જ રહ્યો છે. એવું નથી કે આ સમસ્યા બધા જ સમજતા નથી. કેટલાક એવા વીરલા છે, જે પર્યાવરણની ખરેખર ચિંતા કરે છે. તેઓ દિવસની ઉજવણીનો દેખાડો કરવાને બદલે વાસ્તવિક ફેરફરો લાવવા માટે જાતને હોમી દેતા હોય છે, એવો જ એક વીરલો એટલે ટીનેજર જયચંદ.
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કહ્યું હતું કે સપના એ જે તમારી ઊંઘ ઉડાડી દે…૧૮ વર્ષના જયચંદની ઊંઘ પણ ઉડી ગઇ અને તેને પગલે હિમાચલ પ્રદેશમાં વનનું વાવેતર થઇ રહ્યું છે. જહાનથી ૯૦ કિલોમીટર દૂર ભંગાડીના રહેવાસી જયચંદ ૧૧મા ધોરણમાં ભણતો હતો, ત્યારે શાળામાં જવા માટે તેણે ૩૦ મિનિટનો સીધા ચઢાણવાળો રસ્તો કાપવો પડતો હતો.
ચાર વર્ષ પહેલાં તેણે નોહરાધર ખાતેની ગર્વમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કુલમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરીને પાછા ફ્રતાં તેની આંખ ઉઘડી ગઇ હતી. તેનો શાળાએ જવા આવવાનો રસ્તો સાવ બોડો થઇ ગયો હતો. રાહદારીઓ માટે એ રસ્તો અકળાવનારો બની રહે. છાંયડો હોય તો કોઇને પણ રાહત થાય એ સમજાઇ ગયા બાદ તેણે રસ્તાની બંને બાજુ, શાળાના મેદાનમાં, ઘરની પડતર જમીનમાં વૃક્ષારોપણ ચાર વર્ષ પહેલાં શરુ કર્યું. તેના પિતા રામલાલે પણ તેને ટેકો આપ્યો, આજે ત્રણ વર્ષમાં ૧૦૦થી વધુ વૃક્ષ તે ઉછેરી શક્યો છે. સફ્રજન, અખરોટ તથા દેવદાર જેવા જંગલના વૃક્ષો સહિતના વૃક્ષો તેણે ઉછેર્યા છે. હા, તેણે આ વૃક્ષો ઉછેર્યા છે. સામાન્ય રીતે આપણે વૃક્ષારોપણ કરીને ભુલી જઇએ છીએ, તેથી રોપેલા કેટલાય છોડ તો એમ જ મરી જતા હોય છે. છોડ રોપીને તેને ઘેઘૂર વૃક્ષ બને ત્યાં સુધી કાળજી રાખો તો પછી છોડ આપમેળે પોતાની અને પર્યાવરણની કાળજી રાખતો થઇ જશે.
જયચંદ ૧૦મા ધોરણ સુધી ચોકર ખાતેની શાળામાં ભણતો હતો, ત્યાં તેના કામથી પ્રેરિત થઇને કેટલાય વિદ્યાર્થીઓએ પણ વૃક્ષારોપણ કરવા માંડયું છે, તો એ ચાનક તે જ્યાં ભણતો એ નોહરાધર ખાતેની શાળામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ જેહમતથી આગળ વધી રહ્યો છે. જયચંદ અને તેના સાથીઓએ સામાન્ય રીતે બને છે એમ વૃક્ષારોપણ કરીને ભુલી જતા નથી, તેનું જતન કરે છે અને તેનો રેકોર્ડ પણ રાખે છે.
એ કારણથી જ વૃક્ષારોપણ ફ્ક્ત એક દિવસની ઉજવણી બની રહેવાને બદલે જમીન પર હરિયાળી લહેરાવવા માટે સફ્ળ રહ્યું છે. હરિયાળી વધી રહે એ દિશામાં તેના પ્રયાસો ચાલુ જ છે, ત્યારે તેના એ પ્રયાસને બિરદાવવામાં પણ આવ્યો છે. જયચંદનું આ બદલ એન્વાર્યમેન્ટ લિડરશીપ એવોર્ડથી સન્માન થયું છે. તે કહે છે કે તે કોઇ વહીવટી નોકરી મેળવીને વૃક્ષારોપણનું કામ ચાલુ રાખશે અને એક અબજ વૃક્ષ ઉછેરવાનું તેનું સપનું છે. વિદ્યાર્થીઓ જીવનમંત્ર તરીકે વૃક્ષ ઉછેરને અપનાવે તો આપણા બોડા થતાં જંગલો ફ્રી હર્યાભર્યા થઇ જાય. ફ્ક્ત પોતાના જ હિતને જાળવવાને બદલે ધરતી માતાના હિતને પણ જાળવવાનું આપણે શીખી જઇશું, ત્યારે આ ધરતી પણ લીલીછમ થઇને આપણને સાચવવામાં ક્યાંય પાછી ન પડે એ ચોક્કસ.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ધરતીને હરિયાળી બનાવવા એક અબજ વૃક્ષો રોપવાની નેમ રાખતો હિમાચલનો જયચંદ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/earth-green-making-one/
via Best Gujarati News
0 Comments