હાસ્યાસવ :- કનુ આચાર્ય

છકુભાઈએ બે હાથ ઊંચા કરીને જાહેર કર્યું કે- આજે તેઓ આંશિક ઉપવાસ કરશે. ભીષ્મની જેમ ટંકાર કરતા ચકુને પછી ન રોકી શકે શકુ ય! ચકુભાઈના જમણા અને ડાબા હાથ જેવા બે સહચરો નટુ અને ગટુ વિસ્મયથી તેમના ચહેરાની વ્યથાને નીરખી રહ્યા હતા. તેમનું ચાલે તો પોતાની હથેળી વડે એ વ્યથાને લૂછી નાખેઃ પણ વ્યથા જેટલી ઉપર હતી, તેના કરતાં ભીતર વધુ હતી.

ચકુભાઈના અલ્પ ઉપવાસ માટે ગટુ પોતાની જાતને ભારોભાર દોષિત સમજતો હતો. એને થતું હતું કે એ સવાર સવારમાં વહેલો ઊઠયો શું કામ? વહેલો ઊઠયો તો ભલે ઊઠયો, પણ પ્રભાતિયાં સાંભળવાને બદલે તેણે સમાચાર પત્ર શું કામ વાંચ્યું? વાંચ્યું તો ભલે વાંચ્યું પણ ભાવો ઘટવાના સમાચાર શું કામ વાંચ્યા? ને એ સમાચાર વાંચ્યા તો ભલે વાંચ્યા પણ એ સમાચાર ચકુભાઈને શું કામ આપ્યા?

સોનાના ભાવ ઘટયા, ચાંદીના ભાવ ઘટયા, શેરનો ભાવ તળિયે જઈને બેઠો છે. ને એરંડાનો વાયદો તો હડૂડૂડુસ થઈ ગયો. ગટુ ગણતરી કરાવતો હતો ત્યાં ચકુભાઈ તાડૂક્યા. ‘ધીરો પડ ધીરો મારાવાલા, તારે સોના ચાંદીને કેટલા ટકા? તેં શેર જોયો છે?’

‘હા. મારા માનવા પ્રમાણે શેર એ હિન્દી શબ્દ છે. હવે ભાષામાં પહેલા જેવી આભડછેટ ક્યાં રહી છે? કેટલીય ભાષાના શબ્દોએ ગુજરાતીમાં ઘૂસ મારી છે. શેરનો અર્થ સિંહ થાય છે ને મેં એને પ્રાણી સંગ્રહાલયમાં જોયો છે.’

‘ગટુ-ગટુ આપણે કયાં સિંહને વેચાતો લઈને પ્રાણીઘર માંડવાં છે? અલ્પજનને ઉપયોગમાં આવે તેવી કઈ વસ્તુના ભાવ ઘટયા?’

‘ફૂગાવો ઘટયો છે. સરકારે એની જાહેરાત બહુ જોરશોરથી કરી છે. આ ફૂગાવો એટલે શું? એ મને ના સમજાયું.’

ચકુભાઈ વિચારના ઝોલે ચડી ગયા. ફૂગાવો એટલે શું? ફૂગાવાની સંધિ છૂટી પાડીએ તો ફૂગ + વા થાય. વાયરાથી ઊગતી કોઈ વનસ્પતિ હોઈ શકે. ફૂગાવા અંગે મારે પણ સંશોધન કરવું પડશે. ત્યાં અંદરથી શકુનો અવાજ આવ્યો. શું સવાર-સવારમાં ઊઠીને લમણાઝીંક કરવા માંડયા છો?

‘શકુ, બહુ સારા સમાચાર છે. ભાવો ઘટી રહ્યા છે.’

શકુ એકદમ બહાર દોડી આવી. કોણ કહે છે ભાવો ઘટી રહ્યા છે? ટામેટાના ભાવો ટાલ તોડી નાખે એવા છે. ડુંગળીનો ભાવ સાંભળીને ડોળા ફાટી જાય છે. સાવ મફતની પાલખ ને મેથીની સામે તો જોવાતું નથી. શેના ભાવ ઘટયા?

ચકુભાઈને કહ્યું, ‘સરકારી નિવેદન છે કે ફૂગાવો ઘટયો છે.’

ફૂગાવો? એ શું છે? કોઈ શાક છે? ધાન છે?’ શકુએ નાકના ફોયણા ઉપર મેલી સાડી ઘસી.

ચકુભાઈ ચિંતન કરવા લાગ્યા. છેલ્લા બે દિવસથી પોતાની નજરે પણ ફૂગાવો શબ્દ અછડતો આવતો હતો. જો કે પોતે એને નજર અંદાજ કરી દીધેલ. સારું થજો ગટુનું કે તેણે આવા રાષ્ટ્રીય સમાચાર તરફ પોતાનું ધ્યાન દોર્યું. ચકુભાઈનો નિૃય દૃઢ થયો કે ફૂગાવાનો ભાવ ઘટયો હોય તો જનતા જનાર્દને ફૂગાવો જ ખરીદવો જોઈએ. પણ ફૂગાવો એ શું ખાદ્ય પદાર્થ છે?

ત્યાં તો ગટુ સાક્ષાત સામે આવીને ઊભો. ‘મહાસોચી, તમે દરેક વસ્તુ, ક્રિયા કે ઘટના વિષે ઊંડો વિચાર કરો છો; એટલે તો દિલ્હીથી તમને મહાસોચીની પદવી મળી છે. સરકાર જ્યારે સંસદના કઠેડા ઉપર ઊભી રહીને જાહેર કરે છે ત્યારે ફૂગાવો ઘટયો જ હશે. મારું મન અનેક શંકાઓથી ભરાઈ ગયું છે.’

‘ગટુ, બહુરત્ના વસુંધરા. પૃથ્વી ઉપર ચોર્યસી લાખ પ્રકારની વનસ્પતિ ઊગે છે. તેમાં કોઈ જગ્યાએ ફૂગાવા નામની વસ્તુ પણ ઊગવા સંભવ છે. આપણે ફૂગાવા વિષે ત્વરિત સંશોધન કરીને જનતા જનાર્દનને એ અંગે સવેળા જાણ કરવી જોઈએ.’

એ પછી ચકુભાઈ, ગટુ અને નટુ સાથે બજારમાં તપાસ કરવા નીકળ્યાં. ત્યાં અનાજના હોલસેલ મંગુભાઈ તો હસી હસીને ગોટે વળી ગયા… ‘ઓહો.. હો.. તમે ફૂગાવા વિષે નથી જાણતા? અર્થતંત્ર મજબૂત બને ત્યારે ફૂગાવો ઘટે. સરકાર પ્રજાને આશ્વાસન આપવા માટે અર્થતંત્રની ભાષામાં કહે છે કે- અમારું અર્થતંત્ર મજબૂત બન્યું છે. કારણ ફૂગાવો ઘટયો છે.’

‘ઓત્તારીની? સરકાર આવા આવા કારહા કરે છે?’ ગટુથી બોલાઈ ગયું. પણ મંગુભાઈએ ટોણો માર્યો. તમે તો મહાસોચી છે. તમને તો એ માટેની ખાસ ડિગ્રી મળી છે!

‘ડિગ્રી નહીં ડિગ્રી નહીં, ઉપાધિ કહો ઉપાધિ. ને જુઓ મંગુભાઈ, દરેક માણસ અજ્ઞાની હોય છે. પણ દરેકનું અજ્ઞાન જુદુ જુદુ હોય છે. તમે શાસ્ત્ર જાણે છો? પુરાણોની ખબર છે તમને?’

મંગુભાઈએ ડોકી હલાવીને ના પાડી. પોતાના અજ્ઞાનને સ્વીકાર્યા પછી ચકુભાઈ ઊંડા આઘાતમાં સરી પડયા. શબ્દ આંગ્લભાષાનો હોય, મલેચ્છ કે બુચ (ચીની, જાપાની) ભાષાનો હોય તે ના સમજાય તો મન વળે. પણ ફૂગાવા નામનો આ શબ્દ દૈવીભાષાનો હોવા છતાં મને ખબર ન હોય? એના પૃતાપ માટે હું અલ્પ ઉપવાસ કરીશ.

‘મહાસોચી, અલ્પ ઉપવાસ એ શું હોય છે?’ નટુએ પૂછયું

ચકુભાઈએ ત્વરિત જવાબ આપ્યો. જો આખો દિવસ ભૂખ્યા રહીએ તો ઉપવાસ ગણાય. અર્ધાદિવસનો અર્ધોપવાસ. પણ હવે સાંજે જ્યારે મને મારી ભૂલ વિષે પ્રતીતિ થઈ છે ત્યારે અત્યારથી જ હું ભોજનનો નિષેધ કરું છું તે અલ્પોપવાસ છે.

ગટુએ કહ્યું, ‘શકુભાભી, હું અને નટુ પણ મહાસોચી સાથે અપલોપવાસમાં જોડાઈએ છીએ.’ ચકુભાઈ તાડૂક્યા. અપલો નહીં, અલ્પ…અલ્પ..ગટુ, તું શબ્દના કૂચેકૂચા કરી નાખે છે.’

‘હા. ઈ જે કેવાતું હોય ઈ, ભાભી અમારેય ફરાળમાં દૂધ ને ફ્રૂટ ચાલશે.’

ચકુભાઈએ કહ્યું, ‘હું કાલ સવાર સુધી જળ સુધ્ધાં લેવાનો નથી. સમજ્યા?’

નટુએ ગટુને ઠૂંહો માર્યો- ‘સાલા, મને આમાં કયાં ભેરવી દીધો?’

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચકુભાઈ ફૂગાવાના ગોટે ચડયા appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/chakubhai-inflation-goethe-chaya/
via Best Gujarati News