ક્લાસિક :- દીપક સોલિયા

વિજ્ઞાનીઓ, લેખકો અને કલાકારો આમ તો ઝટ સહમત ન થાય, પરંતુ એક વાતે સૌ સહમત છે કે મનુષ્ય તેની આખી જિંદગીમાં સૌથી વધુ સુરક્ષિત (અને કદાચ સુખી પણ) ગર્ભાવસ્થા દરમિયાન હોય છે. માતાના પેટની કોથળીમાં બાળકને કશી એટલે કશી જ ચિંતા નથી હોતી. ગર્ભાશયમાં માણેલાં એ લાડ, એ સુરક્ષા, એ માહોલ, માતાના હૃદયનો એ ધબકાર… આ બધું તેના અવચેતન મનમાં આજીવન સંઘરાયેલું રહે છે અને પછી જીવનમાં જ્યારે પણ મુશ્કેલી કે બેચેનીનો અનુભવ થાય ત્યારે માણસ ગર્ભાવસ્થામાં માણેલી અવસ્થાની યાદ અપાવતી ચેષ્ટા કરવા પ્રેરાતો હોય છે. જેમ કે, મધર મેરીએ તેડેલા બાળ ઇસુના હજારેક ચિત્રોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે એવું નોંધાયું કે એમાંના બે-તૃતિયાંશથી વધુ ચિત્રોમાં મેરીએ બાળ-ઇસુને ડાબી તરફ તેડયા છે. શું કામ? કારણ કે ડાબી છાતીએ સંભળાતો માતાના હૃદયનો અવાજ શિશુને ગર્ભાવસ્થામાં સાંભળેલા અવાજની યાદ અપાવીને સુખદ અનુભૂતિ કરાવે છે. મધર મેરી છોડો, સામાન્યમાં સામાન્ય માતા પણ અભાનપણે જાણતી-સમજતી હોય છે કે છોકરું બહુ રડતું હોય ત્યારે એને જમણાને બદલે ડાબી તરફ તેડીને થપથપાવવામાં આવે ત્યારે એ વધુ ઝડપથી શાંત થાય છે. એ જ રીતે બેચેન મનુષ્ય સહેજ-સહેજ ડાબે-જમણે ડોલીને અભાનપણે છેવટે તો ગર્ભાવસ્થામાં અનુભવેલા માતૃધબકારનો લય યાદ કરતો હોય છે.

વિજ્ઞાનીઓ અને વિદ્વાનોની આ થિયરી સાથે સહમત થવું કે ન થવું એ બધું ભલે જે તે વ્યક્તિ પોતપોતાની રીતે નક્કી કરે, પરંતુ એક વાત નક્કી છે કે શિશુ ચાહે ગર્ભસ્થ હોય કે જન્મી ચૂકેલું હોય, તેને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં સ્ત્રીઓ કુદરતી રીતે જ વધુ કાબેલ અને જબરી હોય છે. ખાતરી ન થતી હોય તે કોઈ પણ માદા પ્રાણીની નજર સામે તેના બચ્ચાને સતાવવાની ખોટેખોટી કોશિશ કરી જોજો… પેલી તમારા હુમલો કરશે. માટે, આવી કોશિશ કર્યા વિના સીધેસીધું જ માની લેવા જેવું છે કે ચોકીદારી કરવાના મામલે સ્ત્રી મજબૂત, નો-નોનસેન્સ, નોન-નેગોશિયેબલ હોય છે. પછી એ ચોકીદારી ચાહે સંતાનની હોય કે પછી પોતાનાં દાગીનાંની, ઘરની કે વરની હોય… જો મેરા હૈ, ઉસે કોઈ હાથ નહીં લગાયેગા… ઔર અગર કિસી ને હાથ લગાયા… તો વો ગયા સમજો…

ચોકીદાર તરીકેની આ જે ખતરનાક પ્રકારની ખુમારી સ્ત્રીની અંદર કુદરતી રીતે રહેલી છે એનો રોમેન્ટિક રીતે પરચો આપતી આ પંક્તિઓ છેઃ

મૈં દેખૂં તો સહી દુનિયા તુમ્હેં કૈસે સતાતી હૈ

કોઈ દિન કે લિએ અપની નિગહબાની મુઝે દે દો.

તું તારી ચોકીદારી મને સોંપી દે. પછી જોઉં છું, કોણ તને હેરાન કરે છે?

બસ, તુમ અપના રંજ-ઓ-ગમ અપની પરેશાની મુઝે દે દો…

તો, આ જે ગીતની વાત ચાલી રહી છે તેમાં ત્રણ અંતરા છે. ત્રણેયની છટા અલગ છે. એક અંતરો ખુમારીવાળો છે, જે આપણે ઉપર જોયો, જે વટથી કહે છેઃ હું જોઉં તો ખરી કે હું તારી નિગહબાન-ચોકીદાર બનીને બેઠી હોઉં ત્યારે કોની એ મજાલ છે કે તને સતાવે?

આ સિવાયનો બીજો એક અંતરો કૂણો છે, ગરીબડો છે. એમાં, પુરુષનું દર્દ ઉછીનું માગી રહેલી સ્ત્રી સામે ચાલીને સ્વીકારે છે કે તારે મન હું તો આમ પણ સાવ નકામી જ છું. તો પછી મુજ નકામીને કામમાં લઈ તો જો… ઉસ મેં બુરા ક્યા હૈ?

યે માના મૈં કિસી કાબિલ નહીં ઇન નિગાહોં મેં

બુરા ક્યા હૈ અગર યે દુખ યે હૈરાની મુઝે દે દો.

તારી નજરમાં (પોઈન્ટ ટુ બી નોટેડ, તારી નજરમાં, વાસ્તવમાં નહીં) હું આમ પણ નકામી જ છું, કોઈ જ કામની નથી. તો ઠીક છે, તારા નકામા દુઃખ અને હેરાનગતિ મને આપી દે. કમસે કમ એટલી તો ઉપયોગિતા છે મારી. હું નકામી હોઉં તો પણ સાવ નકામી નથી.

રેન્જ જુઓ. આ સ્ત્રી ઘડીકમાં ખતરનાક ચોકીદાર બનવાની વાત કરે છે તો ઘડીકમાં મુજ નકામીને કામમાં લેવાની કાકલૂદી કરે છે. અને પછી છેલ્લે આવે છે ત્રીજો અંતરો. એ સ્માર્ટ છે, લોજિકલ છે, પોલિટિકલ છે. શબ્દો આ પ્રમાણે છેઃ

વો દિલ જો મૈંનેં માંગા થા મગર ગૈરોં ને પાયા થા

બડી શૈ હૈ અગર ઉસકી પશેમાની મુઝે દે દો.

અર્થાત્, હે પુરુષ, હું જાણું છું કે તું મારા પ્રેમમાં નથી. તેં તારું દિલ બીજી કોઈ સ્ત્રીને આપી દીધું છે. ઠીક છે, ભલે રહ્યું તારું દિલ બીજી સ્ત્રી પાસે, પરંતુ એ દિલમાંની જે બેચેની, અકળામણ, પશેમાની, એંગ્ઝાઈટી છે એ તો મને આપી દે. એ બહાને તું આખો નહીં ભલે, તારું દિલ પણ આખું નહીં ભલે, પણ તારા રંજ-ઓ-ગમ, તારી નિગહબાની, તારી હૈરાની, તારી પશેમાની મને આપી દઈશ તો… મને તારો એટલો હિસ્સો તો મળી રહેશે. એટલાથી પણ હું ન્યાલ થઈ જઈશ.

અહીં મામલો પોલિટિકલ છે. પુરુષ પરાયો છે. છતાં, સ્ત્રી તેને ફેસલાવી રહી છે, લલચાવી રહી છે, પોતાની તરફ સરકાવી રહી છે.

ખેર, પ્રણયત્રિકોણના રાજકારણની નૈતિકતાઓ અને ખેંચતાણોની ચર્ચા ફ્રી ક્યારેક કરીશું. અહીં વાત કરીએ સૌંદર્યની.

ફ્લ્મિ શગૂનના, સાહિરે લખેલા, ખય્યામે સંગીતમાં ઢાળેલા અને જગજિત કૌરે ગાયેલા આ ગીતનો કેન્દ્રીય ભાવ તો પ્રેમ-કરુણા-સૌંદર્યનો જ છે. પુરુષ મુશ્કેલીમાં છે, ઉદાસ છે, હેરાન છે, પરેશાન છે. અને સ્ત્રી કોઈ પણ ભોગે એને મદદરૂપ બનવા ઈચ્છે છે.

આમાં સૌંદર્ય એ છે કે જે મદદ કરે છે એ ઉપકાર કરે છે એવા પ્રચલિત, સ્વીકૃત સમીકરણને  બદલે અહીં મદદ અને ઉપકારનો દાખલો ઊંધી રીતે ગણાયેલો છે. અહીં સ્ત્રીનો ટોન એવો છે કે હે પુરુષ, જો તું મને તારી મદદ કરવા દઈશ તો હું તારી અહેસાનમંદ રહીશ, તારી મદદ કરવાની છૂટ આપીને તું મારા પર ઉપકાર કરીશ.

હવે આ જે મામલો છે એ ખૂબ જ સૂક્ષ્મ, ખૂબ જ મહત્ત્વનો અને ખાસ સમજવા જેવો છે.

બાત કો ઝરા સમજોઃ જે મદદ લે છે એ અસલમાં સામેના મનુષ્યને વધુ બહેતર મનુષ્ય બનવાની તક આપે છે. સંતાનનો જ દાખલો લઈએ. સંતાનો જન્મથી માંડીને પંદર-સત્તર-વીસ વર્ષ (કે ઘણાં આજીવન પણ) માતા-પિતા પાસેથી મદદ લીધાં જ કરે છે, લીધાં જ કરે છે. પણ આખી વાતની બ્યૂટી એ છે કે સંતાનોને મદદરૂપ બનવામાં, એમની પાછળ ઘસાઈ છૂટવામાં મા-બાપને જીવનની સાર્થકતા જણાય છે. સંતાનો મદદ લઈને, મા-બાપને મદદ કરવાની તક આપીને અસલમાં એમના જીવનને એક જુસ્સો, એક મીનિંગ, એક સાર્થકતા આપીને તેમના પર ઉપકાર પણ કરે છે.

આ વાત માત્ર સંતાન-માવતરને જ નહીં, અન્ય સંબંધોમાં પણ લાગુ પડે છે. જેમ મદદ કરવી એ એક ઉપકાર છે તેમ કોઈ આપણને મદદ કરવાની પરવાનગી આપે એ પણ ઉપકાર જ છે.

શાંતિથી વિચારી જોજોઃ મદદ લેનાર અને મદદ કરનાર, એ બન્ને એકમેક પર ઉપકાર નથી કરતાં શું?

facebook.com/dipaksoliya1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોઈને મદદરૂપ થવું એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/someone-helpful-to-be-man-man/
via Best Gujarati News

0 Comments