વર્લ્ડ કપની ફોર્મેટ પડકારાત્મક, કોઈ પણ ટીમ અપસેટ સર્જી શકે છે : વિરાટ કોહલી
। નવી દિલ્હી ।
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થતા પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી તથા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોહલીએ જણાવ્યું હતું કે ક્રિકેટના મહાકુંભમાં ઇંગ્લેન્ડની પરિસ્થિતિ કરતાં મેચ વખતના દબાણને ખાળવું અત્યંત જરૂરી છે. આ વખતના વર્લ્ડ કપની ફોર્મેટ પડકારાત્મક છે અને કોઇ પણ ટીમ અપસેટ સર્જી શકે છે. ટીમના તમામ બોલર ફ્રેશ છે અને કોઇ પણ ખેલાડી થાકેલો હોય તેમ લાગતું નથી. આઇપીએલ દ્વારા વર્લ્ડ કપની તૈયારી કરવાની સારી તક મળી હતી. ૫૦ ઓવરની ફોર્મેટ માટે ટીમે સારી તૈયારી કરેલી છે.
બીજી તરફ કોચ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જો ખેલાડીઓ પુરી ક્ષમતાથી રમશે તો ભારત ત્રીજો વર્લ્ડ કપ જીતશે તે ચોક્કસ છે. કોહલીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં સફેદ બોલથી રમવું અને ત્યાં ટેસ્ટ મેચ રમવી તેમાં કોઇ ફરક નથી. ઇંગ્લેન્ડની પિચ ભલે હાલમાં સપાટ બની હોય પરંતુ ઓવરનાઇટ કન્ડિશન મહત્ત્વની બાબત હોય છે. ઇંગ્લેન્ડની રાતની પરિસ્થિતિની સવારે અલગ અસર પડતી હોય છે. અમે તેના માટે પણ તૈયાર છીએ. આઇપીએલમાં બોલર્સે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તૈયારી કરી હતી. એક પણ બોલર ચાર ઓવરના સ્પેલ બાદ થાકેલો જણાતો નહોતો. આપણા બોલર્સ વર્ષોથી સાથે રમી રહ્યા છે. ટેસ્ટ હોય કે વન-ડે આપણા બોલર્સે હરીફ બેટ્સમેનોને પડકાર ફેંક્યો છે તેમાં કોઇ શંકા નથી. તેઓ ૫૦ ઓવર સુધી બેટ્સમેનોને દબાણમાં રાખવામાં સફળ રહ્યા છે. કુલદીપ યાદવ તથા ચહલ ટીમની બોલિંગ લાઇનઅપના બે મજબૂત સ્તંભ છે. અમે કેદાર જાધવ માટે પણ વધારે ચિંતિત નથી. તે ફિટ થઇ ચૂક્યો છે.
કોઇ પણ ફેરફાર વિના ટીમને બીસીસીઆઇની લીલી ઝંડી
વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થતા પહેલાં બીસીસીઆઇએ તમામ ૧૫ ખેલાડીઓને લીલી ઝંડી આપી દીધી છે. બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના અનુસાર કેદાર જાધવ પણ સંપૂર્ણ ફિટ છે. હવે ટીમના ૧૫ સભ્યમાં કોઇ ફેરફાર થશે નહીં. બીસીસીઆઇએ ટીમ ૨૨મીએ વહેલી સવારે રવાના થાય તે પહેલાં ટીમને લીલી ઝંડી આપી દીધી હતી. પ્રસાદે જણાવ્યું હતું કે અમને કેદાર જાધવની ફિટનેસ ર્સિટફિકેટ મળી ગયું છે જેના કારણે અમે તેને વર્લ્ડ કપ માટે ફિટ જાહેર કરીએ છીએ. સોમવારે ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે જાધવનો ફિટનેસ રિપોર્ટ અમને સુપરત કર્યો હતો જેનાથી અમે સંતુષ્ટ છીએ. હવે ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. જો વર્લ્ડ કપ દરમિયાન કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થશે તો આઇસીસીની મંજૂરી બાદ અન્ય ખેલાડીને મોકલવામાં આવશે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, દિનેશ ર્કાિતક, ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, શિખર ધવન, વિજય શંકર, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર, જસપ્રીત બુમરાહ.
કોઈ પણ ટીમ કોઈની પણ ગણતરી બગાડી શકે છે : રવિ શાસ્ત્રી
કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય ટીમે ઘણો સારો દેખાવ કર્યો છે. વર્લ્ડ કપ એક મંચ છે જ્યાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવાનું છે અને તેનો આનંદ માણવાનો છે. જો અમે પૂરી ક્ષમતાથી રમીશું તો વર્લ્ડ કપ પાછો લાવી શકીએ તેમ છીએ. જેમ કોહલીએ કહ્યું તેમ કોઇ પણ ટીમ જીતી શકે છે અને અન્ય ટીમની ગણતરી બગાડી શકે છે. જો તમે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર નજર નાખો તો તે કાગળ પણ અન્ય ટીમો કરતાં વધારે શક્તિશાળી જણાય છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ ૨૦૧૫ના મુકાબલા કરતાં વધારે મજબૂત છે.
ધોનીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે
શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ધોની ગમે ત્યારે મેચ બદલી શકે છે. રનિંગ, વિકેટકીપિંગ તથા દબાણને ખાળવાની તેની ક્ષમતા તેને અલગ પાડે છે. આ વર્લ્ડ કપમાં તેની ભૂમિકા મહત્ત્વની રહેશે. આ ફોર્મેટમાં તેનાથી કોઇ વધારે સારું નથી. તે આ વર્લ્ડ કપમાં મેચવિનર તથા મોટા ખેલાડી તરીકે સાબિત થશે તેમાં કોઇ શંકા નથી. અમે કોઇ ટીમને હળવાશથી લેતા નથી.પ્રથમ બોલથી જ આક્રમક રમત રમવી પડશે. આ ટૂર્નામેન્ટમાં નવ મેચો રમવાની હોવાથી ખેલાડીઓને રિધમ હાંસલ કરવાની તક મળશે.
મોટી ટૂર્નામેન્ટમાં દબાણ ખાળવું જરૂરી
આઇસીસીની ટૂર્નામેન્ટમાં પિચો ઘણી સારી રહેતી હોય છે તેથી વર્લ્ડ કપ જેવી મેજર ઇવેન્ટમાં અમે વધારે સારા દેખાવ તથા દબાણને ખાળવાની બાબત પર વધારે ધ્યાન આપીએ છીએ. ઇંગ્લેન્ડમાં ગરમી વધારે હોવાથી અમે મેચો હાઇસ્કોરિંગ થાય તેવી આશા રાખીએ છીએ. વર્લ્ડ કપમાં ટીમે પોતાની ક્ષમતાના આધારે રમવાનું હોય છે. અમે બીજી ટીમો અંગે વિચારતા નથી અને અમારે સાતત્યપૂર્ણ પ્રદર્શનને જારી રાખવાનો પ્રયાસ કરવો પડશે. ઇન્ડિયન આર્મી તથા અમારા કામોની સરખામણી કરી શકાતી નથી. અમે તેમના માટે જેટલું પણ કરી શકીએ તેટલું ઘણું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપની ફોર્મેટ પડકારાત્મક, કોઈ પણ ટીમ અપસેટ સર્જી શકે છે : વિરાટ કોહલી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/world-cup-format-challenge/
via Best Gujarati News
0 Comments